ડ્રીમ બજેટ, ડોવિશ ફેડ, સૉલિડ જૉબ ડેટા અને હિંડનબર્ગ - બજારોમાં હુડદંગ

06 February, 2023 03:20 PM IST  |  Mumbai | Biren Vakil

ડૉલેક્સમાં તેજી - રૂપિયામાં કડાકો – રિસ્ક ઑન ઍસેટમાં બીટકૉઇન-ફોમોનું કમબૅક

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ડ્રીમ બજેટની હરખની હેલી પછી ફેડની મીટિંગ ‘ડોવિશ’ રહેતાં રિસ્ક ઑન ઍસેટમાં તેજીનું કમબૅક થયું હતું, પણ હિંડનબર્ગ રિપોર્ટે શૅરબજારની તેજીમાં ભંગ પાડ્યો હતો. શુક્રવારનો જૉબ ડેટા બેહદ મજબૂત આવતાં ડૉલર અને બૉન્ડ યીલ્ડ વધ્યાં હતાં, રૂપિયામાં તીવ્ર ઘટાડો આવ્યો હતો, સોના-ચાંદીમાં અને મેટલ્સમાં ભારે વેચવાલી જોવાઈ હતી. હિંડનબર્ગ રિપોર્ટની અસર એકાદ મહિનામાં ભુલાઈ પણ જશે. એક વાત નોંધનીય છે કે ક્રૉસબૉર્ડર કૅપિટલનું કદ રાક્ષસી હદે વધી ગયું છે. વાઇરલ કન્ટેન્ટ વેપન્સ ઑફ વેલ્થ ડિસ્ટ્રક્શન બની શકે એવું ઉજાગર થઈ ગયું છે. 

ચાઇના રીઓપનિંગ, ડૉલરની કમજોરી, બિગ ટેક શૅરો ટેસ્લા, મેટાનું કમબૅક અને ક્રિપ્ટોમાં બીટકૉઇનના કમબૅકથી ફોમો એલિમેન્ટની વાપસી શરૂ થઈ હતી, પણ અમેરિકા અને ચીન વચ્ચે જાસૂસી બલૂનના મામલે તનાવ વધતાં તેજીના રંગમાં ભંગ પડ્યો છે. અમેરિકામાં મોન્ટાના રાજય કે જ્યાં ન્યુ​ક્લિયર મિસાઇલ જેવી વ્યૂહાત્મક ઍસેટ છે એની નજીક ચાઇનાનું એક સ્પાય બલૂન દેખાયું હતું. અમેરિકાના રાજયમંત્રી ઍન્થની બ્લિન્કેને ચીનની સત્તાવાર મુલાકાત રદ કરી હતી. અમેરિકાએ ચીની સ્પાય બલૂન તોડી પાડતાં ચીને નારાજી વ્યક્ત કરી હતી. ગયા ફેબ્રુઆરીમાં રશિયા-યુક્રેન વૉરે તનાવ વધાર્યો હતો. ફેબ્રુઆરી ૨૦૨૩માં ચીની સ્પાય બલૂન ગ્રહણ ટાણે નીકળેલો સાપ છે. રશિયા-યુક્રેન વૉરમાં હવે અમેરિકા અને નાટોની યુક્રેનને સંરક્ષણ-સહાય વધતી જાય છે. ૨૦૨૨માં બાલ્ટિક સાગર સળગ્યો હતો. ૨૦૨૩માં પૅસિફિક અને સાઉથ ચાઇના સી ગરમ ન થાય તો સારું.

બજારોની વાત કરીએ તો જાન્યુઆરીમાં ૫.૧૭ લાખ રોજગારી વધી હતી જે ગયા મહિના કરતાં બમણી, આગાહીઓ કરતાં ઘણો મોટો વધારો છે. બેકારીદર ૫૩ વરસની નીચી સપાટી ૩.૪ ટકા થયો હતો. ઓવરઑલ જૉબ માર્કેટ સુપરસૉલિડ છે. ફેડે ગયા સપ્તાહે ૨૫ બેસિસ પૉઇન્ટ વધાર્યા, પણ મે મહિનાની બેઠકમાં ૫૦ બેસિસ પૉઇન્ટ વધારવાની સંભાવના નકારાય નહીં. ઈસીબી અને યુકેએ વ્યાજદર ૫૦ બેસિસ વ્યાજદર વધાર્યા હતા. ડૉલેક્સ ૧૦૦.૮૦થી ઊછળી ૧૦૨.૯૪ બંધ રહ્યો હતો. યુરો અને પાઉન્ડમાં ભારે વેચવાલી હતી. પાઉન્ડ ૧.૨૩૫૦થી ઘટીને ૧.૨૦૫૫, યુરો ૧.૧૦૫૦થી ઘટીને ૧.૦૭૯૦ અને પાઉન્ડ ૧.૨૩૫૦થી ઘટીને ૧.૨૦૫૦ થઈ ગયો હતો.

આ પણ વાંચો : રૂપિયામાં શાનદાર રિકવરી-ઇમર્જિંગ ફૉરેક્સ અને બિટકૉઇનમાં તેજી

રૂપિયો નરમ હતો. ફેડના ડોવિશ સંકેતો અને બજેટ યુફોરિયામાં એક તબક્કે રૂપિયો સુધરીને ૮૦.૮૦ થયા પછી શુક્રવારે ૮૧.૮૨ બંધ થયો હતો. જૉબ ડેટા પછી  ડૉલર ઊછળતાં રૂપિયો બે કલાકમાં ૭૦ પૈસા તૂટી ૮૨.૫૧ થયો હતો. હિંડનબર્ગ ઇવેન્ટથી ટૂંકા ગાળા માટે સેન્ટિમેન્ટ નરમ થયું છે. જોકે અમેરિકામાં સૉલિડ વિકાસદર અને ચાઇના રીઓપનિંગ સ્ટોરી, વૈશ્વિક મોંઘવારીમાં ઘટાડાની ગણતરીઓ તેમ જ ભારતીય અર્થતંત્રના સાઉન્ડ ફન્ડામેન્ટલ જોતાં ૨૦૨૩ના વરસમાં વધઘટે શૅરબજારમાં તેજી રહેશે અને એનો લાભ રૂપિયાને પણ મળશે.

ઇમર્જિંગ બજારોમાં યુઆન અને કોરિયા વોનમાં શાનદાર ઉછાળા પછી થોડું કરેક્શન આવ્યું છે. જોકે એકંદરે ઇમર્જિંગ બજારો બૉટમઆઉટ થઈ ગયાં છે. ફોમો ફૅક્ટરની વાપસી રિસ્ક ઑન ઍસેટ માટે સપોર્ટિવ છે. બીટકૉઇનનું કમબૅક બતાવે છે કે જો આગળ પણ મોટી વૉર, મોટી ક્રેડિટ ઇવેન્ટ જેવી દુર્ઘટના ન બને તો વરસના સેકન્ડ હાફમાં વિકસિત શૅરબજારોની રિકવરીનો લાભ ઇમર્જિંગ બજારોને પણ મળશે. 

ડૉલર રુપીની હાલની રેન્જ ૮૧.૩૦-૮૩.૩૦ ગણાય. જો ૮૨.૮૨ ઉપર ટકી જાય તો  ડૉલરમાં આયાતકારોનું શૉર્ટ કવરિંગ આવી શકે, રૂપિયો ૮૩.૭૦-૮૪ જઈ શકે. એવી શક્યતા આમ તો ઓછી છે, પણ હાલમાં બજાર પૅનિક મોડમાં છે એટલે ટૂંકા ગાળા માટે બજારો અવાસ્તવિક તફડાતફડી બતાવી શકે. શૅરબજાર સ્ટેબલ થઈ જાય પછી આગળ જતાં ચાઇના રીઓપન, સારું ચોમાસું, ફુગાવામાં ઘટાડો, કૅપિટલ ઇનફ્લોનો લાભ મળતાં એપ્રિલ-જૂનમાં રૂપિયો ૭૮-૭૯ આવી શકે. રૂપિયો ૮૪ ઉપર ટકી શકે એવી સંભાવના ઘણી ઓછી છે. મુખ્ય ચલણોમાં યુરોની રેન્જ ૧.૦૫-૧.૧૧, યેન ૧૨૮-૧૩૫, પાઉન્ડ રેન્જ ૧.૧૬-૧.૨૨, ડૉલેક્સ રેન્જ ૧૦૦-૧૦૪ અને બીટકૉઇનમાં રેન્જ ૨૦,૦૦૦-૨૭,૦૦૦ છે. 

business news share market stock market national stock exchange bombay stock exchange sensex nifty union budget gautam adani