રિઝર્વ બૅન્કનું આકરું પગલું : શ્રેઈ ઇન્ફ્રાની ઑડિટર હરિભક્તિ ઍન્ડ કંપની પર બે વર્ષનો પ્રતિબંધ

13 October, 2021 11:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિઝર્વ બૅન્કે એસઆરઈઆઇ (શ્રેઈ) ઇન્ફ્રાના ઑડિટર હરિભક્તિ ઍન્ડ કંપની પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે.

પ્રતીકાત્મક તસવીર

રિઝર્વ બૅન્કે એસઆરઈઆઇ (શ્રેઈ) ઇન્ફ્રાના ઑડિટર હરિભક્તિ ઍન્ડ કંપની પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. દેશની ટોચની ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કંપનીઓમાં સામેલ હરિભક્તિ ઍન્ડ કંપની ૧ એપ્રિલ ૨૦૨૨થી બે વર્ષ માટે કોઈ પણ નિયમનબદ્ધ કંપની માટે કોઈ પણ પ્રકારનું ઑડિટનું કામકાજ કરી નહીં શકે.

નોંધનીય છે કે શ્રેઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનૅન્સ લિમિટેડના બોર્ડને રિઝર્વ બૅન્કે હાલમાં સુપરસીડ કરીને તેની સામે ઇન્સૉલ્વન્સી કાર્યવાહી શરૂ કરી હતી. હરિભક્તિ ઍન્ડ કંપની શ્રેઈની ૩૫મી સામાન્ય વાર્ષિક સભા સુધી ઑડિટનો કૉન્ટ્રૅક્ટ ધરાવતી હતી.

બૅન્કિંગ ક્ષેત્રની નિયમનકાર રિઝર્વ બૅન્કે પહેલી વાર ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કંપની વિરુદ્ધ આ પ્રકારનું પગલું ભર્યું છે. અર્થતંત્રની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ ગણાતી નૉન-બૅન્કિંગ ફાઇનૅન્શિયલ કંપની સંબંધે રિઝર્વ બૅન્કે કેટલાક નિયમો ઘડ્યા છે. તેનું ઉલ્લંઘન કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.

કેન્દ્રીય બૅન્કના નિવેદનમાં જણાવાયા મુજબ એના ઉક્ત આદેશની અસર નાણાકીય વર્ષ ૨૦૨૧-’૨૨ માટે હરિભક્તિ ઍન્ડ કંપનીએ હાથમાં લીધેલા ઑડિટના અસાઇનમેન્ટ પર નહીં પડે.

અહીં જણાવવું રહ્યું કે રિઝર્વ બૅન્કે એક બૅન્કના ઑડિટના અહેવાલમાં અનેક ભૂલચૂક રહી ગઈ હોવાથી અર્ન્સ્ટ ઍન્ડ યંગ ઑડિટ કંપનીની સહયોગી એસ. આર. બાટલીબૉય ઍન્ડ કંપની પર એક વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો.

રિઝર્વ બૅન્કે શ્રેઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનૅન્સ લિમિટેડ અને શ્રેઈ ઇક્વિપમેન્ટ ફાઇનૅન્સ લિમિટેડના ડિફોલ્ટને કારણે એના બોર્ડ સુપરસીડ કર્યાં છે. નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલે આ બન્ને કંપનીઓ સામે નાદારીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને કંપનીઓના સંચાલન માટે વહીવટદારની નિમણૂક કરી છે.

business news reserve bank of india