બજારનું માર્કેટકૅપ સર્વોચ્ચ સપાટીએ? ના, તદ્દન ખોટું!

11 January, 2022 09:43 AM IST  |  Mumbai | Anil Patel

હકીકત પણ છે કે ગઈ કાલે બીએસઈ કે એનએસઈ, કોઈ કહેતાં કોઈનું માર્કેટકૅપ ઑલટાઇમ હાઈ થયું જ નથી!

પ્રતીકાત્મક તસવીર

સોમવારે શૅરબજાર ૬૦,૦૦૦ની પાર ગયું. ત્યાર બાદ કેટલીક બિઝનેસ-ચૅનલ્સ તથા બિઝનેસ-પોર્ટલ પર ‘બજારનું માર્કેટકૅપ નવી વિક્રમી સપાટીએ’ની હેડલાઇન્સ સાથે ન્યુઝ ચાલુ થઈ ગયા એના સંદર્ભમાં વિશ્લેષકોના અભિપ્રાય પણ પ્રસિદ્ધ થવા માંડ્યા. જોકે હકીકત પણ છે કે ગઈ કાલે બીએસઈ કે એનએસઈ, કોઈ કહેતાં કોઈનું માર્કેટકૅપ ઑલટાઇમ હાઈ થયું જ નથી!
બીએસઈનું માર્કેટકૅપ ૧૮ ઑક્ટોબરે ચાલુ વર્ષે ૨૭૪.૭૦ લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ નોંધાયું હતું, જેની સામે ગઈ કાલે માર્કેટકૅપ ૨.૩૯ લાખ કરોડ જેવું વધીને ૨૭૪.૬૯ લાખ કરોડની નજીક નોંધાયું છે; જ્યારે એનએસઈનું માર્કેટકૅપ ગઈ કાલે ૨.૨૪ લાખ કરોડ વધીને ૨૭૨.૫૦ લાખ કરોડ થયું છે. એમાં ઑલટાઇમ હાઈ ૧૮ ઑક્ટોબરે ૨૭૨.૭૮ લાખ કરોડ બની હતી.
તો પછી આવું કેમ થયું? અંગ્રેજી પત્રકારો અને બિઝનેસ-ચૅનલો (તથા ત્યાં જે આવે એની બેઠી ઉઠાંતરી કરનારા પત્રકારો)ની જમાતમાં ચોકસાઈની ભારે ઊણપ છે. તેઓ બધું ઊડતી નજરે જોઈને પબ્લિશ કરવામાં માને છે! ‘શૅરબજારનું માર્કેટકૅપ વિક્રમી સપાટીએ’વાળો અહેવાલ આ લખાય છે ત્યારે મોડી સાંજે પણ અગ્રણી બિઝનેસ-વેબસાઇટ પર છે. જે કહે છે કે સોમવારે બીએસઈનું માર્કેટકૅપ વધીને ૨૭૨.૭૩ લાખ કરોડની વિક્રમી સપાટીએ પહોંચ્યું છે. હકીકતમાં આ ૨૭૪.૭૩ લાખ કરોડનો આંકડો બજાર બંધ થયું એ વેળાનો હતો. બજાર બંધ થવાના અડધો-પોણો કલાક પછી, ક્યારેક કલાક પછી આંકડા અપડેટ થતા રહે છે. ગઈ કાલે પણ આમ જ થયું હતું. ચાર વાગ્યા પછીના અપડેટ ફિગર પ્રમાણે ૨૭૪.૭૩નો આંક બદલાઈને ૨૭૪.૬૯ (ચોક્કસ કહીએ તો ૨૭૪૬૮૭૫૧)નો થયો હતો. બીએસઈએ એના આંકડા અપડેટ કરી દીધા, પરંતુ એ અગ્રણી બિઝનેસ-વેબસાઇટવાળા મોડી સાંજ સુધી ત્યાં જ ચીટકી રહ્યા છે! અને તેમના અહેવાલને ‘બેઝ’ બનાવીને અન્ય અખબારોએ મંગળવારે ‘બજારનું માર્કેટકૅપ સર્વોચ્ચ શિખરે’નાં મથાળાં બાંધી દીધાં હશે. 

business news share market bombay stock exchange sensex nifty