મહારાષ્ટ્રની આ સહકારી બેન્ક પર RBIની મોટી કાર્યવાહી! ગ્રાહકો નહીં ઉપાડી શકે પૈસા

15 May, 2022 01:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

લાંબા સમયથી બેન્ક નાણાકીય સંકટનો સામનો કરી રહી હતી

પ્રતીકાત્મક તસવીર

ભારતીય રિઝર્વ બેન્કે મહારાષ્ટ્રની કોલ્હાપુર સ્થિત સહકારી બેન્ક મહાશંકરરાવ પૂજારી નૂતન નગરી સહકારી લિમિટેડ સામે મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય બેન્કે હવે મહાશંકરરાવ પૂજારી નૂતન નગરી સહકારી બેન્ક લિમિટેડને નાણાં ઉપાડવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ બાદ હવે બેન્કના ગ્રાહકો તેમના પૈસા ઉપાડી શકશે નહીં. લાંબા સમયથી મહાશંકરરાવ પૂજારી નૂતન નાગરિક સહકારી બેન્ક લિમિટેડ નાણાકીય સંકટનો સામનો કરી રહી હતી.

બેન્ક પર યોગ્ય કાર્યવાહી

આ બેન્કમાં લગભગ 99.88 ટકા થાપણદારો થાપણ વીમા અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન વીમા (DICGC) હેઠળ આવરી લેવામાં આવી છે. યોજના હેઠળ, થાપણદારોને કુલ 5 લાખ રૂપિયાની થાપણ પર વીમાની સુવિધા મળે છે. આ બાબતે માહિતી આપતા RBIએ કહ્યું છે કે “બેન્કમાંથી ઉપાડ પર પ્રતિબંધ 13 મે, 2022થી લાગુ કરવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 6 મહિના માટે રહેશે. આ સાથે RBI બેન્કના કામકાજની સતત સમીક્ષા કરશે.” આરબીઆઈએ જણાવ્યું છે કે “બેન્કમાં લિક્વિડિટી જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કારણે હવે ગ્રાહકોને ખાતામાંથી પૈસા ઉપાડવાની છૂટ નહીં મળે.”

આ સાથે આરબીઆઈએ એમ પણ કહ્યું છે કે “કેન્દ્રીય બેન્કના આ પગલાને બેન્ક બંધના સંદર્ભમાં જોવું જોઈએ નહીં. આરબીઆઈએ આ સહકારી બેન્કનું લાઇસન્સ રદ કર્યું નથી.” આ સાથે આરબીઆઈએ કહ્યું છે કે “હવે કોઈપણ પ્રકારની લોન રિન્યુ કરતાં પહેલાં બેન્કે આરબીઆઈ પાસેથી પરવાનગી લેવી પડશે.

DICGC શું છે?

DICGC એ ભારતીય રિઝર્વ બેન્કની પેટાકંપની છે, જે બેન્કમાં જમા રકમ પર ગ્રાહકોને વીમા કવચ પ્રદાન કરે છે. તે રૂા. 5 લાખ સુધીની રકમ માટે વીમો આપે છે. આ વીમા કવચ દ્વારા ગ્રાહકોના પૈસા ગુમાવવાનું કોઈ જોખમ નથી.

business news reserve bank of india