03 June, 2025 06:55 AM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
હાલમાં શૅરબજારમાં તેજી માટે આર્થિક પરિબળો હાજર છે, જ્યારે કે ઘટવા માટે આર્થિક પરિબળોને બદલે પ્રૉફિટ-બુકિંગનું કારણ મુખ્ય ગણાય છે. વર્તમાન સંજોગો સળંગ તેજીને સમર્થન આપતા નહીં હોવાથી કરેક્શન આવતું રહે છે. વૈશ્વિક માહોલને ધ્યાનમાં રાખીને ક્યાંક કોઈ ભય અને શંકાની લાગણી ચૂપચાપ પોતાનું કામ કરી રહી છે. બજારમાં વિશ્વાસ છે, પણ તેજીની કન્ટિન્યુટી બ્રેક થતી રહેશે એવી માનસિકતા છે
વૈશ્વિક સ્તરે જે પણ કંઈ ચાલતું હોય, ભારતીય ઇકૉનૉમી અને માર્કેટમાં સબ કુછ ઠીક હૈ જેવો તાલ જોવા મળે છે. શૅરબજાર એની અસરોને સતત માર્કેટની ચાલમાં દર્શાવ્યા કરે છે. બજારમાં તેજીનો-રિકવરીનો ટ્રેન્ડ જળવાઈ રહ્યો છે. વીતેલા સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સે ૮૨,૦૦૦ ઉપર અને નિફ્ટીએ ૨૫,૦૦૦ ઉપર બંધ રહીને તેજીના ટકોરાને થમ્સ-અપ કર્યું હતું. જોકે મંગળવારે પ્રૉફિટ-બુકિંગ આવતાં સેન્સેક્સ અને નિફ્ટી બન્ને પાછા નીચે આવી ગયા હતા. બુધવારે પણ કરેક્શન કન્ટિન્યુ રહ્યું. જોકે ગુરુવારે નબળા સંકેતો વચ્ચે વધઘટ બાદ સેન્સેક્સ અને નિફ્ટી પ્લસમાં બંધ રહ્યા હતા અને શુક્રવારે પુનઃ સાધારણ ઘટાડા સાથે બજાર બંધ રહ્યું. આમ ચાલ જોઈએ તો રિકવરીનું પ્રમાણ કરેક્શનની સામે ઊંચું રહે છે.
દરમ્યાન જાહેર ખર્ચની વૃદ્ધિને કારણે અને ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડને પરિણામે દેશનો ગ્રૉસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ગ્રોથ-રેટ ધારણા કરતાં ઊંચો જાહેર થવાના ગુડ ન્યુઝ હતા. ચોથા ક્વૉર્ટરમાં આ રેટ ૭.૪ ટકા રહ્યો, જ્યારે કે પૂર્ણ વર્ષ માટે આ દર ૬.૫ ટકા રહ્યો છે. આ ગુડ ન્યુઝની અસર નવા સપ્તાહમાં જોવા મળી શકે, કેમ કે આ GDP દર ઇકૉનૉમીની મજબૂતીની સાક્ષી પૂરે છે, જ્યારે અમેરિકન ફેડરલ રિઝર્વના સંકેતો મોંઘવારી દર ઊંચો રહેવાની ધારણા મૂકી રહ્યા છે. એમ છતાં ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજદરમાં કોઈ ફેરફાર નથી, પણ ભાવવધારાના દબાણની ચિંતા વધી છે. ક્રૂડના વધતા ભાવ પણ ચિંતાનું કારણ બની રહ્યા છે. અમેરિકન ટૅરિફના મામલાને અમેરિકન કોર્ટે જ હાલ હોલ્ડ કરી દીધો હોવાના અહેવાલે માર્કેટને કંઈક અંશે રાહત આપી છે, પરંતુ અમેરિકા સામે મોંઘવારી ઉપરાંત બેરોજગારીનો પડકાર વધ્યો છે. આમ ભારત મજબૂતી તરફ અને અમેરિકા નબળાઈ તરફ આગળ વધી રહ્યાં છે. હવે પછી આપણા દેશમાં માર્કેટ તેમ જ ઇકૉનૉમી પર ચોમાસાની અસર પણ શરૂ થશે.
રીટેલ રોકાણકારોનો અભિગમ શું છે?
તાજેતરમાં એક નોંધવા જેવી વાત એ પણ છે કે માર્કેટ મહદંશે રિકવરી મોડમાં રહેતું હોવા છતાં રીટેલ ઇન્વેસ્ટર્સ નેટ સેલર્સ વધુ રહ્યા છે. ખાસ કરીને છેલ્લા ત્રણ મહિનાથી આમ નોંધાયું છે. આંકડા કહે છે કે રીટેલ ઇન્વેસ્ટરોએ માર્ચમાં ૧૬,૦૦૦ કરોડ રૂપિયા, એપ્રિલમાં ૨૦૦૦ કરોડ રૂપિયા અને મેમાં ૭૧૦૦ કરોડ રૂપિયા (અત્યાર સુધી)નું વેચાણ કર્યું છે. જોકે આની સામે મ્યુચ્યુઅલ ફન્ડ્સ તથા FII બાયર્સ રહ્યા છે. મ્યુચ્યુઅલ ફન્ડ્સે મેમાં ૨૪,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ ખરીદી કરી છે. ગયા ઑક્ટોબર સુધી સતત નેટ સેલર રહેનાર FII માર્ચથી બાયર્સ બનતા ગયા.
રીટેલ ઇન્વેસ્ટર્સના વેચાણનાં કારણોમાં કહેવાય છે કે તેઓ પ્રૉફિટ-બુકિંગ પસંદ કરી રહ્યા છે અને પોતાનો પોર્ટફોલિયો પણ રીબૅલૅન્સ કરતા જાય છે. સ્મૉલ અને મિડકૅપના વધુપડતા વૅલ્યુએશનથી પણ તેઓ સચેત બન્યા છે. આમાં તેમની પરિપક્વતા પણ જોવા મળે છે. આમ કોવિડ બાદથી સક્રિય બનેલા રીટેલ ઇન્વેસ્ટર્સે મજબૂત તેજીની રૅલી જોઈ હતી, પરંતુ જુલાઈ ૨૦૨૪થી માર્કેટમાં ડાઉન ટ્રેન્ડ શરૂ થયો અને સપ્ટેમ્બર ૨૦૨૪થી ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી સતત કરેક્શનનો દોર ચાલુ રહ્યો, જેમાં લાર્જકૅપ અને સ્મૉલ-મિડકૅપ ઇન્ડેક્સમાં નોંધપાત્ર ઘટાડો જોવાયો હતો.
નિષ્ણાત વર્ગ કહે છે કે રીટેલ રોકાણકારોની વેચવાલીનું કારણ માર્કેટમાં ઘટેલા વિશ્વાસનું નથી, પરંતુ નફો બુક કરવાની નીતિ, અભિગમ અને ઍસેટ અલોકેશનનું છે જેથી આ વેચાણથી ચિંતા કરવાની જરૂર રહેતી નથી. બીજી બાજુ સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)નો પ્રવાહ સતત ચાલુ અને મજબૂત રહ્યો છે.
માર્કેટમાં જે વૉલેટિલિટી ટ્રમ્પના તરંગોની અસરની તેમ જ ગ્લોબલ અનિશ્ચિતતાની હતી એ પરિબળ હવે ઘણેખરે અંશે ડિસ્કાઉન્ટ થતું જાય છે. બાકી રિકવરીની રૅલીમાં રોકાણકારોની અગાઉની ખોટ રિકવર થવાનું જોવાઈ રહ્યું છે. આ ઇન્વેસ્ટર વર્ગ સલામત સાધનો તરફ પણ વળતો જોવા મળે છે અને હવે તેમનો IPO પ્રત્યેનો રસ પણ વધવાનો અંદાજ છે. હાલ તો તેઓ સેકન્ડરી માર્કેટથી દૂર રહેવાનું પસંદ કરી રહ્યા છે, જ્યારે તેજી નક્કર સ્વરૂપ ધારણ કરશે ત્યારે તેઓ પાછા ફરશે એવું કહી શકાય. હજી તેમના માનસ મુજબ માર્કેટે સળંગ તેજીની દિશા પકડી નથી
માર્કેટમાં વધી રહેલું દૈનિક ટર્નઓવર
દરમ્યાન શૅરબજારમાં છેલ્લા કેટલાક દિવસોમાં જોવાયેલા કરન્ટ બાદ ઇક્વિટી-કૅશ માર્કેટનું સરેરાશ દૈનિક ટર્નઓવર પણ વધતું રહ્યું છે. આ મે મહિનામાં એ છેલ્લા આઠ મહિનામાં સૌથી ઊંચું રહ્યું છે. માર્કેટમાં ગહનતા અને વિશ્વાસ વધી રહ્યાં હોવાનું નોંધાયું છે. આમાં કેટલીક બ્લૉક અને બલ્ક ડીલ્સનો પણ હિસ્સો રહ્યો છે. ભારતીય અર્થતંત્ર ફન્ડામેન્ટલ્સની દૃષ્ટિએ સુધારાતરફી રહ્યું છે, કંપનીઓનાં અર્નિંગ્સ પણ રિકવરી દર્શાવી રહ્યાં છે. ફૉરેન ઇન્વેસ્ટર્સનો રસ અને પ્રવાહ પૉઝિટિવ બનતો જાય છે. લે-વેચની (ટ્રેડિંગ) પ્રવૃત્તિ પણ સતત વધતી રહી છે. એકંદરે બ્રૉડર લેવલે માર્કેટ સુધરી રહ્યું છે. જોકે માર્કેટની નબળી તેમ જ ચિંતાજનક બાબત એ ગણાય કે ઑપ્શન્સ ટ્રેડિંગ સતત કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. આ પ્યૉર સટ્ટો બજાર માટે અને ટ્રેડર વર્ગ માટે જોખમી હોવાનું જાહેર છે.
બચકે રહના રે બાબા
આજકાલ સોશ્યલ મીડિયા પર ફેલાવો વધારતા જતાં ફિનફ્લુએન્સરના દાવાઓ, આકર્ષક વાતો કે ટિપ્સથી સાવચેતી રાખવી અનિવાર્ય બનતી જાય છે, અન્યથા ફસાવાની શક્યતા ભરપૂર છે. આવા લોકોમાંથી જ્યારે કોઈ કહે કે ફલાણા શૅરનો ભાવ આસમાને પહોંચશે પણ એ માટેનાં ગળે ઊતરે એવાં કારણો ન દર્શાવે ત્યારે ચેતી જવું. પોતાની પોસ્ટ્સનો રેકૉર્ડ રાખી સમીક્ષા કર્યા વગર જ દર સપ્તાહે પોસ્ટનાં સૂપડાં સાફ કરનારા ટિપસ્ટરોથી ચેતીને ચાલવું. હાલ ૧૦૦ રૂપિયામાં મળતો શૅર જોતજોતામાં હજાર થઈ જશે એવું કહેવાય ત્યારે રાજી નહીં, સજાગ થઈ જવું.
વર્તમાન સમયમાં ધ્યાનમાં રાખવા જેવા કેટલાક મુદ્દા
નિફ્ટી ૨૫,૦૦૦ ઉપર જાય કે પ્રૉફિટ-બુકિંગ આવી જાય છે.
કોવિડનો ભય પણ માર્કેટમાં પાછો ફર્યો છે, જોકે એ કામચલાઉ છે.
અમેરિકાના ટૅરિફ-અભિગમને કારણે હજી કેટલાક દેશો સાથેની સિચુએશન અધ્ધર ગણાય છે. યુરોપિયન યુનિયન સાથેની વાટાઘાટ અમેરિકા દ્વારા જુલાઈ સુધી લંબાવી દેવાઈ છે.
રશિયા-યુક્રેન યુદ્ધનો તનાવ પણ હજી ઊભો હોવાથી વૈશ્વિક અનિશ્ચિતતાની તલવાર લટકતી રહી છે.
ભારતમાં જે પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને ડિફેન્સ સેક્ટરમાં તાજો કરન્ટ ચાલી રહ્યો છે એને ધ્યાનમાં રાખતાં લાર્સન ઍન્ડ ટુબ્રો જેવા શૅરનું મહત્ત્વ વધી રહ્યું છે.