બજારે પૉઝિટિવ ઓપનિંગ છેક સુધી જાળવ્યું, સેન્સેક્સની ૫૭૮ પૉઇન્ટની આગેકૂચ

21 September, 2022 03:21 PM IST  |  Mumbai | Anil Patel

નિફ્ટી ખાતે અપોલો હૉસ્પિટલ, સિપ્લા અને સનફાર્મા બેસ્ટ ગેઇનર્સ બન્યા : બન્ને બજારોનાં તમામ સેક્ટોરલ પ્લસ, માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ડૉલર સામે રૂપિયો પાંચ દિવસમાં પ્રથમ વાર સુધર્યો : અદાણીના ૯માંથી ૮ શૅર મજબૂત, અદાણી એન્ટર અને અદાણી પોર્ટ‍્સ નવા શિખરે : એક્સ બોનસની પૂર્વસંધ્યાએ શુભમ પૉલિસ્પિન સવા વર્ષના તળિયે, ઈ-કલેરેક્સમાં ધીમો સુધારો : મહિન્દ્ર હૉલિડેઝ અને વીનસ પાઇપ્સ નવા બેસ્ટ લેવલે ગયા : નિફ્ટી ખાતે અપોલો હૉસ્પિટલ, સિપ્લા અને સનફાર્મા બેસ્ટ ગેઇનર્સ બન્યા : બન્ને બજારોનાં તમામ સેક્ટોરલ પ્લસ, માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ 

ફુગાવો એક વૈશ્વિક ઘટના બની ગયો છે અને એને ડામવાની કવાયત વૈશ્વિક મંદીની દુર્ઘટના લાવવાની છે. અમેરિકન ફેડના નેજા હેઠળ વિશ્વના લગભગ તમામ અગ્રણી દેશોની મધ્યસ્થ બૅન્કો વ્યાજદરના વધારાની રેસમાં ઊતરી ચૂકી છે. બુધવારે ફેડ નવો કેટલો વધારો કરે છે એના પર સૌની નજર છે. અમેરિકા ખાતે ૧૦ વર્ષના બૉન્ડ્સનું યીલ્ડ અત્યારથી સાડાત્રણ ટકા થઈ ગયું છે, જે ૨૦૧૧ પછીની ટોચે છે. સ્વીડન ખાતે ફુગાવો નવ ટકાએ પહોંચતાં ત્યાંની સેન્ટ્રલ બૅન્ક પણ પોણાથી એક ટકાના વ્યાજદરમાં વધારા માટે સાબદી થઈ છે. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ પણ આજ લાઇનમાં કહેવાય છે. જો એ પોણો ટકો વધારશે તો આ વધારો ૩૩ વર્ષની પ્રથમ ઘટના હશે. એશિયન બજારો ગઈ કાલે ધીમા સુધારામાં રહ્યાં છે. હૉન્ગકૉન્ગ સવા ટકા નજીક અને તાઇવાન પોણા ટકાથી વધુ પ્લસમાં હતા. સામે યુરોપ અડધો-પોણો ટકો નીચે દેખાતું હતું. ક્રૂડ ૯૨ ડૉલરે ટકેલું છે. 

ઘરઆંગણે સારા એવા પૉઝિટિવ ઓપનિંગ બાદ આરંભથી અંત સુધી ગ્રીન ઝોનમાં રહીને સેન્સેક્સ ૫૭૮ પૉઇન્ટ તો નિફ્ટી ૧૯૪ પૉઇન્ટ આગળ વધ્યા છે. ઇન્ટ્રા-ડેમાં બજાર ૯૬૪ પૉઇન્ટ ઊંચકાઈને ૬૦,૧૦૬ નજીક ગયું હતું. લાર્જ કૅપ અને મેઇન બેન્ચમાર્કના મુકાબલામાં રોકડું તથા બ્રૉડર માર્કેટ વધુ ઝમકમાં હોવાથી માર્કેટ બ્રેડ્થ સ્ટ્રૉન્ગ બની છે. એનએસઈમાં ૬૮૫ શૅર ઘટ્યા હતા. સામે ૧૨૮૧ કાઉન્ટર વધ્યાં છે. બન્ને બજારોના તમામ સેક્ટોરલ સુધારામાં હતા. ઑટો, બૅન્કિંગ, ફાઇનૅન્સ, ફાર્મા-હેલ્થકૅર, રિયલ્ટી, મેટલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા ઇન્ડાઇસિસ માર્કેટ આઉટ પર્ફોર્મર બન્યા છે. પાવર ઇન્ડેક્સ સૌથી ઓછો એવો અડધો ટકો પ્લસ હતો. 

અદાણી જોરમાં, રિલાયન્સ મૂડલેસ, સિમેન્ટ શૅરોમાં મજબૂત વલણ 

સેન્સેક્સના ૩૦માંથી ૨૬ અને નિફ્ટીના ૫૦માંથી ૪૩ વધેલા શૅરમાં આગેવાની ફાર્મા શૅરોની હતી. સનફાર્મા, સિપ્લા, અપોલો હૉસ્પિટલ્સ પોણાપાંચથી પોણાછ ટકાની તેજી સાથે મોખરે હતા. અન્યમાં આઇશર, ડૉ. રેડ્ડીઝ લૅબ, તાતા સ્ટીલ, ઇન્ડસઇન્ડ બૅન્ક, ટાઇટન, હીરો મોટો કૉર્પ, તાતા મોટર્સ, એચડીએફસી લાઇફ, એશિયન પેઇન્ટ્સ, બજાજ ફીનસર્વ બેથી સાડાત્રણ ટકા અપ હતા. શ્રી સિમેન્ટ એકાદ ટકો તથા ગ્રાસિમ અને નેસ્લે પોણો ટકો ઘટ્યા છે. રિલાયન્સ સુસ્તી જાળવી રાખતાં ૨૫૦૨ના આગલા લેવલે ફ્લૅટ હતો. 

અદાણી એન્ટર ૩૮૮૪ના નવા શિખરે જઈ દોઢ ટકો વધી ૩૮૩૬ તો અદાણી પોર્ટ્સ ૯૮૮ની નવી ઊંચી સપાટી મેળવી એક ટકો વધી ૯૬૯ બંધ થઈ છે. એનું માર્કેટ કૅપ હવે ૨.૦૪ લાખ કરોડે આવી ગયું છે. અદાણી વિલ્મરે પાંચ ટકાની ઉપલી સર્કિટે ૭૭૦ બંધ આપી ફરી વાર એક લાખ કરોડનું માર્કેટ કૅપ હાંસિલ કર્યું છે. અદાણી ટોટલ દોઢ ટકો, અદાણી પાવર બે ટકા તો અદાણી ગ્રીન સવાબે ટકા મજબૂત હતા. અદાણી ટ્રાન્સ. નહીંવત નરમ રહી છે. અંબુજા સિમેન્ટ ૫૮૫ની નવી ટૉપ મેળવી ૧.૬ ટકા વધીને ૫૭૪ અને એસીસી ત્રણ ટકા વધીને ૨૭૨૬ બંધ હતો. હેટલ બર્ગ, કાકરિયા સિમેન્ટ, ગુજ. સિદ્ધિ સિમેન્ટ સવાબારથી સવાચૌદ ટકા ઊછળ્યા છે. સૌરાષ્ટ્ર સિમેન્ટ, જેકે લક્ષ્મી, બિરલા કૉર્પ, સાંધી સિમેન્ટ, અંજની પોર્ટલૅન્ડ પાંચથી આઠ ટકાની તેજીમાં જોવાયા છે. 

મારુતિ, આઇશર, ટીવીએસ, એસ્કોર્ટ્સમાં નવી ટૉપ બની 

ઑટો ઇન્ડેક્સ દોઢ ટકો કે ૪૭૭ પૉઇન્ટ વધીને ઑલટાઇમ હાઈ નજીક સરક્યો છે. મારુતિ સુઝુકી ૯૪૩૦ની નવી ટોચે જઈ નહીંવત સુધારે ૯૨૯૭, ટીવીએસ મોટર ૧૦૮૮ના નવા શિખરે જઈને સવાપાંચ ટકાના ઉછાળે ૧૦૮૧, આઇશર મોટર્સ ૩૭૩૭ની નવી ઊંચી સપાટી મેળવીને ૩.૮ ટકા ઊંચકાઈ ૩૭૨૬ તો એસ્કોર્ટ્સ ૨૧૪૪ના બેસ્ટ લેવલ બાદ સાધારણ પીછેહઠમાં ૨૦૭૭ બંધ હતા. તાતા મોટર્સ બે ટકા વધી છે. બજાજ ઑટો પોણાબે ટકા પ્લસ હતો. મહિન્દ્ર એક ટકો આગળ વધ્યો છે. ઑટો એન્સિલિયરી સેગમેન્ટમાં મેનન પિસ્ટન, ઑટો ઇન્ડ., ભારત ગિઅર્સ, ડેક્કન એન્જિ., ઑટો. કૉર્પો ઑફ ગોવા, ફ્રન્ટિયર સ્પ્રિંગ્સ, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ જેવી જાતો ૬થી ૧૨ ટકા વધી છે. 

આઇટી બેન્ચમાર્ક ૬૨માંથી ૪૩ શૅરના સથવારે અડધો ટકો અપ હતો. ઓરિયન પ્રો પોણાછ ટકા અને મૅપ માય ઇન્ડિયા પાંચ ટકા મજબૂત હતા. ઇન્ફી નજીવો ઘટીને ૧૩૮૮ તો ટીસીએસ સામાન્ય સુધારામાં ૩૦૪૧ થયા છે. વિપ્રો પોણો ટકો, ટેક મહિન્દ્ર દોઢ ટકા અને એચસીએલ ટેક્નૉલૉજીઝ પોણાબે ટકા પ્લસ હતા, ટેક્નૉલૉજીઝ સ્પેસમાં ટીવી૧૮ તથા નેટવર્ક૧૮ સવાચાર ટકા વધ્યા છે. સન ટીવી બે ટકાની નજીક તો ઝી એન્ટર દોઢ ટકો અપ હતા. ડીશટીવી આગલા દિવસની તેજી આગળ વધારતાં સાડાત્રણ ટકા વધીને ૧૭.૪૦ નજીક ગયો છે.

બૅન્કિંગના ૩૬માંથી ૨૯ શૅર વધ્યા, ઇન્ડસઇન્ડ બૅન્ક નવા બેસ્ટ લેવલે 

બૅન્ક નિફ્ટી બારેબાર શૅર પ્લસમાં આપીને ૫૬૪ પૉઇન્ટ કે ૧.૪ ટકા વધ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી અડધો ટકો સુધર્યો છે, પણ એના ૧૨માંથી ૧૧ શૅર વધ્યા છે. બૅન્કિંગ ઉદ્યોગના ૩૬માંથી ૨૯ શૅર ગ્રીન ઝોનમાં હતા. જેકે બૅન્ક જૈસે થે હતી. ઇન્ડસઇન્ડ બૅન્ક ૧૨૭૫ના નવા શિખરે જઈ ૩.૧ ટકા વધીને ૧૨૬૪, કર્ણાટકા બૅન્ક ૯૧ પ્લસની નવી મલ્ટિયર ટૉપ બનાવી અડધો ટકો ઘટીને ૮૯, ડીસીબી બૅન્ક ૧૧૪ની નવી ટોચ બતાવી અડધો ટકો વધી ૧૧૨ બંધ આવ્યા છે. યુકો બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, આઇઓબી, ઉજ્જીવન સ્મૉલ બૅન્ક, એયુ બૅન્ક, આરબીએલ બૅન્ક, સિટી યુનિયન બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, આઇડીબીઆઇ બૅન્ક, ઍક્સિસ બૅન્ક, કરુર વૈશ્ય બૅન્ક, બંધન બૅન્ક સવાથી અઢી ટકા વધ્યા હતા. એચડીએફસી બૅન્ક એક ટકો સુધરીને ૧૫૧૮ રહી છે. 

ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૩૯માંથી ૮૮ શૅરના સુધારા સાથે સવા ટકો વધ્યો છે. બૅન્ગાલ ઍન્ડ આસામ કંપની ૧૧ ટકા જેવી તેજીમાં ૩૪૪૦ના નવા શિખરે ગયો છે. ધાની સર્વિસિસ, એમસીએક્સ, રેલીગેર, આઇઆઇએફએલ વેલ્થ, ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ, એલઆઇસી હાઉસિંગ જેવી જાતો ત્રણથી પાંચ ટકા પ્લસ હતી. કેનફીન હોમ્સ સાત ગણા કામકાજે ઘટાડાની ચાલ જાળવી રાખતાં ચાર ટકા તૂટ્યો છે. બજાજ ફાઇનૅન્સ પોણાબે ટકા અને બજાજ ફીનસર્વ બે ટકા અપ હતા. એલઆઇસી નહીંવત સુધારામાં ૬૫૬ દેખાઈ છે. સ્ટાર હેલ્થ બે ટકા બગડીને ૭૧૩ તો પેટીએમ સવા ટકો ઘટીને ૬૯૮ નજીક હતો. 

ઍડ. એન્ઝાઇમ વૉલ્યુમ સાથે તેજીમાં, શુભમ પૉલિ મહિનામાં ૬૬ ટકા તૂટ્યો

બુધવારે ચાર શૅર એક્સ બોનસ થવાના છે, જેમાં ઈ-ક્લેરેક્સ બે શૅરદીઠ એક બોનસમાં ગઈ કાલે ૨૨૧૬ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૦.૭ ટકાના સુધારામાં ૨૧૬૪ બંધ થયો છે. આઇએફએલ એન્ટરપ્રાઇસિસ એક શૅરે એક બોનસમાં ૧૭૦ની નવી ઑલટાઇમ હાઈ બનાવી અડધો ટકો વધી ત્યાં જ હતો. ૧૩ ડિસેમ્બરે ભાવ ૧૯ના તળિયે હતો. અલ્ફાલોજીક બે શૅરે એક બોનસમાં સવા ટકો ઘટીને ૬૭ થયો છે. તો શુભમ પૉલિસ્પિન ૧૦ શૅરદીઠ એક બોનસમાં પાંચ ટકાની વધુ એક નીચલી સર્કિટે ૧૦૭ની અંદર સવા વર્ષના તળિયે પહોંચ્યો છે. આ શૅર મહિનાપૂર્વે ૨૨ ઑગસ્ટે ૩૧૫ની સર્વોચ્ચ સપાટીએ ગયો હતો. ઍડ્વાન્સ્ડ એન્ઝાઇમમાં નાલંદા ઇન્ડિયા ઇક્વિટી ફંડ તરફથી સરેરાશ ૨૭૦ના ભાવથી ૨૯ લાખ શૅર ખરીદી એનો હિસ્સો ત્રણ ટકા કરાયો હોવાના અહેવાલમાં શૅર ૧૦ ગણા કામકાજે ૩૦૮ વટાવી ૯.૮ ટકાની તેજીમાં ૨૯૩ બંધ થયો છે. વિનસ પાઇપ્સને બીઆઇએસ સર્ટિફિકેશન મળ્યું છે, જેનાથી બિઝનેસ આઉટલુક વધુ સ્ટ્રૉન્ગ બનતાં શૅર ૫૮૭ નજીક નવી વિક્રમી સપાટી બનાવી ૩.૩ ટકા વધી ૫૪૬ બંધ આવ્યો છે. કંપની ચારેક માસ પહેલાં શૅરદીઠ ૩૨૬ના ભાવથી ઇશ્યુ લાવી હતી. મહિન્દ્ર હૉલીડેઝ રિસૉર્ટ્સને કોવિડની વિદાય પછી ધમધોકાર ધંધો મળવાની થીમ કામે લાગી છે. શૅર પોણાછ ગણા વૉલ્યુમે ૩૧૩ના બેસ્ટ લેવલે જઈ બે ટકા વધીને ૨૯૪ બંધ રહ્યો છે. મૂડીઝ દ્વારા કલ્યાણ જ્વેલર્સમાં સ્ટેબલનું રેટિંગ વિધડ્રો કરાયું છે. શૅર એક ટકો ઘટીને ૯૭ નજીક બંધ થયો છે. 

હેલ્થકૅર ફાર્મા સેક્ટર લાલીમાં આવ્યું, સિપ્લા સર્વોચ્ચ શિખરે પહોંચી

ગઈ કાલે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ સર્વાધિક ત્રણ ટકા અને બીએસઈનો હેલ્થકૅર બેન્ચમાર્ક ૨.૮ ટકા કે ૬૩૭ પૉઇન્ટ ઊંચકાયો છે. અત્રે ૯૬માંથી ફક્ત ૨૦ શૅર માઇનસ હતા. ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા ચાર ટકાની નજીક તો નોવાર્ટિસ સવાબે ટકાના ઘટાડે મોખરે હતા. સામે સસ્તા સુંદર ૧૩.૬ ટકાની તેજીમાં ૩૫૨, જ્યુબિલન્ટ ફાર્મા ૧૧.૫ ટકાના જમ્પમાં ૩૫૨ નજીક તો અપોલો હૉસ્પિટલ્સ પોણાછ ટકા વધી ૪૫૫૫ રહી છે. ફ્રન્ટલાઇનમાં સનફાર્મા સાડાત્રણ ગણા કામકાજે પોણાપાંચ ટકા ઊછળી ૯૧૬ થઈ છે. સિપ્લા ૧૦૯૭ નજીક સર્વોચ્ચ સપાટી બતાવી સાડાપાંચ ટકાની મજબૂતીમાં ૧૦૯૧ રહી છે. ડૉ. રેડ્ડીઝ લૅબ, ઝાયડસ લાઇફ, લૌરસ લૅબ, એબોટ, લુપિન, અરબિંદો ફાર્મા જેવી જાતો પોણાત્રણથી પોણાપાંચ ટકા ઊંચકાઈ છે. રેઇનબો ચિલ્ડ્રન્સ મેડીકૅર ૬૭૨ની ઑલટાઇમ હાઈ પછી ૦.૭ ટકા વધી ૬૫૨ હતી. આરપીજી લાઇફ ૮૦૭ની નવી ઐતિહાસિક ટૉપ દેખાડી ૩.૪ ટકા વધીને ૭૯૬ થઈ છે. વાપીની સમ્રાટ ફાર્મા ૧૨૫૦ની વિક્રમી સપાટીએ જઈ પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૧૧૪૩ હતી. બીડીએચ ઇન્ડસ્ટ્રીઝ સરેરાશ ૧૬,૦૦૦ શૅરની સામે ચાર લાખ શૅરના કામકાજ સાથે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૭૯નું નવું બેસ્ટ લેવલ હાંસલ કરીને ૧૮.૭ ટકાના ઉછાળે ૧૭૭ જોવાઈ છે. ગ્લેનમાર્ક ફાર્મા ત્રણ ટકા વધી ૩૮૨ હતી. ગ્લેનમાર્ક લાઇફ નહીંવત સુધરી ૪૧૩ રહી છે.  

share market business news stock market national stock exchange bombay stock exchange sensex nifty