પેન્શન પર RBIએ બદલ્યા નિયમો, હવે બેંકોની મનમાની નહીં ચાલે

25 June, 2026 02:43 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

RBI New Pension Rule: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સરકારી પેન્શનધારકોને મોટી રાહત આપતાં જણાવ્યું છે કે, બેંકો પેન્શનધારકોના ખાતામાંથી વધારાની ચૂકવણીની રકમ અગાઉથી નોટિસ આપ્યા વિના કાપી શકશે નહીં; ચાલો જાણીએ નવો નિયમ શું છે?

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ભારત (India)ની સેન્ટ્રલ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (Reserve Bank of India) એ વરિષ્ઠ નાગરિકોને મોટી રાહત આપતાં તેમના પેન્શન સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર (RBI New Pension Rule) કર્યો છે.

આપણે સૌ જાણીએ છીએ કે નિવૃત્તિ પછી વરિષ્ઠ નાગરિકો દર મહિને મળતા પેન્શન પર જ નિર્ભર હોય છે. દવાઓથી લઈને રોજિંદી જરૂરિયાતો આ પેન્શનમાંથી જ પૂરી થાય છે. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે બેંક કોઈ ટેકનિકલ સમસ્યાના કારણે પેન્શનધારકોના ખાતામાં વધુ પૈસા મોકલી દે છે, અને ત્યારબાદ કોઈપણ નોટિસ કે માહિતી આપ્યા વિના એકસાથે મોટી રકમ કાપી લે છે. આના કારણે વરિષ્ઠ નાગરિકોને તેમના ભવિષ્યનું આયોજન કરવામાં મુશ્કેલી પડે છે. આ જ સમસ્યાને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ જણાવ્યું છે કે, બેંકો હવે આગોતરી નોટિસ આપ્યા વિના વરિષ્ઠ નાગરિકોના પેન્શન ખાતામાંથી પૈસા કાપી શકશે નહીં.

શું છે RBIનો નવો નિયમ?

ખરેખર તો આરબીઆઈની નવી માર્ગદર્શિકા (RBI New Pension Rule) જણાવે છે કે, હવેથી દેશની કોઈપણ બેંક, કોઈ સરકારી પેન્શનધારકના ખાતામાંથી વધારાના ચૂકવાયેલા નાણાંની અચાનક વસૂલાત કરી શકશે નહીં. જો બેંકને લાગે છે કે તેણે કોઈ પેન્શનધારકને પેન્શનના વધારે પૈસા ટ્રાન્સફર કરી દીધા છે, તો તે બેંકે વસૂલાત કરતા પહેલાં એડવાન્સમાં નોટિસ આપવી જ પડશે. એટલે કે સ્પષ્ટ છે કે બેંકોએ પેન્શનના મામલામાં પોતાની સિસ્ટમને અપગ્રેડ કરવી જ પડશે.

નોટિસ સાથે આપવી પડશે પૂરી વિગત

માત્ર નોટિસ આપવાથી કામ નહીં ચાલે, નવા નિયમો અનુસાર હવે બેંકે જણાવવું પડશે કે આ વધારાની ચૂકવણી કેમ અને કયા સમયગાળામાં થઈ હતી. આ ઉપરાંત બેંકે પેન્શનધારકોને ગણતરીની આખી શીટ વિશે પણ માહિતી આપવી પડશે, જેનાથી એ સાબિત થશે કે બેંક જે કહી રહી છે તે સાચું છે. એટલું જ નહીં, વસૂલાત અંગે બેંકનો પ્લાન શું છે તે પણ પેન્શનધારકોને જણાવવું પડશે. એટલે કે વધારાની ચૂકવણીની વસૂલાત ક્યારે અને કેટલા મહિનામાં કરવામાં આવશે તેની સ્પષ્ટતા કરવી પડશે, જેથી વરિષ્ઠ નાગરિકો પોતાના ખાતાનું સંચાલન વ્યવસ્થિત રીતે કરી શકે.

વરિષ્ઠ નાગરિકો માટે મોટી રાહત

ઘણી વખત એવું જોવા મળ્યું છે કે પેન્શનધારકોને આ કાપી લેવાયેલી રકમ વિશે ખબર પણ પડતી ન હતી. પાછળથી પાસબુક દ્વારા ખબર પડતી હતી કે તે સમયગાળામાં બેંકે એકસાથે પૈસા કાપી લીધા હતા. આવા સમયમાં રિઝર્વ બેંકના આ નિર્ણયથી માત્ર બેંકોની મનમાની જ નહીં અટકે, પરંતુ વરિષ્ઠ નાગરિકો બેંકો પાસેથી મળેલી માહિતીના આધારે તેને ક્રોસ ચેક પણ કરી શકશે.

reserve bank of india finance news finance ministry india business news