Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અમેરિકન બેરોજગારીના પ્રતિકુળ આંકડા આવતાં સોનામાં પ્રૉફિટ-બુકિંગ

અમેરિકન બેરોજગારીના પ્રતિકુળ આંકડા આવતાં સોનામાં પ્રૉફિટ-બુકિંગ

09 August, 2019 02:04 PM IST | મુંબઈ

અમેરિકન બેરોજગારીના પ્રતિકુળ આંકડા આવતાં સોનામાં પ્રૉફિટ-બુકિંગ

અમેરિકન બેરોજગારીના પ્રતિકુળ આંકડા આવતાં સોનામાં પ્રૉફિટ-બુકિંગ

અમેરિકન બેરોજગારીના પ્રતિકુળ આંકડા આવતાં સોનામાં પ્રૉફિટ-બુકિંગ


ભારત, ન્યુ ઝીલૅન્ડ અને થાઇલૅન્ડ બાદ અમેરિકાએ પણ વ્યાજદર ઘટાડવા પડશે એવી સોનાની માર્કેટમાં આશા રાખવામાં આવી રહી છે. દિવસભર ૧૪૯૯થી ૧૫૦૪ ડૉલરની સપાટી વચ્ચે રહ્યા પછી આજે અમેરિકામાં જૉબલેસ (બેરોજગારી)ના આંકડા ધારણા કરતાં સારા આવતાં સોનાના ભાવમાં પ્રૉફિટ-બુકિંગ જોવા મળી રહ્યું છે. ઑગસ્ટ મહિનામાં સોનાનો ભાવ વિદેશી બજારમાં પાંચ ટકા જેટલો વધી ગયો છે.
અમેરિકાના લેબર ડિપાર્ટમેન્ટે જાહેર કરેલા આંકડા અનુસાર સાપ્તાહિક ધોરણે જૉબલેસની સંખ્યા ૮૦૦૦ ઘટીને ૨,૦૯,૦૦૦ રહી હતી. બજારમાં એવી અપેક્ષા હતી કે કુલ સંખ્યા ૨,૧૫,૦૦૦ જેટલી આવશે. આ પછી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે ભાવ બુધવારની ઊંચી સપાટી પછી પ્રૉફિટ-બુકિંગના દબાણ હેઠળ જ હતા. ન્યુ યૉર્કમાં કૉમેકસ ડિસેમ્બર વાયદો બુધવારે ૧૫૧૯.૬ ડૉલરની સપાટીએ બંધ હતો જે ઘટીને ૧૫૧૩.૨૫ ડૉલરની સપાટીએ ખૂલી વધીને ૧૫૧૮.૩૫ની સપાટીએ જઈ અત્યારે ૧૩.૬૫ ઘટી ૧૫૦૫.૭૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે. ચાંદીનો વાયદો ૦.૩૫૮ ઘટીને ૧૬.૮૬૩ ડૉલર પ્રતિ ઔંસ છે. હાજરમાં સોનું ૮.૯૩ ડૉલર ઘટી ૧૪૯૩ ડૉલર પ્રતિ ઔંસ છે અને ચાંદી ૧૬.૯૩ની સપાટીએ છે.
ભારતમાં મિશ્ર હવામાન
ભારતમાં હાજર અને વાયદા બજારમાં મિશ્ર હવામાન જોવા મળ્યું હતું. વાયદામાં સોના અને ચાંદીના ભાવ ઘટ્યા હતા. હાજર બજારમાં સોનું આંશિક વધીને સ્થિર હતું, જ્યારે ચાંદીમાં પણ મુંબઈમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો.
એમસીએક્સ સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૭૯૯૪ ખૂલી, ઉપરમાં ૩૮૦૯૦ અને નીચામાં ૩૭૭૨૬ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૪૦૪ ઘટીને ૩૭૮૧૪ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑગસ્ટ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૨૫૩ ઘટીને ૮ ગ્રામદીઠ ૨૯૮૬૯ અને ગોલ્ડ-પેટલ ઑગસ્ટ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૩૧ ઘટીને ૧ ગ્રામદીઠ ૩૭૬૩ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૨૮ ઘટીને બંધમાં ૩૭૩૭૧ રૂપિયાના ભાવ રહ્યા હતા.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૩૫૬૭ ખૂલી, ઉપરમાં ૪૩૭૬૭ અને નીચામાં ૪૩૨૧૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૫૦૨ ઘટીને ૪૩૨૭૭ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઑગસ્ટ ૫૦૦ ઘટીને ૪૩૨૯૭ રૂપિયા અને ચાંદી-માઇક્રો ઑગસ્ટ ૫૦૭ ઘટીને ૪૩૨૮૭ રૂપિયા બંધ રહ્યા હતા.
ગોલ્ડ ઈટીએફમાં અવિરત રોકાણ, કુલ હોલ્ડિંગ ૬ વર્ષમાં સૌથી વધુ
સોનાના વધી રહેલા ભાવ, વૈશ્વિક રીતે ઘટી રહેલા વ્યાજદર અને ટ્રેડ-વૉરને કારણે ઊભી થયેલી આર્થિક અનિશ્ચિતતાને કારણે સોનાનું આકર્ષણ વધી રહ્યું છે. કૅલેન્ડર વર્ષ ૨૦૧૯માં સોનામાં કુલ ૬.૪ ટકા રોકાણવૃદ્ધિ જોવા મળી છે. આ ગાળામાં ૧૫૯ ટન સોનું અનામતમાં ઉમેરાયું છે જેનું મૂલ્ય ૭.૬ અબજ ડૉલર થાય છે. જુલાઈ મહિનામાં પણ વૈશ્વિક રીતે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ઈટીએફ)માં બાવન ટન કે ૨.૬ અબજ ડૉલરનું વધારાનું રોકાણ આવ્યું હતું અને હવે આવી સ્કીમનું કુલ ગોલ્ડ હોલ્ડિંગ (સ્કીમના હાથ પરની અનામત) ૨૬૦૦ ટન પહોંચી છે જે માર્ચ ૨૦૧૩ પછી સૌથી વધારે હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલમાં જણાવાયું છે.
કાઉન્સિલના અહેવાલ અનુસાર ઉત્તર અમેરિકા ખંડમાં ૪૩ ટન કે બે અબજ ડૉલરનું નવું રોકાણ આવ્યું છે. યુરોપમાં ૭.૫ ટન કે ૪૮.૩ કરોડ ડૉલર, એશિયામાં ૦.૮ ટન કે ૩.૭૦ કરોડ ડૉલર અને અન્ય પ્રદેશમાં કુલ ૦.૯ ટન કે ૪.૧૦ કરોડ ડૉલરનું રોકાણ આવ્યું છે.
દરમ્યાન ભારતમાં ગોલ્ડ ઈટીએફનું કુલ રોકાણ ડિસેમ્બર ૨૦૧૮ના અંતે ૪૫૭૧ કરોડ રૂપિયા હતું જે જુલાઈના અંતે વધીને ૫૦૮૦ કરોડ રૂપિયા થયું છે. જુલાઈમાં જોકે રોકાણકારોએ ઊંચા ભાવને કારણે ૧૭.૬૬ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા અને જૂનમાં પણ ૧૫.૯૧ કરોડ રૂપિયા પાછા ખેંચ્યા હતા.
પાંચ દિવસના ઘટાડા પછી રૂપિયો મજબૂત થયો
ડૉલર સામે છેલ્લા પાંચ દિવસમાં ૨૧૦ પૈસાના ઘટાડા બાદ આજે રૂપિયામાં થોડી મજબૂતી જોવા મળી હતી. બુધવારે ૭૦.૮૯ બંધ રહેલો રૂપિયો આજે મજબૂતી સાથે ૭૦.૮૦ની સપાટીએ ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન એ વધીને ૭૦.૫૫ અને ઘટીને ૭૦.૯૪ થયા બાદ ૭૦.૬૯ની સપાટીએ બંધ આવ્યો હતો જે ગઈ કાલ કરતાં ૨૦ પૈસાનો સુધારો જણાવે છે. રૂપિયો મજબૂત થઈ રહ્યો હોવાને કારણે પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2019 02:04 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK