મૉન્સૂન નૉર્મલ રહેવાની આગાહી બજાર ૮૧,૦૦૦ થવાના વરતારા

10 April, 2024 06:29 AM IST  |  Mumbai | Anil Patel

સેન્સેક્સ ૭૫,૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ જઈ નહીંવત્ ઘટાડે બંધ

પ્રતીકાત્મક તસવીર

ચાંદીના ભાવમાં તેજી પાછળ હિન્દુસ્તાન ઝિન્ક તગડા ઉછાળે નવા શિખરે, સ્ટરલાઇટ ટેક્નૉમાં ક્વીપનો કરન્ટ, વેદાન્ત નવી ટોચે : બોફાએ ટાર્ગેટ પ્રાઇસ ૫૦ રૂપિયા વધારી અને ઇન્ફોસિસનું માર્કેટકૅપ ૭૩૨૬ કરોડ રૂપિયા ઊંચકાયું : ઇથેનૉલ-પૉલિસીમાં રાહતના અહેવાલે છેલ્લી ઘડીએ શુગર શૅરોમાં ફેન્સી જામી : આઇઆઇએફએલ ફાઇ. ૬૦ દિવસમાં ઐતિહાસિક બૉટમથી ૪૪ ટકા જેવો ઊંચકાયો : મુંબઈના મલાડની એલ્યુવિન્ડનું નબળું લિસ્ટિંગ, ભારતી હેક્સાકોમ ગ્રે માર્કેટમાં સતત મજબૂત : યશ ઑપ્ટિક્સ, જય કૈલાશ નમકીન અને કેટુ ઇન્ફ્રાજેન મંદીની સર્કિટમાં

શૅરબજાર મંગળવારે ૭૫,૦૦૦નો માઇલસ્ટોન સર કરીને પાછું પડ્યું છે. સેન્સેક્સ ૩૮૨ પૉઇન્ટના ગૅપ-અપ ઓપનિંગમાં ૭૫,૧૨૪ની સર્વોચ્ચ સપાટીએ ખૂલી એને જ ઇન્ટ્રા-ડે ટૉપ બનાવી ઊંટના ઢેકા જેવી ચાલમાં નીચામાં ૭૪,૬૦૩ થઈ છેવટે ૫૯ પૉઇન્ટના નહીંવત ઘટાડે ૭૪,૬૮૪ નજીક બંધ થયું છે. નિફ્ટી ૨૨,૭૬૮ની ઑલટાઇમ હાઈ નોંધાવી ૨૩ પૉઇન્ટની પીછેહઠમાં ૨૨,૬૪૩ રહ્યો છે. બજારનું માર્કેટકૅપ ૯૫,૦૦૦ કરોડ રૂપિયાના ઘટાડે ૩૯૯.૯૨ લાખ કરોડ જોવાયું છે. માર્કેટ બ્રેડ્થમાં કમજોરી આવતાં એનએસઈમાં વધેલા ૮૭૩ શૅર સામે ૧૩૨૨ જાતો ઘટી છે. સેન્સેક્સમાં ગઈ કાલે ઇન્ટ્રા-ડેમાં ૭૫,૦૦૦નો માઇલસ્ટોન સર થતાં ચાર્ટવાળા ગેલમાં આવી ગયા છે. હવે તેમને ૮૧,૦૦૦નું લેવલ દેખાવા માંડ્યું છે. સ્કાયમેટ તરફથી આ વેળાનું મૉન્સૂન નૉર્મલ રહેવાનો પ્રાથમિક વરતારો આવી ગયો છે. મોદી સરકાર ત્રીજી વખત સત્તારૂઢ થશે એમ સૌકોઈ છાતી ઠોકીને કહી રહ્યા છે. મતલબ કે ચૂંટણીનું પરિણામ હાલની તારીખે બજાર માટે લગભગ અપ્રસ્તુત કે અપ્રાસંગિક બની ગયું છે. હવે તો નવી સરકાર એના પ્રથમ ૧૦૦ દિવસમાં શું-શું કરશે એની વાતો માંડીને બજારની તેજીને આગળ ધપાવવાની અને તેજીને વાજબી ઠેરવવાની વ્યવસ્થિત કોશિશ શરૂ થઈ ગઈ છે. આની પ્રી-ઇલેક્શન રૅલીને કેટલું બળ મળે છે એ જોવું રહ્યું, પરંતુ બજાર માટે તાત્કાલિક ટ્રીગર કૉર્પોરેટ પરિણામ છે. 

બજારે ૭૦થી ૭૫ થવામાં માંડ ૪ મહિનાનો સમય લીધો છે. છેલ્લા ૧૦,૦૦૦ પૉઇન્ટનો વધારો આશરે નવ મહિનામાં તો ૫૦થી ૭૫ હજાર થતાં લગભગ બે વર્ષ કે ૭૧૯ દિવસ બજારને લાગ્યા છે. છેલ્લા ૮૨ દિવસમાં શૅર આંક ૫૦૦૦ પૉઇન્ટ વધ્યો એમાં રિલાયન્સ, સ્ટેટ બૅન્ક, ભારતી ઍરટેલ અને ટીસીએસ જેવા માત્ર ચાર શૅરનો ફાળો ૬૧.૪ ટકા કે ૩૦૭૨ પૉઇન્ટનો છે. 

સોનાના ઊંચા ભાવ ટાઇટનના જ્વેલરી બિઝનેસના ગ્રોથને અવરોધશે

રિલાયન્સ ગઈ કાલે દોઢ ટકા ઘટી ૨૯૨૭ના બંધમાં બજારને સર્વાધિક ૧૩૨ પૉઇન્ટ નડ્યો છે. ટાઇટને જ્વેલરી બિઝનેસમાં ૧૯ ટકા વૃદ્ધિ સાથે માર્ચ ક્વૉર્ટરમાં ૧૭ ટકાનો રેવન્યુ ગ્રોથ મેળવ્યો છે, પરંતુ સોનું ૭૧,૦૦૦ની ઉપર પહોંચી ગયું હોવાથી હવે જ્વેલરી બિઝનેસનો ગ્રોથ નજીકના ભાવિમાં રૂંધાશે. સરવાળે શૅર પોણાબે ટકા ગગડી ૩૬૮૦ના બંધમાં સેન્સેક્સ ખાતે ટૉપ લૂઝર બન્યો છે. ક્રૂડની મજબૂતીને લઈ એશિયન પેઇન્ટ્સ વધુ સવા ટકો ઝંખવાયો છે. સરકાર ઇથેનૉલના ઉત્પાદન માટે વધુ શેરડીનો ઉપયોગ કરવાની છૂટ આપશે એવા અહેવાલ વહેતા થતાં છેલ્લી ઘડીએ શુગર શૅરોમાં આકર્ષણ જામ્યું હતું. ઉદ્યોગના ૩૭માંથી ૩૦ શૅર મીઠા થયા છે. શ્રી રેણુકા શુગર, રાવલગાંવ, ધામપુર સ્પેશ્યલિટી, મગધ શુગર, મવાણા શુગર, અવધ શુગર,કેએમ શુગર, રાણા શુગર, કેસીપી શુગર, રાજશ્રી શુગર જેવી જાતો ત્રણથી છ ટકા સ્વીટ બની છે. અપોલો હૉસ્પિટલ્સ ત્રણ ટકા કે ૧૯૭ની તેજીમાં ૬૫૦૫ના બંધમાં નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર બની છે. 

મહિન્દ્ર, મારુતિ અને આઇશર નવી ટોચે, ગ્લૅન્ડ ફાર્મામાં બ્લૉકડીલની નરમાઈ 
બ્રિટિશ સબસિડિયરી જેએલઆરનું માર્ચ ક્વૉર્ટરનું વેચાણ ૧૧ ટકા અને સમગ્ર વર્ષનું વેચાણ ૨૦ ટકા વધીને આવતાં તાતા મોટર્સ ઉપરમાં ૧૦૩૦ નજીક ગયા બાદ બજારની એકંદર ચાલને અનુસરતાં અડધો ટકો ઘટીને ૧૦૦૮ રહ્યો છે. આગલા દિવસના તગડા જમ્પને પચાવી મહિન્દ્ર અડધો ટકો અને આઇશર પોણો ટકો વધી નવી ટોચે બંધ હતી. મારુતિ સુઝુકી ૧૨,૯૮૦ની ઑલટાઇમ હાઈ બનાવીને નહીંવત્ સુધરીને ૧૨,૮૬૩ રહી છે. ટીવીએસ મોટર્સ દોઢ ટકા, હીરો મોટોકૉર્પ દોઢ ટકા, બજાજ ઑટો અડધો ટકા નરમ હતા. બૉશ લિમિટેડ ૩.૨ ટકા કે ૯૯૬ રૂપિયા ખરડાઈ ૩૦,૦૭૦ હતી. હુન્ડાઈ અને કીઆ મોટર્સ સાથે સહયોગ કરારમાં આગલા દિવસે ૧૭ ટકાની તેજી બતાવનાર એક્સાઇડ ઇન્ડ ૩૯૮ની નવી ઊંચી સપાટી હાંસલ કરી ૧.૮ ટકા વધી ૩૮૪ રહી છે. અમરરાજા સવાત્રણ ટકાની આગેકૂચમાં ૮૯૮ થઈ છે. 

ગ્લૅન્ડ ફાર્મામાં ભૂતપૂર્વ પ્રમોટર ડૉ. રવિ પેનમેસ્તાની સાથે સંકળાયેલ એ એન્ટિટીઝ દ્વારા શૅરદીઠ ૧૭૨૫ની ફ્લોર પ્રાઇસથી બ્લૉકડીલ મારફત ૧૫ કરોડ ડૉલરનો માલ વેચાણ થતાં શૅર નીચામાં ૧૭૪૫ થઈ સવાત્રણ ટકા ગગડી ૧૮૦૦ બંધ થયો છે. સ્પેશ્યલ ડિવિડન્ડ માટેની બોર્ડ મીટિંગમાં ૫૦૧ નજીક નવી ટોચે ગયા બાદ એસ્ટર ડીએમ બે ટકા ઘટી ૪૭૫ હતો. 

પન્ટર્સનું પમ્પિંગ શરૂ થતાં આઇસીઆઇસીઆઇ બૅન્ક લાઇમલાઇટમાં 
આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧૧૧૫ની ઑલટાઇમ હાઈ બનાવી ૧.૯ ટકા વધી ૧૧૦૭ બંધમાં બજારને સર્વાધિક ૧૨૫ પૉઇન્ટ ફળ્યો છે. મોટા પન્ટર્સનું પમ્પિંગ આ શૅરને ૧૨૪૦ સુધી ખેંચી જશે એવી હવા ચાલે છે. ઍક્સિસ બૅન્કમાં શૅરદીઠ ૧૦૭૧ના ભાવે આશરે ૩૩૪ લાખ શૅર બ્લૉકડીલ મારફત વેચીને બેઇન કૅપિટલે ૪૨૯૦ લાખ ડૉલરની રોકડી કરી છે. બેઇન કૅપિટલે ૨૦૧૭માં ઍક્સિસ બૅન્કમાં શૅરદીઠ ૫૨૫ના ભાવે કુલ ૬૮૫૪ કરોડનું રોકાણ કર્યું હતું. ત્યાર પછી એ અવારનવાર આંશિક હિસ્સો વેચતી આવી છે. ઍક્સિસ બૅન્કનો શૅર ગઈ કાલે ૧૦૯૪ ખૂલ્યા બાદ નીચામાં ૧૦૭૧ થઈ જંગી વૉલ્યુમે સાધારણ સુધારે ૧૦૭૯ બંધ થયો છે. બૅન્ક નિફ્ટી ગઈ કાલે ૪૮,૯૬૧ નજીક ઑલટાઇમ હાઈ થઈ પ્રૉફિટ બુકિંગમાં ૧૪૮ પૉઇન્ટના નજીવા સુધારે ૪૮,૭૩૦ બંધ હતો. એના ૧૨માંથી ૯ શૅર ઘટ્યા છે. પીએસયુ બૅન્ક નિફ્ટી બીજા દિવસની નરમાઈમાં ૧૨માંથી ૮ શૅરના બગાડમાં પોણો ટકો કટ થયો છે. બૅન્કિંગ સેક્ટરના કુલ ૪૧માંથી ૧૩ શૅર પ્લસ હતા. કૅપિટલ સ્મૉલ બૅન્ક સર્વાધિક ચાર ટકા વધી ૩૬૮ રહી છે. પંજાબ સિંધ બૅન્ક ૩.૮ ટકા કપાઈ હતી. 

ફાઇનૅન્સ બેન્ચમાર્ક પણ ૧૦,૭૫૯ની સર્વોચ્ચ સપાટી બાદ સહેજ વધીને ૧૦,૭૧૨ બંધ થયો છે. એની ૧૫૦માંથી ૯૫ જાતો નરમ હતી. બ્રોકરેજ શૅરો એકંદર ઝમકમાં હતા. મોતીલાલ ઓસ્વાલ ૨૧૨૧ની વિક્રમી સપાટી બાદ ૧૦.૭ ટકાની તેજીમાં ૨૦૯૬ હતો. આનંદરાઠી વેલ્થ ૯.૫ ટકા કે ૩૫૫ રૂપિયા, દૌલત અલ્ગો ૫.૫ ટકા, એસએમસી ગ્લોબલ ૭.૬ ટકા, નુવામાં પોણાચાર ટકા, પૈસાલો ડિજિટલ અઢી ટકા, આઇઆઇએફએલ ફાઇ. ૪.૫ ટકા મજબૂત હતી. બીએસઈ લિમિટેડ બીજા દિવસની નબળાઈમાં બે ટકા ઘટી ૨૭૪૬ હતી. તાતા ઇન્વેસ્ટમેન્ટ ૨.૮ ટકા ખરડાઈ ૬૮૭૬ હતી. એન્જલવન ૩.૩ ટકા ડાઉન થઈ છે. આઇઆઇએફએલ ફાઇ. ૨૭ માર્ચે ૩૧૩ના તળિયે ગયા પછી સતત વધતી રહી ઉપરમાં ૪૫૦ નજીક જઈ આવી છે. રિઝર્વે બૅન્ક સાથે સેટલમેન્ટ થઈ ગયું લાગે છે. 

ટીસીએસ તેજીતરફી બ્રેકઆઉટ આપે એ પહેલાં જ ઢીલો પડ્યો 
ઇન્ફોસિસમાં પરિણામ ૧૮મીએ છે, ત્યારે ગ્લોબલ બ્રોકરેજ હાઉસ બોફા તરફથી ૧૭૩૫ની ટાર્ગેટ પ્રાઇસ અપગ્રેડ કરી ૧૭૮૫ કરવાની સાથે બાયની ભલામણ જારી થઈ છે. એના પગલે શૅર દોઢા વૉલ્યુમે ઉપરમાં ૧૫૧૩ થઈ સવા ટકો વધી ૧૪૯૫ બંધ થયો છે. સાદી ભાષામાં કહીએ તો બ્રોકરેજ હાઉસે શૅરની ટાર્ગેટ પ્રાઇસમાં ૫૦ રૂપિયાનો વધારો કરીને કંપનીનું માર્કેટકૅપ એક જ દિવસમાં ૭૩૨૬ કરોડ રૂપિયા વધારી દીધું છે. આ વેળાનાં પરિણામ ડલ આવવાનાં છે. ગાઇડન્સિસ પર ખાસ નજર રહેશે. ટીસીએસનાં રિઝલ્ટ ૧૨મીએ છે. શૅર તાજેતરની નબળાઈમાં ૨૭ માર્ચે ૩૮૪૦ થયા પછી લેવાલીનો મજબૂત સપોર્ટ મળી જતાં વધતો રહી ૪૦૨૫ સુધી આવી જતાં એમાં વધ-ઘટે ૪૨૦૦થી ૪૩૦૦નો ભાવ થવાના વરતારા ચાર્ટિસ્ટોએ શરૂ કર્યા છે. જોકે આ માટે ૪૦૩૦ ઉપરનો બંધ જરૂરી છે. જોકે ભાવ આ બ્રેકઆઉટ બતાવે એ પહેલાં ગઈ કાલે નીચામાં ૩૯૨૫ થઈ અડધો ટકો ઘટી ૩૯૪૭ રહ્યો છે. લાગે છે કે બ્રેકઆઉટ માટે રાહ જોવી પડશે. માર્ચ ક્વૉર્ટરમાં કંપની ૩-૪ ટકાનો રેવન્યુ ગ્રોથ અને ૨થી ૪ ટકાની નફાવૃદ્ધિ બતાવે એવો અંદાજ છે. ગઈ કાલે આઇટી ઇન્ડેક્સ ૬૦માંથી ૩૭ શૅર ઘટવા છતાં ૨૮ પૉઇન્ટ જેવો વધીને બંધ રહ્યો છે, જે માટે હેવીવેઇટ ઇન્ફીની હૂંફ કામ કરી ગઈ છે. 

સ્ટરલાઇટ ટેક્નૉલૉઝિસ દ્વારા શૅરદીઠ ૧૧૯ની ફ્લોર પ્રાઇસ સાથે ક્વીપ રૂટ મારફત ૧૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરવાનું નક્કી કરાયું છે. શૅર ગઈ કાલે ૩ ગણા કામકાજે ઉપરમાં ૧૪૬ વટાવી ૧૧ ટકાની તેજીમાં ૧૪૧ બંધ થયો છે. વેદાન્ત ગ્રુપની અન્ય કંપની હિન્દુસ્તાન ઝિન્ક પાંચ ગણા વૉલ્યુમે ૪૦૮ના બેસ્ટ લેવલે જઈ ૧૫.૭ ટકાના જમ્પમાં ૩૯૯ રહી છે. વિશ્વબજારની સાથે-સાથે ઘરઆંગણે પણ ચાંદીના ભાવમાં આવેલી તેજીની આ અસર છે. શૅર એક સપ્તાહમાં વીસેક ટકા વધી ગયો છે અને ખુદ વેદાન્તનો ભાવ પણ ૩૪૦ની ઐતિહાસિક ઊંચી સપાટી બનાવી ૪.૭ ટકા વધી ગઈ કાલે ૩૩૮ બંધ થયો છે. બાય ધ વે, તાતા સ્ટીલ ૧૭૦ની નજીક નવું શિખર બનાવીને અડધો ટકો વધી ૧૬૬ હતો. હિન્દુસ્તાન કૉપર ચાર ગણા કામકાજે ૩૬૬ની ટોચે જઈ ૮ ટકાના ઉછાળે ૩૫૮ રહ્યો છે. 

ક્રીએટિવ ગ્રાફિક્સમાં ૧૦૭ ટકાનો દમદાર લિસ્ટિંગ ગેઇન મળ્યો 
નવી દિલ્હીની ક્રીએટિવ ગ્રાફિક્સ સૉલ્યુશન્સ ૧૦ના શૅરદીઠ ૮૫ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટના ૬૫ના પ્રીમિયમ સામે ૧૭૫ ખૂલીને ૧૭૬ બંધ થતાં એમાં ૧૦૭ ટકા કે શૅરદીઠ ૯૧ રૂપિયાનો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. જ્યારે મુંબઈના મલાડ-વેસ્ટની એલ્યુવિન્ડ આર્કિટેક્ચરલ ૧૦ના શૅરદીઠ ૪૫ની ઇશ્યુ પ્રાઇસ અને ૭ના પ્રીમિયમના મુકાબલે ૪૫ ખૂલી ૪૭ બંધ રહેતાં એમાં પાંચ ટકાનો લિસ્ટિંગ છે. અહીં ઇશ્યુ પૂરો થયા બાદ ગ્રે માર્કેટમાં આકર્ષણ વધવાના પગલે પ્રીમિયમ સતત વધતું રહી હાલ ૯૪ થઈ ગયું છે. બુધવારે બે એસએમઈ ઇશ્યુ બંધ થવાના છે. ૧૦ના શૅરદીઠ ૧૧૧ની ઇશ્યુ પ્રાઇસવાળો અમદાવાદી તીર્થ ગોપીકોનનો ૪૪૬૦ લાખનો એનએસઈ એસએમઈ ઇશ્યુ અત્યાર સુધીમાં કુલ પાંચ ગણો અને અન્ય અમદાવાદી કંપની ડીસીજી કેબલ્સ ઍન્ડ વાયર્સનો ૧૦ના શૅરદીઠ ૧૦૦ના ભાવનો લગભગ ૫૦ કરોડ રૂપિયાનો ઇશ્યુ કુલ ચાર ગણો ભરાઈ ગયો છે. ગ્રે માર્કેટ ખાતે તીર્થમાં ૨૦નું તથા ડીસીજી કેબલ્સમાં ૧૪નું પ્રીમિયમ બોલાય છે. આગલા દિવસે ૧૪.૪ ટકાના લિસ્ટિંગ ગેઇન સાથે ૯૩ નજીક બંધ રહેલી યશ ઑપ્ટિક્સ ગઈ કાલે મંદીની સર્કિટમાં ૮૮ થઈ ત્યાં જ તથા સાડાદસ ટકા રીટર્નમાં ૮૧ નજીક બંધ રહેલી જય કૈલાશ નમકીન ૫ ટકાની નીચલી સર્કિટે ૭૭ નીચે જઈ ત્યાં જ બંધ રહી છે. કેટુ ઇન્ફ્રાજેન પણ મંદીની સર્કિટે ૧૬૫ નીચે જઈ ૫ ટકા ગગડી ત્યાં જ બંધ આવી છે. 

business news share market stock market sensex nifty