યેનમાં તીવ્ર ઉછાળો, રૂપિયામાં નવેસરથી નરમાઈ

26 December, 2022 04:09 PM IST  |  Mumbai | Biren Vakil

ચીનમાં કોવિડના વિસ્ફોટથી બજારોમાં નરમાઈ : સીઆઇએસ કરન્સીમાં શાનદાર તેજી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

બૅન્ક ઑફ જપાને ૧૦ વર્ષના બૉન્ડ યીલ્ડ પરની મર્યાદા ૦.૨૫ ટકાથી વધારીને ૦.૫૦ ટકા કરવાનું એલાન કરતાં યેનમાં નાટ્યાત્મક ઉછાળો આવ્યો હતો. કરન્સી બજારોમાં ટોક્યો બૉમ્બ તરીકે  જગાવતા આ પગલાથી યેન ૧૫૨થી ઊછળી ૧૩૧ થઈ ગયો છે. બૅન્ક ઑફ જપાનના પગલાને નાણાંનીતિમાં યુટર્ન માની શકાય. કરન્સી પંડિતોના મતે આવતા વરસે બૅન્ક ઑફ જપાનના નવા ગવર્નર આવે એ પછી દાયકાઓ બાદ પહેલી વાર જપાનમાં વ્યાજદર વધારો આવી શકે. ૨૦૨૨માં જપાન અને ચીનને બાદ કરતાં વિશ્વના મોટા ભાગની બૅન્કોએ વ્યાજદરો વધાર્યા હતા. ૨૦૨૨નુ વર્ષ રશિયા-યુક્રેન વૉર, ચીનમાં કોવિડ-વિસ્ફોટ, અભૂતપૂર્વ ફુગાવો, રિસેશનના ભણકારા, ક્રિપ્ટો-ઍસેટમાં ધોવાણ અને વ્યાજદરમાં તીવ્ર વધારા જેવાં અનેક આશ્ચર્યો સાથે પૂરું થવા જઈ રહ્યું છે. 

 રૂપિયાની વાત કરીએ તો ૮૩.૩૦થી સુધરીને ૮૦.૪૦ થયા પછી રૂપિયો ફરી નબળો પડી ૮૨.૮૮ આસપાસ ક્વોટ થાય છે. ચીનમાં કોવિડ-વિસ્ફોટ અને ભારતમાં પણ નવા વૅરિયન્ટના અમુક કેસ આવતાં સરકારે ઍડ્વાઇઝરી બહાર પાડી છે એનાથી સેન્ટિમેન્ટ ફરી નરમ થયું છે. જો કોવિડના કેસો વધે અને નિયંત્રણો આવે તો ઇકૉનૉમિક સ્લોડાઉનની શક્યતા વધે. ચીનમાં સરકાર નિયંત્રણ હળવાં કરી ઇકૉનૉમીને ફુલ્લી રીઓપન કરવાના મતની છે. આમ થતાં કેસો તો વધશે, પણ હર્ડ ઇમ્યુનિટી આવતા માર્ચની આસપાસ કોવિડ-પીક બની જશે એવો તર્ક ચાલે છે. ચીનમાં કોરોના વધતા ભારતીય બજારોમાં પણ ચિંતાની લહેર ફરી વળતાં સેન્સેક્સ, રૂપિયો તૂટ્યા હતા.

રૂપિયામાં ફૉર્વર્ડ પ્રીમિયમ તાજેતરમાં ૧.૬૪ની અસામાન્ય નીચી સપાટીએ ગયા પછી હવે સુધરીને ૨.૧૫ ટકા થયા છે. આગળ ઉપર ૩.૦૦-૩.૨૦ ટકા થવાની શક્યતા છે. ડૉલર ઇન્ડેક્સમાં ૧૧૪.૫૦ આસપાસ વચગાળાનું ટૉપ બની ગયું છે, એ સાથે યુરો, પાઉન્ડ, યેન સહિત મોટા ભાગની કરન્સીમાં પણ બૉટમ બની ગયાં છે. એશિયામાં ઇમર્જિંગ કરન્સી, જેવી કે કોરિયા વૉન, ચીની યુઆન, ફિલિ પેસો વગેરે પણ બૉટમઆઉટ થઈ ગયાં છે. 

વીતેલા સપ્તાહમાં મુખ્ય કરન્સીમાં યેનની શાનદાર તેજી અને સીઆઇએસ કરન્સીમાં આર્મેનિયા, જ્યૉર્જિયા જેવી કરન્સીમાં ૨૦-૩૦ ટકા જેવો ઉછાળો નોંધનીય છે. રશિયાથી ભાગેલા અમીરોએ જ્યૉર્જિયા, આર્મેનિયા, તાજિકિસ્તાન જેવા દેશોનાં અર્થતંત્રોમાં તેજી આણી છે.

 અમેરિકામાં જીડીપી વિકાસદ ૨૩.૨ ટકા નોંધાયો છે, જે ૨.૯ ટકાની આગાહી કરતાં ઊંચો આવ્યો છે. ફુગાવાના આંકડા થોડા નરમ પડ્યા છે. રોજગારીની સ્થિતિ હજુ ઘણી સારી છે. ટેક શૅરોમાં વધ્યા ભાવથી ૫૦-૬૦ ટકાનો ઘટાડો આવી ગયો છે. જોકે એકંદરે અર્થતંત્ર ઘણું સંગીન છે. ફેડે આ વરસે નવ માસના ટૂંકા ગાળામાં ૪૦૦ બેસિસ પૉઇન્ટનો આકરો વ્યાજદર વધારો કરવા છતાં શૅરબજાર કે ઇકૉનૉમીનો દેખાવ ઘણો સારો છે. હાઉસિંગ સેક્ટર અને ટેક શૅરોમાં નરમાઈ એક રીતે સારી વાત છે. ઇકૉનૉમિક ઓવરહીટિંગનાં જોખમ જતાં રહ્યાં છે. ક્રિપ્ટો-ઍસેટમાં જંગી મૂડીધોવાણની બ્રોડર ઇકૉનૉમી પર કોઈ નેગેટિવ અસર નથી થઈ એ પણ સારી વાત કહેવાય. બીટકૉઇન, સોલાના, ઇથર સહિત સંખ્યાબંધ કરન્સીમાં ભાવો ૬૦-૭૦ ટકા તૂટ્યા છે. મેમે કૉઇન્સ તો લગભગ ૮૦-૯૦ ટકા તૂટી ગયા છે. એનએફટી, ઓલ્ટકૉઇન વૅલ્યુએશન ધરાશાયી થઈ ગયાં છે. ડૉલર ઇન્ડેકસ ૧૧૪.૫૦થી ઘટીને ૧૦૪ સુધી આવ્યો એ એક રીતે ઇમર્જિંગ ચલણો માટે મોટી રાહત ગણાય.

 યુરોપમાં રશિયન રૂબલમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો. રૂબલ ૫૪થી ઘટીને ૭૨ થયો, જોકે ઓવરઑલ રૂબલ ડૉલર સામે ઘણો મજબૂત રહ્યો, સેકન્ડ બેસ્ટ પર્ફોર્મર કરન્સી રહી. જોકે એનું શ્રેય રૂબલની તાકાત નહીં, પણ કૅપિટલ કંટ્રોલને કારણે આવેલી ભ્રામક સ્થિરતા ગણાય. રશિયા-યુક્રેન વૉરને ૩૦૦ દિવસ થઈ ગયા છે. ઉત્તર કોરિયા, તાઇવાન, ભારત-ચીન વચ્ચે તનાવ પણ યથાવત્ છે એ જોતાં ૨૦૨૩ના આરંભે પણ જિયોપૉલિટિકલ રિસ્ક પર બાજનજર રાખવી પડશે. ફેડની વ્યાજદર-વધારાની સાઇકલ ૫.૫૦-૬ ટકા વચ્ચે મે-જૂનમાં પૂરી થઈ જશે. સેકન્ડ હાફમાં કદાચ ફરી મૉનિટરી ઈઝિંગ આવી જશે. ઓવરઑલ કરન્સી રેન્જ યુરોમાં ૧.૦૫-૧.૦૮, પાઉન્ડ ૧.૧૮-૧.૨૪, યેન ૧૩૦-૧૩૭, ડૉલેક્સ ૧૦૩-૧૦૭ દેખાય છે.

business news share market coronavirus covid19 japan indian rupee