Stock Market: વૈશ્વિક બજારોમાં તેજીને પગલે શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 500 પોઈન્ટ અપ

11 August, 2022 06:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્રી-ઓપન સેશન દરમિયાન જ સેન્સેક્સના 30માંથી 29 શેરો લીલા નિશાન સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

ફુગાવામાં રાહત અને યુએસ માર્કેટમાં જબરદસ્ત ઉછાળાને કારણે ગુરુવારે સવારે સ્થાનિક શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યું. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી સહિતના મુખ્ય સૂચકાંકોમાં વધારો જોવા મળ્યો હતો. ગુરુવારે સવારે 30 શેરોનો સેન્સેક્સમાં 503 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો અને 59,320ના સ્તરે ખુલ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 175 પોઈન્ટ વધીને 17,711ની સપાટીએ ખુલ્યો હતો.

નિફ્ટીના ટોપ ગેઇનર્સ અને ટોપ લુઝર્સ

પ્રી-ઓપન સેશન દરમિયાન જ સેન્સેક્સના 30માંથી 29 શેરો લીલા નિશાન સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા. આ સિવાય નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં આઇશર મોટર્સ, કોલ ઇન્ડિયા, ટેક મહિન્દ્રા, વિપ્રો અને ઇન્ડસઇન્ડ બેન્ક હતા, જ્યારે ટાટા કન્ઝ્યુમર, અપોલો હોસ્પિટલ, એસબીઆઈ લાઈફ, હિન્દાલ્કો અને અલ્ટ્રાટેક સિમેન્ટ ટોપ લુઝર્સ હતા.

વૈશ્વિક બજારની સ્થિતિ

બીજી તરફ અમેરિકી બજાર અઢી મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયું હતું. ડાઉ જોન્સ 535 પોઈન્ટ ઉછળ્યો હતો જ્યારે નાસ્ડેક 325 પોઈન્ટના ઉછાળા સાથે દિવસની ટોચે બંધ રહ્યો હતો. SGX નિફ્ટી 200 પોઈન્ટ ઉછળીને 17750ની નજીક છે. ડાઉ ફ્યુચરમાં 100 પોઈન્ટનો ઉછાળો છે. ક્રૂડ ઓઈલ 97 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું.

ઉલ્લેખનીય છે કે આ પહેલા બુધવારે સ્થાનિક શેરબજારો લગભગ સ્થિર બંધ રહ્યા હતા. 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 35.78 પોઈન્ટના ઘટાડા સાથે 58,817.29 ના સ્તર પર બંધ થયો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 9.65 પોઈન્ટના મામૂલી વધારા સાથે 17,534.75 પોઈન્ટ પર બંધ થયો હતો.

business news share market stock market nifty sensex national stock exchange bombay stock exchange