એસબીઆઈએ ડિપોઝિટ અને બૅન્ક ઑફ બરોડાએ લોનના વ્યાજદર વધાર્યા

17 February, 2023 02:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એસબીઆઇએ વ્યાજદરમાં ૦.૨૫ ટકા સુધીનો વધારો કર્યો

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર

બૅન્ક ઑફ બરોડા અને ઇન્ડિયન ઓવરસીઝ બૅન્કે તેમની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બૅન્ક એસબીઆઇ દ્વારા લોન અને થાપણો પરના વ્યાજદરોમાં વધારાને પગલે તેમના માર્જિનલ કૉસ્ટ ફૉર લૅન્ડિંગ રેટમાં વધારો કર્યો હતો. આમ રિઝર્વ બૅન્કે વ્યાજદર વધારતાં હવે બૅન્કો પણ વ્યાજદર વધારવા લાગી છે.

સરકારી માલિકીની બૅન્ક ઑફ બરોડાએ ૧૨ ફેબ્રુઆરીથી તમામ મુદતમાં લોનના એના વ્યાજદરમાં ૦.૦૫ ટકાનો વધારો કર્યો છે. બૅન્કે એક વર્ષના દરને ૮.૫ ટકાથી સુધારીને ૮.૫૫ ટકા કર્યો છે. અન્ય સરકારી ધિરાણકર્તા ઇન્ડિયન ઓવરસીઝ બૅન્કે તમામ મુદતમાં તેના વ્યાજદરમાં ૦.૧૫ ટકા સુધીનો વધારો કર્યો છે. એક વર્ષના બેન્ચમાર્ક દરો ૮.૩૦ ટકાથી વધારીને ૮.૪૫ ટકા કર્યા છે. ઉપરોક્ત બન્ને બૅન્કોએ ડિપોઝિટના વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યા નથી.

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ વિવિધ સમયગાળાની લોન અને ડિપોઝિટના દરમાં ૦.૦૫થી ૦.૨૫ ટકા સુધીનો વધારો કર્યો છે. એમસીએલઆર દર જે લોન સાથે જોડાયેલ હોય છે એના દર ૦.૧૦ ટકા વધાર્યા છે. 

બૅન્કના ડિપોઝિટના વ્યાજદર સિનિયર સિટિઝન માટે વધીને હવે ૮.૫ ટકા થયા છે, જે પાંચ વર્ષના સમયગાળા માટે છે, જ્યારે બાકીના વર્ગને ત્રણ વર્ષની મુદતમાં ૦.૦૫ ટકા અને લાંબા ગાળા માટે ૦.૨૫ ટકા વધુ વ્યાજ મળશે.

business news state bank of india