ન્યુ યૉર્ક વાયદો ખૂલતાં સોનામાં નફો બાંધવાની વૃત્તિ, ભારતમાં ભાવ મક્કમ

10 August, 2019 08:34 AM IST  |  મુંબઈ | બુલિયન વૉચ

ન્યુ યૉર્ક વાયદો ખૂલતાં સોનામાં નફો બાંધવાની વૃત્તિ, ભારતમાં ભાવ મક્કમ

સોનાના ભાવમાં શુક્રવારે નફો બાંધવાની વૃત્તિ જોવા મળી હતી. બે દિવસ પહેલાં ભાવ ૬ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યા પછી એમાં થોડો ઘટાડો આવી રહ્યો છે. આ ઉપરાંત, ડૉલરની સ્થિરતાને કારણે પણ બજારમાં અત્યારે કોઈ મોટી તેજી જણાતી નથી. ન્યુ યૉર્ક ખાતે કૉમેક્સ ડિસેમ્બર વાયદો ગુરુવારે ૧૫૦૯.૫૦ની સપાટીએ બંધ આવ્યો હતો, આજે દિવસભર ઊંચામાં ૧૫૧૯.૯૦ અને ઘટીને ૧૫૦૬.૯૫ વચ્ચે અથડાયા પછી અત્યારે એ ૨.૧૫ ડૉલર ઘટી ૧૫૦૭.૩૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે. હાજરમાં સોનાનો ભાવ ૧૪૯૯ ડૉલરની સપાટીએ સ્થિર છે. ચાંદી વાયદો ૦.૦૧૮ સેન્ટ ઘટીને ૧૬.૯૧૮ની સપાટીએ છે. જોકે ભારતમાં સોનાનો ભાવ આજે પણ વધ્યો હતો. વાયદામાં ભાવ ૨૧૦ અને હાજરમાં ૫૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ વધ્યા હતા. વાયદા અને હાજર બજારમાં ચાંદીના ભાવમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. જાન્યુઆરી મહિનાથી આજ સુધીમાં ભારતમાં સોનાનો ભાવ ૧૯ ટકા વધી ગયો છે.

એમસીએક્સ સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૭૯૭૬ ખૂલી, ઉપરમાં ૩૭૯૯૦ અને નીચામાં ૩૭૮૧૫ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૧૧ વધીને ૩૭૯૬૮ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑગસ્ટ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૦૯ વધીને ૮ ગ્રામદીઠ ૨૯૯૭૦ અને ગોલ્ડ-પેટલ ઑગસ્ટ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૦ વધીને ૧ ગ્રામદીઠ ૩૭૬૫ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૨૨૧ વધીને બંધમાં ૩૭૫૩૨ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૩૯૫૦ ખૂલી, ઉપરમાં ૪૩૯૫૦ અને નીચામાં ૪૩૦૪૪ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૨૮૯ વધીને ૪૩૩૫૬ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઑગસ્ટ ૩૧૪ વધીને ૪૩૩૭૩ રૂપિયા અને ચાંદી-માઇક્રો ઑગસ્ટ ૩૨૨ વધીને ૪૩૩૭૭ રૂપિયા બંધ રહ્યા હતા.

સોનામાં રોકાણકારોનો પ્રવાહ

બુધવારે પૂરા થયેલા સપ્તાહ અનુસાર સોનામાં રોકાણ કરતા ફન્ડમાં ઇતિહાસમાં ચોથો સૌથી મોટો પ્રવાહ આવ્યો હોવાનું બૅન્ક ઑફ અમેરિકા મૅરિલ લિન્ચના એક અહેવાલમાં જણાવ્યું છે. બૅન્કના અહેવાલ અનુસાર અમેરિકામાં શૅરબજારના ફન્ડમાં ૧૫.૨ અબજની રકમ ઊપડી ગઈ હતી જે ડિસેમ્બર ૨૦૧૮ પછીની સૌથી વધારે છે. એની સામે સોનામાં ૨.૩ અબજ ડૉલરનું નવું રોકાણ આવ્યું હતું. છેલ્લાં ૧૦ સપ્તાહમાં વિવિધ કીમતી ધાતુમાં નવું ૧૧ અબજ ડૉલરનું રોકાણ આવ્યું છે જે બ્રેક્ઝિટના પરિણામ જાહેર થયા પછી સૌથી વધારે છે. જોકે સોનાના ભાવ વધવાની શરૂઆત સપ્ટેમ્બર ૨૦૧૮થી જ શરૂ થઈ ગઈ છે. વિદેશી બજારમાં સોનાનો ભાવ સપ્ટેમ્બરથી જાન્યુઆરી ૨૦૧૯ વચ્ચે ૯.૭૫ ટકા જેટલો વધી ગયો હતો.

આ પણ વાંચોઃ વ્યાજદર ઘટશે એવી આશા, પણ અમેરિકન બેરોજગારીના પ્રતિકુળ આંકડા આવતાં સોનામાં પ્રૉફિટ-બુકિંગ


સપ્તાહમાં રૂપિયો ૧૧૮ પૈસા ઘટ્યો

વિદેશી સંસ્થાઓની સતત વેચવાલી અને ઇમર્જિંગ માર્કેટની કરન્સીમાં ચીન અને અમેરિકાની ટ્રેડ-વૉરને કારણે ભારતીય ચલણ પણ ડૉલર સામે ઘટી રહ્યું છે. ગુરુવારે ડૉલર સામે ૭૦.૬૯ બંધ આવેલો રૂપિયો આજે તેજીમાં ૭૦.૫૪ ખૂલી વધીને ૭૦.૪૪ થયો હતો, પણ પછી ડૉલરની માગ વધતાં રૂપિયો ૯ પૈસા ઘટી ૭૦.૭૮ની સપાટીએ બંધ આવ્યો છે. આ સપ્તાહમાં રૂપિયો ડૉલર સામે ૧૧૮ પૈસા ઘટી ગયો છે. ડૉલર સામે રૂપિયો ઘસાતાં ભારતમાં સોનાના ભાવમાં વૃદ્ધિ જોવા મળી હતી.

business news