શેર બજારમાં વિક્રમી ઉછાળો : સેન્સેક્ષે 53,500, તો નિફ્ટીએ 16,000ની સપાટી પાર કરી

03 August, 2021 06:39 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

સપ્તાહના બીજા કારોબારી દિવસે આજે શેરબજારમાં ઉછાળાની શરૂઆત થઈ હતી.

પ્રતીકાત્મક તસવીર

સપ્તાહના બીજા કારોબારી દિવસે આજે શેરબજારમાં ઉછાળાની શરૂઆત થઈ હતી. આજે શેરબજારમાં કારોબાર દરમિયાન બજારમાં વિક્રમી ઉછાળો નોંધાયો હતો. ભારતના ઇંડેક્સ સેન્સેક્ષ 53532.51 અને નિફ્ટી 16041.50ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયા હતા. બપોરે 1.25 વાગ્યે, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ 53527.41ના સ્તરે 576.78 પોઇન્ટ (1.09 %) ઉપર હતો. આ દરમિયાન નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઇંડેક્સ નિફ્ટી 153.60 પોઈન્ટ (0.97 %)ના વધારા સાથે 16038.75ના સર્વોચ્ચ સ્તર પર હતા.

કંપનીઓના સારા નાણાકીય પરિણામ, અનુકૂળ મેક્રોઇકોનોમિક આંકડા અને મજબૂત વિદેશી વલણની સ્થાનિક બજાર પર સકારાત્મક અસર પડી છે. આ સિવાય જુલાઈમાં વધુ સારા વેચાણના આંકડાને કારણે ઓટો કંપનીઓના શેર વધ્યા હતા, જેણે બજારને મજબૂતી આપી છે. ગયા સપ્તાહે બીએસઈના 30 શેરો ધરાવતો સેન્સેક્ષ 388.96 પોઈન્ટ (0.73%) ઘટી ગયો હતો. જોકે, આજે શરૂઆતના ટ્રેડિંગમાં સેન્સેક્ષ 211.61 પોઈન્ટ (0.40%) વધીને 53162.24 પર ખુલ્યો અને નિફ્ટી 50 પોઈન્ટ (0.31%) ના વધારા સાથે 15935.20 પર ખુલ્યો હતો.

ઉલ્લેખનીય છે કે સવારે 9.02 વાગ્યે પ્રી-ઓપન દરમિયાન, સેન્સેક્સ 117.96 પોઇન્ટ (0.22 %) 53068.59 ના સ્તરે હતો. જ્યારે નિફ્ટી 84.50 પોઇન્ટ (0.53 %) વધીને 15969.70 પર હતો. તો ગઇકાલે પણ શેરબજાર વધારા સાથે બંધ થયું હતું. 

business news sensex nifty