શૅરબજાર તો વૉલેટા​ઇલ રહેવાનું, આપણે સ્થિર રહીએ તો સંપત્તિસર્જન થઈ શકે

04 July, 2022 02:05 PM IST  |  Mumbai | Jayesh Chitalia

શૅરબજાર એક માઇન્ડ અને સાઇકૉલૉજિકલ ગેમ પણ છે. એને સમજવા માટે ગ્લોબલ અનુભવીઓ અને નિષ્ણાતોના એકેએક વિધાનને સમજવું જોઈએ. જાતઅનુભવથી સોનામાં સુગંધ ભળે, પરતું ઘણા જાતઅનુભવ બાદ પણ ભૂલ કરતા હોય છે. આપણે આજે કંઈક હટીને વાત કરવી છે એથી આ સમજણની ઝલક જોઈએ

પ્રતીકાત્મક તસવીર

શૅરબજાર આર્થિક ફન્ડામેન્ટલ્સ પર ચાલે છે કે પ્રવાહિતા પર ચાલે છે કે સે​ન્ટિમેન્ટ પર? આમ તો બજાર માટે આ ત્રણેય પાયાનાં પરિબળો છે, પરંતુ રોકાણકારનો વ્ય​ક્તિગત સવાલ આવે છે ત્યાં તેનું મન મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આપણે બજારને ચંચળ કહીએ છીએ, પણ ખરેખર આપણું મન વધુ ચંચળ હોય છે. એથી જ માર્કેટ વ્ય​ક્તિગત, ખાસ કરીને રીટેલ રોકાણકારો માટે માઇન્ડ-ગેમ બની જાય છે. આના આધારે રોકાણકારો બિહેવ કરે છે અને એની અસર માર્કેટના બિહેવિયર પર પણ થાય છે. 

રોકાણકારોના હોલસેલ સવાલો
શૅરબજારમાં શું ખરીદવું, ક્યારે ખરીદવું, ક્યાં સુધી રાખવું, ક્યારે વેચી દેવું, ફલાણો શૅર લેવાય, કેટલા સમય માટે રખાય, શૅરબજારની બૉટમ શું માનીને ચાલવું, બજાર ઊંચામાં ક્યાં સુધી જઈ શકે, મ્યુચ્યુઅલ ફન્ડ કયાં સારાં, મ્યુચ્યુઅલ ફન્ડની કઈ યોજના સારું વળતર આપે, શેમાં રોકાણ કરાય, એસઆઇપી કયા બેસ્ટ, હાલ કયા સેક્ટરમાં રોકાણ કરવામાં લાભ ગણાય? આવા સવાલોની યાદી બહુ લાંબી થઈ શકે છે. આવા સવાલો વર્ષોથી થતા રહ્યા છે, ભરપૂર તેજીમાં પણ સવાલો થાય, આકરી મંદીમાં પણ આવા સવાલો થતા રહે છે. અનેક વાર બજારમાં નાનાં-મોટાં કૌભાંડો થતાં હોય છે, નાની-મોટી ગેરરીતિ થતી રહે છે. જૂના રોકાણકારો ચોક્કસ અનુભવ બાદ બજાર છોડી દે છે, ચોક્કસ સમયે નવા રોકાણકારો આવતા જાય છે અને ઘણી વાર ફરી તેજી વેગ પકડે ત્યારે જૂના રોકાણકારો પણ પાછા ફરતા હોય છે. આ ચક્ર ચાલતું જ રહે છે. છેલ્લાં બે વર્ષમાં તો નવા રોકાણકારોના આગમનમાં જબ્બર ઉછાળો આવ્યો છે. નવા રોકાણકારો નવી જનરેશનના પણ છે, જેમનો માર્કેટને જોવા-સમજવાનો રવૈયો પણ જુદો હોય છે, જેથી થોડા નવા પરિપ્રેક્ષ્યમાં આ દરેક સવાલો અને એની પાછળનાં સાઇકૉલૉજિકલ કારણો સમજવાં જોઈએ.

માનસિકતામાં બદલાવ આવશ્યક
શૅરબજારમાં નવા રોકાણકારોની સંખ્યા વધી રહી છે, પરંતુ માનસિકતા બહુ બદલાઈ નથી-જૂની ને જૂની જ રહી છે, જેને કારણે દરેક વખતે રોકાણકારો એકની એક ભૂલ કર્યા કરે છે. શું તમે આમ કરો છો કે તમે બદલાયા છો એ તમારે જ સમજવું પડશે. શૅરબજારને ઘણા લોકો માઇન્ડ-ગેમ કહે છે તો ઘણા એને ઇન્વેસ્ટર્સ બિહેવિયર્સ કહે છે. જેનો જેવો સ્વભાવ તેમને બજાર એવું લાગે અને તેઓ બજારમાં એ મુજબ કામકાજ કરે. 

અનુભવીઓનું ડહાપણ-જ્ઞાન
આ સંદર્ભમાં આપણે કેટલાક ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ગુરુઓનાં-નિષ્ણાતોનાં વિધાનો જોઈએ, જે વર્ષોના અનુભવોના નિષ્કર્ષમાંથી ઊપજ્યાં કે ઊભર્યાં છે, જેથી એમાં ડહાપણ-શાણપણ છે. 
શૅરબજાર એ ધીરજની પ​રીક્ષાનું મેદાન છે, જેટલી ધીરજ વધુ એટલી સંપત્તિ વધવાની શક્યતા વધુ. કહો જોઈએ, તમારામાં કેટલી ધીરજ છે? માર્કેટ એક્સપર્ટ રે ડેલિયો જણાવે છે કે પ્રથમ તમારે વ્યૂહાત્મક અલોકેશન કરવું જરૂરી છે. બોલો, તમે તમારા રોકાણનું આવું અલોકેશન કર્યું? શેમાં અને કેટલું? આવી જ બીજી પાયાની વાત, તમે શૉર્ટ ટર્મ, મીડિયમ ટર્મ કે લૉન્ગ ટર્મ રોકાણકાર છો? આ સવાલનો જવાબ પણ તમારી સફળતાને ઘડવામાં નિમિત્ત બનશે. સ્પષ્ટ સત્ય એ છે કે લૉન્ગ ટર્મ જ શ્રેષ્ઠ છે. બાકી બધી ઊછળકૂદ છે, જેને વૉલેટિલિટી કે ચંચળતા પણ કહેવાય છે. મજાની વાત એ છે કે બજારને આપણે વૉલેટાઇલ-ચંચળ કહીએ છીએ, જ્યારે બજાર કરતાં વધુ ચંચળ-વૉલેટાઇલ આપણું મન હોય છે, જે નિર્ણયોમાં ફેરફાર કરાવ્યા કરે છે, જે ક્યારેક આડેધડ તેજીનું માનસ બનાવે છે તો ક્યારેક સમજ્યા વિના પૅનિકમાં આવી જાય છે. ખોટા યા કસમયે  નિર્ણયો લઈ પોતાને ખોટના ખાડામાં લઈ જાય છે.

માનસિકતાની મથામણ
માનસિકતાની વાત આવે ત્યારે પી. આર. સુંદર કહે છે, ‘તેજીની બજારમાં લોકો ચણા-મમરાના ભાવના શૅર હીરાના ભાવે ખરીદે છે અને મંદીની બજારમાં હીરા જેવા શૅર માટે પણ ચણા-મમરા જેવા ભાવ આપવા તૈયાર થતા નથી. મેબ ફેબરના મતે મોટા ભાગના રોકાણકારો સાચી સમજ વિના જ રોકાણ કરવાનું શરૂ કરી દે છે. તેઓ ભૂતકાળ તરફ જોવાની તસ્દી પણ લેતા નથી. કથિત લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટરો માટે એક વિધાન બહુ વેધક છે, જેમાં પીટર લિન્ચ કહે છે કે જ્યાં સુધી માર્કેટ નીચે જતું નથી ત્યાં સુધી વિશ્વમાં દરેક લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટરો છે. સાચા 
લૉન્ગ ટર્મ રોકાણકારો માટે આ વાત લાગુ થતી નથી, પરંતુ દ્રાક્ષ હાથમાં ન આવતાં એ ખાટી છે એવું કહેનારા વર્ગ માટે છે. ’

બુલ અને બેર માર્કેટના અંતનો સંકેત
પીટર લિન્ચ કહે છે કે ‘કરેક્શનની આગાહી થઈ શકતી નથી, લૉસને ટાળવા સ્ટૉક્સ વેચી દઈને તમે આગામી કમાણીની તક ગુમાવી શકો છો.’ આવી જ ધારદાર વાતમાં માર્કેટ એક્સપર્ટ જિમ રૉજર્સ કહે છે કે ‘બુલ માર્કેટનો અંત હંમેશાં હિસ્ટે​રિયાથી થાય છે અને બેર માર્કેટનો અંત પૅનિકથી થાય છે. હવે જો તમે અત્યારે પૅનિકની માર્કેટ ફીલ કરતા હો તો સમજી લો કે મંદી એના અંત નજીક છે. આમ પણ ગયા સપ્તાહમાં જુઓ કે આગલા છ મહિનામાં ડોકિયું કરો તો માર્કેટમાં કરેક્શન આવ્યું છે એ આવશ્યક હતું; ને આવ્યું છે, વાજબી આવ્યું છે. હાલના સંજોગોમાં ૫૨ કે ૫૧ હજારના સેન્સેક્સને બૉટમ માની શકાય, બહુ-બહુ તો ૫૦ હજારને. આનાથી વધુ ડાઉન માર્કેટ માત્ર અણધાર્યા નેગેટિવ સંજોગો કે ઘટનામાં જઈ શકે. ટૂંકી-લાંબી ​દૃ​ષ્ટિ અને વૉલેટિ​લિટી બિલ ગેટ્સ કહે છે કે ‘આપણે આગામી બે વર્ષમાં આવનારા પરિવર્તનને વધુ પડતા અંદાજ (ઓવરએ​સ્ટિમેટ) સાથે મૂલવીએ યા જોઈએ છીએ, જ્યારે આગામી ૧૦ વર્ષમાં આવનારા બદલાવને વધુ પડતા નીચા અંદાજ (અન્ડરએ​સ્ટિમેટ) સાથે જોઈએ છીએ. અર્થાત્ સરળ શબ્દોમાં કહીએ તો આપણી ટૂંકી દૃ​ષ્ટિ વધુ વિચારે છે અને લાંબી દૃ​ષ્ટિ ઓછું વિચારે છે.’

વૉલેટિલિટી વિશે જિરેમી ગ્રેન્થમ કહે છે કે ‘વૉલેટિલિટી એક એવો સંકેત છે, જ્યારે લોકો અન્ડરલાઇંગ વૅલ્યુને સમજવામાં માર ખાઈ જાય છે.’ વૉલેટિલિટીની વાત વિશે જ્યૉર્જ સોરોસ કહે છે કે ‘લો વૉલેટિલિટીમાં આઉટપર્ફોર્મ કરવું અસંભવ છે.’ જ્યારે વૉલેટિલિટી વિશે વધુ એક એક્સપર્ટ જૉન ટ્રાયેન કહે છે કે ‘જે રોકાણકાર જાણે છે કે એ શું કરી રહ્યો છે તેને માટે વૉલેટિલિટી ઑપોર્ચ્યુનિટી ઊભી કરે છે.’ 

business news jayesh chitalia