રિઝર્વ બૅન્કે કાર્ડ સંબંધી નવા નિયમના અમલ માટે ત્રણ મહિનાનો સમય લંબાવ્યો

22 June, 2022 07:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગ્રાહકની સંમતિ વિના કાર્ડ સક્રિય-ઓટીપી સહિતના નિયમોના પાલન સંબંધી નિયમો હતા

પ્રતીકાત્મક તસવીર

રિઝર્વ બૅન્કે ક્રેડિટ અને ડેબિટ કાર્ડ જારી કરતી બૅન્કો અને નૉન-બૅન્કિંગ ફાઇનૅન્શિયલ કંપનીઓ (એનબીએફસી)ને ગ્રાહકોની સંમતિ વિના કાર્ડ સક્રિય કરવા સહિતના કેટલાક નિયમોનું પાલન કરવા માટે વધુ ત્રણ મહિનાનો સમય આપ્યો છે.
બૅન્કો અને એનબીએફસી કંપનીઓએ પહેલી જુલાઈથી ‘ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ઇશ્યુઅન્સ ઍન્ડ કન્ડક્ટ ડાયરેક્શન્સ, ૨૦૨૨’ પર માસ્ટર ડાયરેક્શન લાગુ કરવાની હતી.
ઉદ્યોગના હિસ્સેદારો તરફથી મળેલી વિવિધ રજૂઆતોને ધ્યાનમાં રાખીને ભારતીય રિઝર્વ બૅન્કે મુખ્ય દિશાનિર્દેશની કેટલીક જોગવાઈઓના અમલીકરણ માટે સમયરેખાને પહેલી ઑક્ટોબર ૨૦૨૨ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. એક જોગવાઈ જેના પર વધુ સમય આપવામાં આવ્યો છે એ ક્રેડિટ કાર્ડના સક્રિયકરણ સાથે સંબંધિત છે.
માસ્ટર ડાયરેક્શન મુજબ કાર્ડ જારી કરનારાઓએ ક્રેડિટ કાર્ડને સક્રિય કરવા માટે કાર્ડધારક પાસેથી વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) આધારિત સંમતિ લેવી આવશ્યક છે, જો એ ઇશ્યુ થયાની તારીખથી ૩૦ દિવસથી વધુ સમય સુધી ગ્રાહક દ્વારા સક્રિય ન કરવામાં આવ્યું હોય તો આ નિયમ લાગુ થવાનો હતો.

business news reserve bank of india