બજાર પ્રારંભિક પીછેહઠ પચાવીને ફ્લૅટ બંધ, માર્કેટ કૅપ નવા શિખરે, મેટલ શૅરોમાં ઝમક

06 December, 2022 10:12 AM IST  |  Mumbai | Anil Patel

સટ્ટાકીય ખેલામાં રેટન ટીએમટી સતત ઉપલી સર્કિટ સાથે નવી વિક્રમી સપાટીએ : આઇટીમાં એકંદર ઢીલા વલણ વચ્ચે ૬૩ મૂન્સ સાડાપાંચ ટકા ઝળક્યો : માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અદાણી ગ્રુપના બહુમતી શૅર ઘટાડામાં, એનડીટીવી હવે મંદીની સર્કિટની સફર આદરશે : જેકે બૅન્ક, કર્ણાટક બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા સહિત પોણો ડઝન બૅન્ક શૅરોમાં નવાં ઐતિહાસિક શિખર, ડીસીબી બૅન્ક નવી ટોચે જઈ ચાર ટકા ગગડી : બુલિશ વ્યુમાં એક સપ્તાહમાં ૧૫.૫ ટકા વધ્યા પછી પેટીએમમાં નબળાઈ આવી : સટ્ટાકીય ખેલામાં રેટન ટીએમટી સતત ઉપલી સર્કિટ સાથે નવી વિક્રમી સપાટીએ : આઇટીમાં એકંદર ઢીલા વલણ વચ્ચે ૬૩ મૂન્સ સાડાપાંચ ટકા ઝળક્યો : માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ 

એશિયન બજારોમાં નવા સપ્તાહનો આરંભ એકંદર સુધારા સાથે થયો છે. ચાઇના ખાતે કોવિડ સંબંધી નિયંત્રણો હળવા થતાં રી-ઓપનિંગની થીમ ફરી એક વાર કામે લાગી છે. સોમવારે હૉન્ગકૉન્ગ સાડાચાર ટકા અને ચાઇનીઝ માર્કેટ પોણાબે ટકા મજબૂત હતા. તાઇવાન, સિંગાપોર, જપાન મામૂલી સુધર્યા છે. થાઇ માર્કેટ રજામાં હતું. ઇન્ડોનેશિયા અડધો ટકો ઢીલું રહ્યું છે. યુરોપ સાંકડી વધઘટે રનિંગમાં નેગેટિવ બાયસ દર્શાવતું હતું. ઑપેક તરફથી ક્રૂડ ઉત્પાદનના મામલે વર્તમાન નીતિ યથાવત રખાઈ છે, પરંતુ ચાઇનીઝ માગ વધવાની હવામાં બ્રેન્ટ ક્રૂડ પોણાબે ટકા વધીને ૮૭ ડૉલર અને નાયમેક્સ ક્રૂડ ૮૧ ડૉલરની ઉપર ગયા છે. કૉપર તથા ઍલ્યુમિનિયમ વાયદા દોઢ-બે ટકા વધીને આવ્યા છે. 

ઘરઆંગણે સેન્સેક્સ ફ્લૅટ ઓપનિંગ બાદ ૩૬૦ પૉઇન્ટના ઘટાડે ૬૨,૫૦૮ થયા પછી ૪૩૨ પૉઇન્ટના બાઉન્સબૅકમાં ૬૨,૯૪૦ થઈ અંતે ૩૪ પૉઇન્ટ જેવા નજીવા ઘટાડે ૬૨,૮૩૫ બંધ થયો છે. નિફ્ટી પાંચ પૉઇન્ટ વધીને ૧૮,૭૦૧ હતો. બહુમતી ઇન્ડાઇસિસ પૉઝિટિવ ઝોનમાં હતા. જોકે સુધારો ઘણો સીમિત હતો. મેટલ ઇન્ડેક્સ નવમાંથી આઠ શૅરને સથવારે ૨.૪ ટકા કે ૪૯૧ પૉઇન્ટ ઊછળી અપવાદ બન્યો છે. નિફ્ટી મેટલ ૧૫માંથી ૧૩ શૅર પ્લસમાં આપી ૧.૯ ટકા મજબૂત હતો. રોકડું પ્રમાણમાં સારું રહેતાં માર્કેટ બ્રેડ્થને કોઈ વાંધો નથી આવ્યો. એનએસઈમાં ૧૧૯૬ શૅર પ્લસ તો ૮૩૩ જાતો નરમ હતી. સેન્સેક્સ નિફ્ટીમાં સોમવારે કોઈ જ નવી ટૉપ ભલે બની ના હોય, માર્કેટ કૅપ ૯૦,૦૦૦ કરોડ વધી ૨૯૦.૪૭ લાખ કરોડના બેસ્ટ લેવલે પહોંચ્યું છે. 

હિન્દાલ્કો તથા તાતા સ્ટીલ ટૉપ ગેઇનર, રિલાયન્સ ટૉપ લૂઝર બની વધુ નડ્યો 

સેન્સેક્સના ૩૦માંથી ૧૪ અને નિફ્ટીના ૫૦માંથી ૨૭ શૅર વધ્યા છે. હિન્દાલ્કો સાડાચાર ટકાની તેજીમાં ૪૮૨ બંધ આપી નિફ્ટી ખાતે તો તાતા સ્ટીલ ત્રણ ટકાની તેજીમાં ૧૧૫ના ક્લોઝિંગમાં સેન્સેક્સ ખાતે ટૉપ ગેઇનર બન્યા છે. યુપીએલ અઢી ટકા, કોલ ઇન્ડિયા અને ઓએનજીસી બે ટકાથી વધુ તો એનટીપીસી ૧.૭ ટકા અપ હતા. સ્ટેટ બૅન્ક તથા જેએસડબ્લ્યુ સ્ટીલ દોઢેક ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૧.૩ ટકા અને પાવરગ્રીડ ૦.૯ ટકા નિફ્ટી ખાતે પ્લસમાં હતા. રિલાયન્સ સરેરાશ કરતાં સારા વૉલ્યુમે દોઢ ટકો ઘટીને ૨૬૮૩ થયો છે અને બજારને સર્વાધિક ૧૨૧ પૉઇન્ટ નડ્યો છે. અપોલો હૉસ્પિટલ્સ બે ટકા બગડી ૪૭૭૫ના બંધમાં નિફ્ટી ખાતે ટૉપ લૂઝર હતો. તાતા મોટર્સ દોઢ ટકાની નજીક, ટેક મહિન્દ્ર સવા ટકાથી વધુ અને બ્રિટાનિયા એક ટકો માઇનસ હતા. અદાણી ટ્રાન્સ એક ટકાથી વધુ, અદાણી ગ્રીન એકાદ ટકો અને અદાણી પાવર પોણો ટકો ઘટ્યા છે. અંબુજા સિમેન્ટ પોણો ટકો નરમ તો એસીસી અડધા ટકાની નજીક વધ્યા છે.

એનડીટીવી પાંચ ટકાની નીચલી સર્કિટે ૩૯૪ હતો. અહીં અદાણીની શૅરદીઠ ૨૯૪ના ભાવની ૧૬૭ લાખ શૅર હસ્તગત કરવા માટેની ઓપન ઑફર આશરે ૫૩ લાખ શૅર મેળવીને પૂરી થઈ છે, જેમાંથી કૉર્પોરેટ ઇન્વેસ્ટર્સે ૩૯ લાખ શૅર અને નાણાસંસ્થાઓએ સાતેક લાખ શૅર આપ્યા છે. ઓપન ઑફરની પ્રાઇસ બજારભાવ કરતાં ખાસ્સી નીચી હોવા છતાં અદાણીએ આટલો માલ કે રિસ્પોન્સ મેળવ્યો એ અદાણીનો વટ કહેવાય કે પછી કૉર્પોરેટ અને નાણાસંસ્થાઓનું ઓશિયાળાપણું એ અમે નહીં કહીએ. આ સાથે એનડીટીવીમાં હવે અદાણીનું કુલ હોલ્ડિંગ ૩૭.૪ ટકાને વટાવી ગયું છે, જેની સાથે ફાઉન્ડર્સ પ્રણોય અને રાધિકા રૉયનો હિસ્સો ૩૨.૩ ટકા જેવો જ છે. એમના માટે ડિરેક્ટર્સ પદથી વિશેષ આ કંપનીમાં કોઈ હોદ્દો ટેક્નિકલી રહેતો નથી. ક્વિન્ટ ડિજિટલમાં પણ ગમે ત્યારે એનડીટીવી વાળી થઈ શકે છે. રાઘવ બહેલ ઍન્ડ પાર્ટીનું સ્થાન જોખમમાં હોવાનું મનાય છે. આ શૅર ગઈ કાલે સવાબે ટકા વધીને ૩૪૦ બંધ થયો છે. રાઇટ માટે કંપનીની બોર્ડ મીટિંગ ૭મીએ મળવાની છે. 

બૅન્કિંગના ૩૭માંથી ૩૧ શૅર પ્લસ, પીએસયુ બૅન્ક નિફ્ટી નવા શિખરે 

બૅન્ક નિફ્ટી અડધો ટકો કે ૨૨૯ પૉઇન્ટ વધ્યો છે. ઍક્સિસ બૅન્કની પોણા ટકા નજીકની નબળાઈ બાદ કરતાં અત્રે બાકીના ૧૧ શૅર પ્લસ હતા. પીએસયુ બૅન્ક નિફ્ટી સવા ટકો વધી ૪૧૫૨ના બેસ્ટ લેવલે બંધ આવ્યો છે. ઇન્ટ્રા-ડેમાં અહીં ૪૧૫૬ની ટૉપ બની હતી. અત્રે આઇઓબી પોણાત્રણ ટકા કટ થયો છે. બાકીના ૧૧ શૅર વધ્યા છે. સમગ્ર બૅન્કિંગ ક્ષેત્રના ૩૭માંથી ૩૧ શૅર વધ્યા છે. જેકે બૅન્ક દોઢા કામકાજે બાવનની નવી ટોચે જઈ સાડાદસ ટકાના જમ્પમાં ૫૧ ઉપર દેખાઈ છે. બૅન્ક ઑફ ઇન્ડિયા, ડીસીબી બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, કર્ણાટકા બૅન્ક, પંજાબ-સિંઘ બૅન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્કમાં પણ નવા બેસ્ટ લેવલ બન્યાં છે. સાઉથ ઇન્ડિયન બૅન્ક ૭.૫ ટકા, ધનલક્ષ્મી બૅન્ક ૫.૨ ટકા, કર્ણાટકા બૅન્ક ચારટકા, સૂર્યોદય સ્મૉલ બૅન્ક ૫.૮ ટકા, પંજાબ-સિંધ બૅન્ક ૭.૭ ટકાની તેજીમાં વિશેષ ઝળક્યા છે. ડીસીબી બૅન્ક ચાર ટકા તૂટી ૧૩૦ હતો. આઇસીઆઇસીઆઇ બૅન્ક, કોટક બૅન્ક, એચડીએફસી બૅન્ક સામાન્ય સુધર્યા હતા. 

ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૩૭માંથી ૯૨ શૅરના સહારે ૩૧ પૉઇન્ટના સાધારણ સુધારામાં હતો. સાટિન ક્રેડિટ ૧૮ ટકા જેવા ઉછાળે ૧૭૨ના નવા શિખરે બંધ થયો છે. ટીએફસીએલ નવ ટકા, મહિન્દ્ર ફાઇ. ૫.૨ ટકા, આદિત્ય બિરલા કૅપિટલ ૪.૬ ટકા, સુમિત સિક્યૉ. ૪.૩ ટકા, એડલવીસ ૪ ટકા મજબૂત હતા. એન્જલવન ૪.૮ ટકા ગગડી ૧૫૪૨ હતો. બજાજ ટ્વિન્સ સામાન્યથી અડધો ટકો ડાઉન હતા. 

જેફરીઝના બુલિશ વ્યુના પગલે લોઢાની મેક્રોટેક મજબૂત વલણમાં 

જેફરીઝના ઇક્વિટી સ્ટ્રૅટેજીના ગ્લોબલ હેડ ક્રીસ વૂડ ઇન્ડિયન પોર્ટફોલિયોમાં લોઢા ગ્રુપની મેક્રોટેક ડેવલપર્સ તથા અદાણી પોર્ટ્સને સામેલ કરાયા છે. મેક્રોટેક આગલા દિવસની પાંચ ટકાની તેજી બાદ ગઈ કાલે ઉપરમાં ૧૦૯૬ થઈ પોણાચાર ટકા વધી ૧૦૮૮ બંધ રહ્યો છે તો અદાણી પોર્ટ્સ અડધો ટકો સુધરીને ૮૯૩ બંધ હતો. વિદેશી બ્રોકરેજ હાઉસ સીએલએસએ તરફથી પેટીએમમાં ૬૫૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાયનું રેટિંગ આવ્યા પછી શૅર ગત સપ્તાહે સાડાપંદર ટકા વધી ગયા પછી હવે ગોલ્ડમૅન સાક્સ દ્વારા ૧૧૦૦ અને આઇસીઆઇસીઆઇ સિક્યૉ. તરફથી ૧૨૮૫ની ટાર્ગેટ પ્રાઇસ સાથે નવેસરથી બાયનું રેટિંગ આવ્યું છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૫૪૯ થઈ અઢી ટકા ઘટીને ૫૨૩ બંધ થયો છે. ૨૪ નવેમ્બરે આ શૅર ૪૪૦ની અંદર ઑલટાઇમ તળિયે ગયો હતો. પૉલિસી બાઝાર સવા ટકાના ઘટાડે ૪૭૭, નાયકા સવા ટકાની નરમાઈમાં ૧૭૬ તો ઝોમૅટો ૪.૫ ટકા તૂટીને ૬૬ અંદર બંધ આવ્યો છે. રેટન ટીએમટી ઉપલી સર્કિટની હારમાળામાં ૨૯૯ થઈ પાંચ ટકા ઊછળી ત્યાં જ હતો. ૧૩ સપ્ટેમ્બરે ભાવ ૫૧ની નીચે ઑલટાઇમ તળિયે ગયો હતો. મજાની વાત એ છે કે રેટનની ગ્રુપ કંપની લેશાનો શૅર એક ટકો ઘટી ૬.૬૧ તો અશોક મેટકાસ્ટ ૫.૭ ટકા ઊછળી નવ રૂપિયા બંધ રહ્યા છે. સટ્ટાકીય ખેલ રેટનમાં ચાલી રહ્યા છે. પેસ ઈ-કૉમર્સ શુક્રવારે નીચલી સર્કિટનો સિલસિલો અટકાવી પાંચ ટકાની ઉપલી સર્કિટ ૩૧ પર બંધ થયા પછી ગઈ કાલે પાંચ ટકા વધીને ૩૩ થયો છે. 

લાર્સન ઇન્ફોટેકે નરમાઈ સાથે નવા અવતારનો આરંભ કર્યો, ઇન્ફી ફ્લૅટ 

લાર્સન ઇન્ફોટેક અને માઇન્ડ ટ્રીના મર્જરથી અસ્તિત્વમાં આવેલી નવી કંપની એલટીઆઇ માઇન્ડ ટ્રી સોમવારથી નવા અવતારમાં લિસ્ટેડ થઈ છે. શૅર ઉપરમાં ૫૧૨૦ અને નીચામાં ૪૯૬૩ થઈ ૧.૮ ટકા ઘટી ૪૯૭૪ બંધ થયો છે. મર્જર બદલ માઇન્ડ ટ્રીના શૅરધારકોને પ્રત્યેક ૧૦૦ શૅરદીઠ લાર્સન ઇન્ફોટેકના ૭૩ શૅર અપાયા હતા. લાર્સન ઇન્ફો શુક્રવારે ૫૦૬૮ બંધ હતો. નવી કંપનીમાં પેરન્ટ લાર્સનનું હોલ્ડિંગ ૬૮.૭ ટકા છે. લાર્સનનો શૅર ગઈ કાલે ઇન્ટ્રા-ડેમાં ૨૦૯૬ની ટૉપ બનાવી ૨૦૮૫ના આગલા લેવલે રહ્યો છે. લાર્સન ટેક્નૉલૉજી પોણો ટકો ઘટીને ૪૨૪૯ હતો અને લાર્સન ફાઇનૅન્સ ૯૪ની નવી ટૉપ દેખાડી સવાબે ટકા વધી ૯૩ થયો છે.

આઇટી ઇન્ડેક્સ ૬૧માંથી ૩૭ શૅરના ઘટાડે ૧૧૦ પૉઇન્ટ માઇનસ થયો છે. આર.સિસ્ટમ્સ સવાછ ટકા, ૬૩ મૂન્સ સાડાપાંચ ટકા, એચસીએલ ઇન્ફો સવાપાંચ ટકા, ઑનવર્ડ ટેક્નો અને ન્યુક્લીઅસ સવાચાર ટકા પ્લસ હતા. બ્રાઇટકૉમ પોણાછ ટકા ગગડ્યો છે. ટેક મહિન્દ્ર ૧.૦૭ લાખના માર્કેટ કૅપ સાથે ટૉપની છઠ્ઠા નંબરની મોટી કંપની રહી છે. એનો પાંચમો ક્રમ હવે લાર્સન માઇન્ડ ટ્રી દ્વારા ૧.૪૭ લાખ કરોડના માર્કેટ કૅપ સાથે હસ્તગત કરી લેવાયો છે. ઇન્ફી નજીવો પ્લસ, વિપ્રો જૈસે થે અને ટીસીએસ સાધારણ ડાઉન હતા. ભારતી અડધો ટકો, વોડાફોન દોઢ ટકો, ઝી એન્ટર સવા ટકો ઘટ્યા છે. 

business news share market stock market bombay stock exchange national stock exchange sensex nifty