શૅરબજાર હાલ ચકડોળ જેવું: ગતિ વધે તો આનંદ, સાથે ગભરામણ પણ વધે

22 March, 2021 02:53 PM IST  |  Mumbai | Jayesh Chitalia

માર્કેટમાં કરેક્શન નહોતું આવતું એ નવાઈની વાત હતી. વીતેલા સપ્તાહમાં કરેક્શન આવ્યું. જોકે છેલ્લા દિવસે નોંધપાત્ર રિકવરી સાથે સપ્તાહનો અંત પૉઝિટિવ રહ્યો, પરંતુ હજી કરેક્શનની તલવાર લટકતી રહેશે. આ માટેનાં કારણો આવતાં રહે છે, વૉલેટિલિટીનો દોર પણ ચાલશે.

પ્રતીકાત્મક તસવીર

આપણે બધાં બાળપણમાં મેરિગોરાઉન્ડ (ચકડોળ)માં બેઠાં જ હોઈશું, શૅરબજાર હાલ સતત ચકડોળ જેવું વર્તન કરી રહ્યું છે, બહુ ઝડપથી ઉપર અને બહુ ઝડપથી નીચે થઈ રહ્યું છે. આવા સમયમાં તેમાં બેસનારને ભય લાગવો સ્વાભાવિક છે, ઉપર જાય ત્યારે આનંદ વધે  અને નીચે આવે ત્યારે આનંદ ઘટે એવું બને. જોકે અત્યારે શૅરબજારની ચાલનો તાલ જોઈ લોકોમાં મૂંઝવણ વધુ થાય છે. સપ્તાહમાં તો ખરું જ, પરંતુ એક દિવસમાં પણ તેની વધઘટની રેન્જ ક્યાંથી ક્યાં વધવા લાગી છે, જે ઘણીવાર હજાર પૉઇન્ટ ઉપર પણ પહોંચી જાય છે.

સપ્તાહનો આરંભ કરેક્શનથી

ગયા સોમવારે પાકી ધારણા મુજબ કરેક્શન સાથે બજારે શરૂઆત કરી હતી. શરૂઆતના બે કલાકમાં તો સેન્સેક્સમાં ૮૦૦ પૉઇન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ જથ્થાબંધ મોંઘવારીનો આંક જાન્યુઆરીના ૨.૦૩ ટકાની સામે વધીને ફેબ્રુઆરીમાં ૪.૧૭ ટકા થઈ ગયો હતો, આ અગાઉ રીટેલ ઇન્ફ્લેશન પણ વધ્યું હતું, જ્યારે કે ઉત્પાદનનો ઇન્ડેક્સ ઘટ્યો હતો, જેને ઇકૉનૉમી અને માર્કેટ માટે ખરાબ સમાચાર કહી શકાય. જોકે બજાર અંતના સમયે ૫૦ ટકા જેટલું રિકવર થઈ ગયું હતું. ઇન્ડેક્સના હેવીવેઈટ શૅર, ખાસ કરીને ખાનગી બૅન્કોના ભાવ ઘટ્યા હતા, જે કંઈક અંશે રિકવર પણ થયા હતા. તેમ છતાં કોરોનાનો વધતો વ્યાપ સતત ચિંતા વધારતો જાય છે. જો આ ગતિ ચાલુ રહી અને બીજી તરફ અમેરિકામાં અને અહીં બૉન્ડસ પરના વળતર ઊંચા રહ્યા તો ઇક્વિટીઝનું આકર્ષણ ઘટવું સ્વાભાવિક છે. વિદેશી રોકાણકારો અહીંથી કામચલાઉ ઉચાળા ભરી શકે, પરિણામે માર્કેટ કરેક્શન ચાલુ રાખે એવું બને, પરંતુ જો બૉન્ડના વળતર નીચા આવ્યા તો વિદેશી રોકાણકારોની ખરીદી પુનઃ માર્કેટને ઉછાળા આપી શકે. અલબત્ત, હાલ તો દેશમાં કોરોનાએ સેન્ટિમેન્ટ નબળું અને અનિશ્ચિતતાવાળું કરી નાખ્યું છે. સોમવારે બજાર ૧૦૦૦ પૉઇન્ટની વધઘટ સાથે સેન્સેક્સ ૩૯૭ પૉઇન્ટ અને નિફ્ટી ૧૦૧ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા.

કોરોના અને પ્રૉફિટ બુકિંગ

મંગળવારે બજારે કરેક્શનને બ્રેક મારીને ૪૦૦થી વધુ પૉઇન્ટના કૂદકા સાથે શરૂઆત કરી, પરંતુ પછીથી ઘટતું-ઘટતું બજાર ફરી નીચે આવી ગયું હતું. પ્રૉફિટ બુકિંગ કામ કરી ગયું હતું, જેને ક્રૂડ ઑઈલના ભાવવધારાનું અને બૉન્ડ યીલ્ડનું પરિબળ મળી ગયું હતું. સ્થાનિક તેમ જ ફોરેન ફન્ડસ વેચવાલ બન્યા હતા. જોકે ઉપરથી પાછું ફરેલું માર્કેટ સાધારણ માઇનસ બંધ રહ્યું હતું. બાકી સ્મૉલ અને મિડ કૅપ સ્ટૉક્સ ઉપર રહ્યા હતા. બુધવારે કરેક્શનનો દોર આગળ વધવા સાથે શરૂઆત થઈ હતી, કોરોનાની ચિંતા પુનઃ એકવાર હાવી થઈ હતી, વડા પ્રધાને રાજ્યોને સંબોધન કરીને વાજબી સલાહ આપી હતી, પરંતુ કોરોનાનો ફેલાવો આર્થિક પ્રવૃત્તિને બ્રેક મારી શકે છે. અલબત્ત આ વખતે અગાઉ જેવો બ્રેક નહીં હોય, તેમ છતાં આર્થિક ગતિવિધિને ચોક્કસ પ્રકારની અને પ્રમાણની અસર થઈ શકે છે. ગ્લોબલ સંકેત પણ નબળા રહ્યા હતા. સેન્સેક્સ ૫૬૦ પૉઇન્ટ તૂટી ૫૦૦૦૦ની નીચે અને નિફ્ટી ૧૯૦ના કડાકા સાથે ૧૪૭૦૦ આસપાસ નીચે ઊતરી ગયો હતો.

સપ્તાહનો અંત રિકવરી સાથે

ગુરુવારે બજારે પૉઝિટિવ શરૂઆત કરી, સેન્સેક્સ ૫૦૦૦૦ની ઉપર પહોંચી ગયો હતો, પરંતુ થોડા સમય બાદ જ રિકવરી ઢીલી પડતી ગઈ હતી. અમેરિકન બૉન્ડ યીલ્ડમાં વધારો થતાં ઇક્વિટીમાં વેચવાલી ફરી વળી હતી. જ્યારે કે કોરોનાના સમાચાર પણ વેચવાલીને ટેકો આપે એવા હતા, બૅન્ક સ્ટૉક્સમાં પણ કડાકા બોલાયા હતા. પરિણામે ગુરુવારે ૮૦૦ પૉઇન્ટ ઉપર તૂટેલો સેન્સેક્સ બંધ વખતે ૫૮૫ માઇનસ રહ્યો અને નિફ્ટી ૧૬૩ પૉઇન્ટ માઇનસ રહ્યો હતો. શુક્રવારે બજારે ભારે તોફાન બતાવ્યું હતું. વધે તો પ્રૉફિટ બુકિંગ અને ઘટે તો નવી ખરીદીનું માનસ બની જતું જોવામાં આવ્યું હતું. સેન્સેક્સ ૧૨૦૦ પૉઇન્ટની વધઘટ સાથે અંતમાં ૬૪૨ પૉઇન્ટ વધીને ૪૯૮૫૮ બંધ રહ્યો અને નિફ્ટી ૧૮૬ પૉઇન્ટ પ્લસ થઈ ૧૪૭૪૪ બંધ રહ્યો હતો. સળંગ પાંચ દિવસના કરેક્શન બાદ આ રિકવરી આવી હતી. આ દિવસ સતત વૉલેટાઈલ રહ્યો હતો. બજાર કઈ દિશામાં જઈ રહ્યું છે કે જશે તેનો અંદાજ મેળવવાનું રોકાણકારો માટે કઠિન બની ગયું હતું.

નીતિવિષયક સુધારાની જાહેરાતો

જોકે એકંદરે બજારમાં કરન્ટ ઢીલો પડી રહ્યો હોવાની લાગણી પ્રવર્તી રહી છે. બીજી બાજુ સરકાર તરફથી નીતિવિષયક જાહેરાતોનો દોર ચાલુ છે. બૅન્ક હડતાળ અને વિરોધને ધ્યાનમાં રાખી અમુક બૅન્કોના ખાનગીકરણ નહીં જ થાય, અૅરપોર્ટના વેચાણની ચાલુ થયેલી પ્રક્રિયા, મેક ઇન ઇન્ડિયાને બુસ્ટ આપવાનાં પગલાં, માર્ચમાં નોંધાયેલી નિકાસવૃદ્ધિ, ડેવલપમેન્ટ ફાઇનૅન્સ ઇન્સ્ટિટયુટ (વિકાસ માટેની ખાસ સંસ્થા)ની સ્થાપના, વગેરે સંબંધી જાહેરાત ઇકૉનૉમીને અસર કરે એવી છે. 

ઇકૉનૉમીના ઊંચા દરનો આશાવાદ

રિઝર્વ બૅન્કના ગવર્નરે પણ ઇકૉનૉમી માટે ઊંચો આશાવાદ વ્યક્ત કર્યો છે, તેમના મતે અર્થતંત્રના ખરાબમાં ખરાબ સંજોગો પૂરા થઈ ગયા છે, હવે માત્ર રિકવરી સંભવ છે. સરકારના આર્થિક કાર્યક્રમોને ધ્યાનમાં રાખતા ઇકૉનૉમીને વેગ મળે એવા સંકેત મજબૂત છે. અલબત્ત, ગર્વનર સાહેબે કોરોનાસંબંધી ચિંતા પણ વ્યકત કરી છે. આ સાથે સરકારને રિઝર્વ બૅન્ક તરફથી સતત સહયોગ મળતો રહેશે એવું નિવેદન પણ કર્યું છે. આનો અર્થ વ્યાજદર તેમ જ પ્રવાહિતા સંબંધી થઈ શકે, જે અર્થતત્ર અને માર્કેટ માટે આવશ્યક ગણાય. દરમ્યાન મૂડીઝ રેટિંગે ભારતના જીડીપી માટે ઊંચો આશાવાદ વ્યક્ત કર્યો હતો. બીજી બાજુ પી-નોટસ મારફત ભારતીય માર્કેટમાં થતું રોકાણ ફેબ્રુઆરીના અંતે ૯૫,૦૦૦ કરોડ રૂપિયા પર પહોંચી ગયું હતું, જે ૩૩ મહિનામાં સૌથી ઊંચું હતું. 

ઊંચી વધઘટ કૉમન થવા લાગી

એક હકીકત સમજી લેવાની જરૂર છે કે માર્કેટ માટે ૫૦૦-૧૦૦૦ પૉઇન્ટની વધઘટ સહજ થઈ ગઈ છે. જેથી માત્ર ઇન્ડેક્સની વધઘટને બજારનો સાચો ટ્રેન્ડ માની લેશો નહીં. તમારું ફોકસ તમે જે શૅર ધરાવો છો તેના પર હોવું જોઈએ અને તમે જે શૅર ખરીદવા ચાહો છો તેના પર રહેવું જોઈએ. કારણ કે તમારી કમાણી યા ખોટ એના આધારે થવાની છે. તમે શૉર્ટ ટર્મ હો કે લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટર હો, કંપનીના ફંડામેન્ટલ્સ ધ્યાનમાં રાખવા આવશ્યક જ નહીં, અનિવાર્ય છે, કારણ કે કૃત્રિમ તેજી અથવા માત્ર પ્રવાહિતાના જોરે ચાલેલી તેજીનો ફુગ્ગો ફુટશે ત્યારે તમારા શૅર નબળાં હશે તો એ પણ ફુટી જશે અને સબળાં હશે તો તૂટીને પણ પાછા વધશે. બાકીમાં લોસ બુક કર્યા સિવાય વિકલ્પ રહેશે નહીં. આગામી દિવસોમાં કોરોનાની ગતિ, વૅક્સિનની પ્રગતિ, ક્રૂડની વધઘટ અને અમેરિકન માર્કેટમાં બૉન્ડની યીલ્ડની અસર ભારતીય માર્કેટ પર રહેશે, જેનું નિરીક્ષણ કરતાં રહેવું પડશે.

સમજો તો ઇશારા કાફી

જે પોતે સૌથી વિશાળ ટ્રેડિંગ પ્લૅટફૉર્મ ધરાવે છે તેના માલિકે તાજેતરમાં કરેલું એક નિવેદન ટ્રેડર્સ વર્ગે યાદ રાખવા જેવું છે. તેઓ કહે છે કે લાંબે ગાળે ટ્રેડર્સમાંથી માત્ર એક ટકો કરતાં ઓછા ટ્રેડર્સ બૅન્ક એફડી કરતાં વધુ વળતર મેળવે છે. આ ટ્રેડર્સ પણ એકના એક રહેતા નથી, બલકે બદલાયા કરે છે. અત્યારે ટ્રેડિંગ પુરજોશમાં ચાલે છે. મોટા ભાગનો વર્ગ સતત લે-વેચમાં રત છે, જેઓ સામે વૉલેટિલિટીનું જોખમ રહ્યા કરશે. 

business news jayesh chitalia