10 February, 2026 10:09 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
જેમ્સ-જ્વેલરી સેક્ટરના ૭૩માંથી ૫૭, ગારમેન્ટ્સ ઉદ્યોગના ૩૯માંથી ૩૦, ટેક્સટાઇલ સેક્ટરના ૨૨૮માંથી ૧૪૨, ઑટો કમ્પોનન્ટ્સ ક્ષેત્રના ૧૩૧માંથી ૧૦૩ શૅર વધીને બંધ : નરમાઈની હૅટ-ટ્રિકમાં ૨૮૦૦ પૉઇન્ટ ખરડાયા પછી IT ઇન્ડેક્સ ૪૫ પૉઇન્ટના ચિલ્લર સુધારામાં જોવા મળ્યો
ભારત-અમેરિકા વચ્ચે જે ટ્રેડ-ડીલ થઈ છે એમાં કેટલીક વાત બહુ મહત્ત્વની છે. પ્રથમ બાબત એ છે કે આ ટ્રેડ-ડીલ કાચી-પાકી કે કામચલાઉ છે. કૉર્પોરેટ અગ્રણી હર્ષ ગોયનકાએ જેને ફાધર ઑફ ઑલ ડીલ્સ કહીને વધામણાં આપ્યાં હતાં એ ડીલ પિતા કાયમીને બદલે ટેમ્પરરી નીકળ્યાં છે. આ ઇન્ટરિમ ટ્રેડ-ડીલમાં ઘણું બધું અધ્ધરતાલ છે. આને લઈને પ્રચારમાં જેકાંઈ કહેવાઈ રહ્યું છે એમાં સિલેક્ટિવનેસ વધુ છે. વિશ ફુલ થિન્કિંગ હાવી છે. રાહુલ બજાજ ગયા પછી કૉર્પોરેટ જગતમાં કોઈ ભાયડો રહ્યો નથી. હાલમાં જેકોઈ માંધાતા છે એ ધીરુભાઈ અંબાણીના શબ્દોમાં આપણે આપણો રોટલો ચોળીને ખાવો. વાળી માટીપગી જમાત છે. આર્થિક પંડિતો તેમ જ વિશ્લેષકો અંદરખાને ઘણું બધું જાણે છે, સમજે છે પરંતુ હૈયાની વાત ચોક્કસ કારણસર હોઠે લાવી શકતા નથી. હાલના ન્યુ ઇન્ડિયા અને અમૃતકાળમાં યુધિષ્ઠિર તેમનો આદર્શ છે. ટ્રેડ-ડીલના મામલે અમારો મત બહુ સાફ છે. ૫૦ ટકાવાળી ટૅરિફ ઘટીને ૧૮ ટકા કરવાની જે જાહેરાત થઈ છે એ રશિયન ઑઇલની આયાત સદંતર બંધ કરવાની શરતને આધીન છે. એમાં ટ્રમ્પ કોઈ બાંધછોડ નહીં કરે. બીજું, અમેરિકા આપણી નિકાસ પર ૧૮ ટકા ડ્યુટી વસૂલ કરશે, એની નિકાસ પર આપણે ઝીરો ડ્યુટી લગાવવાની છે. ત્રીજું, રાબેતા મુજબના વેપાર ઉપરાંત ભારત પ્રતિ વર્ષ ૧૦૦ અબજ ડૉલર લેખે પાંચ વર્ષમાં જે ૫૦૦ અબજ ડૉલરની અતિરિક્ત આયાત કરવા સહમત થયું છે એ બહુ ભારે પડશે. વેપારખાધ અને કરન્સીનું વૅલ્યુએશન જબરો માર ખાશે. અમેરિકન કૃષિક્ષેત્રની આયાતને આપણે કેવી રીતે હૅન્ડલ કરીશું એ પણ એક પ્રાણપ્રશ્ન છે.
બજારે ઇન્ટરિમ ટ્રેડ-ડીલને ગઈ કાલે જે રીતે આવકાર આપ્યો છે એમાં સંયમ અને સાવચેતી દેખાઈ આવે છે. સેન્સેક્સ આગલા બંધથી ૫૯૭ પૉઇન્ટ પ્લસ, ૮૪,૧૭૭ ખૂલી છેવટે ૪૮૫ પૉઇન્ટ સુધરીને ૮૪,૦૬૬ તથા નિફ્ટી ૧૭૪ પૉઇન્ટ વધીને ૨૫,૮૬૭ ગઈ કાલે બંધ થયો છે. પૉઝિટિવ ઓપનિંગ બાદ માર્કેટ ઉપરમાં ૮૪,૩૧૫ અને નીચામાં ૮૩,૮૬૦ થયું હતું. મતલબ કે શૅરઆંક ૭૩૫ પૉઇન્ટ વધ્યા પછી ત્યાંથી ૪૫૫ પૉઇન્ટ ડાઉન થયો હતો. સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૨૪૮૫ શૅર સામે ૭૨૮ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૬.૦૪ લાખ કરોડ વધીને ૪૭૩.૩૫ લાખ કરોડ રૂપિયા જોવા મળ્યું છે. બજારનાં તમામ સેક્ટોરલ વધીને બંધ હતાં. PSU બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૨ શૅરની મજબૂતીમાં ૩.૩ ટકા ઊંચકાયો છે. રિયલ્ટી ૨.૬ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૨.૮ ટકા, કૅપિટલ ગુડ્સ ૧.૯ ટકા, ટેલિકૉમ બે ટકા, હેલ્થકૅર દોઢ ટકા, મેટલ દોઢ ટકા, બૅન્ક નિફ્ટી ૦.૯ ટકા કે ૫૪૯ પૉઇન્ટ, નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ અઢી ટકા જોરમાં હતો.
સ્ટેટ બૅન્ક ૭.૫ ટકાના જમ્પમાં નવા બેસ્ટ લેવલ સાથે બન્ને બજારમાં ટૉપ ગેઇનર બની સેન્સેક્સને સર્વાધિક ૨૮૦ પૉઇન્ટ ફળી છે. તાતા સ્ટીલ અઢી ટકા, અલ્ટ્રાટેક અઢી ટકા, ટાઇટન ૨.૮ ટકા, ભારત ઇલેક્ટ્રિક ૧.૯ ટકા, ટ્રેન્ટ ૧.૩ ટકા, એટર્નલ ૧.૯ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ ૬ ટકા, ગ્રાસિમ ૬.૨ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ ૨.૮ ટકા, તાતા મોટર્સ પૅસેન્જર ૨.૧ ટકા, હિન્દાલ્કો સવાબે ટકા વધી છે. મેઇન બેન્ચમાર્ક ખાતે સ્ટેટ બૅન્ક ઉપરાંત અદાણી પોર્ટ્સ, તાતા સ્ટીલ, શ્રીરામ ફાઇનૅન્સ, JSW સ્ટીલમાં નવાં શિખર ગઈ કાલે બન્યાં હતાં. રિલાયન્સ પોણો ટકો સુધરી ૧૪૬૧ રહી છે. ઇન્ફોસિસ ૦.૭ ટકા નરમ હતી. મેક્સ હેલ્થકૅર ૨.૯ ટકા અને પાવરગ્રિડ એકાદ ટકો ઘટી છે.
ગઈ કાલે ભરણાં મેઇનબોર્ડમાં ખૂલ્યાં છે. એમાંથી ગોરેગામ-ઈસ્ટની ફેક્ટલ ઍનલિટિક્સનો હાઈ-પ્રોફાઇલ એક રૂપિયાના શૅરદીઠ ૯૦૦ની અપરબૅન્ડ સાથે કુલ ૨૭૩૪ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૩૮ ટકા સહિત કુલ દસેક ટકા ભરાયો છે. હાઇપમાં ૧૮૦થી ગ્રેમાર્કેટમાં શરૂ થયેલું પ્રીમિયમ ગગડતું રહી ૧૩ થઈ ગયા પછી રેટ હાલમાં ૧૨ રૂપિયા ચાલે છે. બીજી કંપની નવી દિલ્હીની આઇ ફાઇનૅન્સ છે. એનો બેના શૅરદીઠ ૧૨૯ની અપરબૅન્ડ સાથે ૧૦૧૦ કરોડનો IPO પ્રથમ દિવસે રીટેલમાં ૨૮ ટકા સહિત કુલ ૧૪ ટકા ભરાયો છે. ઇશ્યુ પૂર્વે ગ્રેમાર્કેટમાં પાંચ રૂપિયાથી શરૂ થયેલું પ્રીમિયમ અત્યારે ઝીરો થઈ ગયું છે.
SME સેગમેન્ટમાં શુક્રવારે ખૂલેલા બે ઇશ્યુમાંથી અમદાવાદની બાયોપૉલ કેમિકલ્સનો ૧૦ના શૅરદીઠ ૧૦૮ની અપરબૅન્ડમાં ૩૧૨૬ લાખ રૂપિયાનો NSE SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ પોણાબે ગણો તથા નોએડાની પાન એચ. આર. સૉલ્યુશન્સનો ૧૦ના શૅરદીઠ ૭૮ના ભાવનો ૧૭૦૪ લાખનો BSE SME ઇશ્યુ કુલ દોઢ ગણો ભરાયો છે. બાયોપૉલમાં ઝીરો અને પાન એચ.આર.માં પણ ઝીરો પ્રીમિયમ છે.
શુક્રવારે વરલીની CKK રીટેલ માર્ટ પાંચ ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૧૭૧ બંધ થયા પછી ગઈ કાલે તે ૧૮૦ની ટોચે પાંચ ટકા વધી ૧૮૦ રહી છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલા અન્ય શૅરમાં અમદાવાદી એક્રીશન ન્યુ ટ્રાવેદ ૧૬૮ નીચે બૉટમ બતાવી ૩.૮ ટકા ગગડી ૧૭૦, કનિષ્ક ઍલ્યુમિનિયમ ૪૭ના તળિયે જઈ પાંચ ટકા તૂટીને ત્યાં જ હતી. કસ્તૂરી મેટલ ઉપરમાં ૭૧ થઈ પાંચ ટકા ગગડી ૬૮ રહી છે.
વિદ્યાનગરી, કાલિના ખાતેની અગાઉ વાઇઝમૅન ફૉરેક્સ તરીકે ઓળખાતી ડેલ્ફી વર્લ્ડ મની એક શૅરદીઠ બેના બોનસમાં ૧૩મીએ એક્સ-બોનસ થવાની છે. શૅર ગઈ કાલે સાધારણ ઘટી ૨૨૪ બંધ હતો. ૨૦૧૩ની ૧ ડિસેમ્બરે આ કાઉન્ટ ૧૫૨૭ની સર્વોચ્ચ સપાટીએ ગયું હતું. ગુજરાતના કડી મહેસાણા ખાતેની અક્ષિતા કૉટન ૧૦ શૅરદીઠ એક બોનસમાં શુક્રવારે બોનસ બાદ થશે. શૅર નજીવો ઘટીને ૧૦.૩૦ થયો છે. ફેસવૅલ્યુ એકની છે. ૨૦૨૩ની ૨૪ એપ્રિલે ભાવ ૪૬.૭૦ની વિક્રમી સપાટીએ ગયો હતો. બાય ધ વે ડેલ્ફી વર્લ્ડ મનીમાં ૧૦ના શૅરનું બે રૂપિયામાં વિભાજન થવાનું છે. એની રેકૉર્ડ ડેટ પણ ૧૩મીની છે.
ભુવનેશ્વરની સૂર્યો ફૂડ્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ ચાર શૅરદીઠ ત્રણના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૨૦ના ભાવે રાઇટ ઇશ્યુમાં ૧૧મીએ એક્સ-રાઇટ થવાની છે. શૅર BSEમાં ૩.૪ ટકા વધી ૨૬ હતો.
જેનો પ્લાન્ટ અને લોકેશન ગુજરાતના અમદાવાદમાં છે, પણ રજિસ્ટર્ડ ઑફિસ ઝારખંડના રાંચી ખાતે છે એ અવી પૉલિમર્સ એક શૅરદીઠ ૨૨ના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ભાવોભાવ રાઇટ ઇશ્યુમાં બુધવારે એક્સ-રાઇટ થવાની છે. શૅર BSEમાં પાંચ ટકા વધી ૨૩ રહ્યો છે. ૨૦૨૧ની ૧ નવેમ્બરે ભાવ ૫૯.૫૦ની સર્વોચ્ચ સપાટીએ તથા ૨૦૨૦માં ૧ જુલાઈએ ૪.૮૦ના ઑલટાઇમ તળિયે ગયો હતો. એક આડવાત, કંપનીના પ્રમોટર્સ પણ ગુજરાતી છે. મલાડ-વેસ્ટની કેમિકલ્સ કંપની સ્ટૅલિયન ઇન્ડિયા ફ્લ્યુરોકેમિકલ્સ ૪૧ શૅરદીઠ ૧૯ શૅરના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૯૯ રૂપિયાના ભાવથી રાઇટમાં ૧૧મીએ એક્સ-રાઇટ થશે. શૅર ગઈ કાલે પાંચ ટકા ઊછળી ૧૮૪ બંધ હતો. આ કંપની જાન્યુઆરી ૨૦૨૫ના મધ્યમાં ૧૦ના શૅરદીઠ ૯૦ના ભાવથી ૧૯૯ કરોડનો ઇશ્યુ લાવી હતી. ભાવ ૨૦૨૫ની ૩ માર્ચે ૬૦ નીચે તો ૨૫મીની ૧૭ ઑક્ટોબરે ૪૨૪ના શિખરે ગયો હતો. રાઇટ ઇશ્યુની સાઇઝ ૩૬૪ કરોડ રૂપિયાની છે.
જપાનમાં પ્રથમ મહિલા વડાં પ્રધાન સનાએ તાકાઇચીએ સત્તા સંભાળ્યા પછી ચારેક મહિનામાં જ અણધારી ચૂંટણી જાહેર કરી હતી જેમાં તેમના પક્ષે ૪૬૫માંથી ૩૫૨ બેઠક જીતીને ભવ્ય વિજય મેળવતાં જૅપનીઝ શૅરબજાર ૫૭,૩૩૭ની ઑલટાઇમ હાઈ બનાવી સવાચાર ટકા કે ૨૩૩૧ પૉઇન્ટ ઊછળી ૫૬,૫૮૫ બંધ થયું છે. સાઉથ કોરિયા ચાર ટકાના જમ્પમાં ૫૨૯૮, થાઇલૅન્ડ સાડાત્રણ ટકાના ઉછાળે ૧૪૦૧, તાઇવાન બે ટકા વધી ૩૨૪૦૫, સિંગાપોર અડધા ટકા જેવા સુધારામાં ૪૯૫૪ના શિખરે બંધ થયું છે. હૉન્ગકૉન્ગ પોણાબે ટકા, ચાઇના ૧.૪ ટકા તો ઇન્ડોનેશિયા એકાદ ટકો પ્લસ હતું. પાકિસ્તાની શૅરબજાર નીચામાં ૧,૮૦,૯૯૩ થઈ રનિંગમાં સાધારણથી અડધો ટકો સુધારામાં હતું. શુક્રવારે ૬૦,૦૭૪ની સવા વર્ષની ઐતિહાસિક બૉટમ બનાવ્યા પછી બિટકૉઇન બાઉન્સ બૅકમાં ૭૧,૨૯૧ ડૉલર બતાવી રનિંગમાં એકાદ ટકો ઘટી ૬૯,૭૨૭ ડૉલર ચાલતો હતો. બાય ધ વે શુક્રવારની રાત્રે અમેરિકન ડાઉ ઇન્ડેક્સ ૫૦,૧૭૦ નજીક નવી ઑલટાઇમ હાઈ હાંસલ કરી અઢી ટકા કે ૧૨૦૭ પૉઇન્ટની તેજી દાખવી ૫૦,૧૧૬ નજીક બંધ થયો હતો. ભારત સાથે ટ્રેડ-ડીલની જાહેરાત અમેરિકાને તો જરૂર ફળી છે. નૅસ્ડૅક સવાબે ટકા વધીને ૨૩,૦૩૧ રહ્યો હતો. સોનું હાજર વાયદો સવા ટકો વધી ૫૦૨૦-૫૦૪૭ ડૉલર તથા ચાંદી ૬ ટકા ઊંચકાઈને ૮૧.૫ ડૉલર દેખાતી હતી. બ્રેન્ટ ક્રૂડ અડધો ટકો ઘટી ૬૮ ડૉલર નીચે ગયું છે. ઍલ્યુમિનિયમ વાયદો બે ટકા તો અન્ય ઇન્ડસ્ટ્રિયલ મેટલ અડધાથી સવા ટકો ઉપર હતી. ડૉલર સામે રૂપિયો ગગડીને ૯૦.૭૩ બતાવી ૯૦.૭૧ આસપાસ જોવા મળ્યો છે.
સ્ટેટ બૅન્ક તરફથી કૉન્સોલિડેટેડ ધોરણે ૧૩ ટકાના વધારામાં ૨૧,૩૧૭ કરોડનો નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. જેફરીઝ તરફથી ૧૩૦૦, બર્નસ્ટેન દ્વારા ૧૧૦૦ તથા કોટક ઇ. ઇક્વિટીઝે ૧૨૫૦ની ટાર્ગેટ પ્રાઇસ આપી છે. શૅર ગઈ કાલે ૧૧૪૮નું નવું શિખર બતાવી ૭.૫ ટકા ઊછળી ૧૧૪૬ બંધ થયો છે. સુઝલૉન એનર્જીમાં પરિણામ બાદ મૉર્ગન સ્ટૅનલીએ ૭૮ની ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી બાવન કરી નાખી છે. શૅર નીચે ૪૭.૬૦ થઈ સામાન્ય સુધારામાં ૪૮.૨૦ રહ્યા છે. કલ્યાણ જ્વેલર્સમાં રિઝલ્ટ પછી સિટી ગ્રુપે ૭૫૦ની ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી ૬૫૦ તો HSBC તરફથી ૬૯૦ની ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી ૬૫૦ કરવામાં આવી છે. શૅર ઉપરમાં ૪૪૩ થઈ ૧૫.૩ ટકા ઊછળી ૪૩૮ થયો છે.
તાતા સ્ટીલ દ્વારા ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૬ ટકા વધારામાં ૫૬,૬૪૬ કરોડની આવક પર ૭૨૩ ટકા વધારામાં ૨૬૯૦ કરોડ નજીકનો નેટ નફો દર્શાવાયો છે. અહીં ઇન્વેસ્ટેક દ્વારા ૧૮૮, જેપી મૉર્ગને ૨૨૧, મૉર્ગન સ્ટૅનલીએ ૨૧૫, જેફરીઝે ૨૪૦, HSBCએ ૨૩૫ની ટાર્ગેટ પ્રાઇસ આપી છે. શૅર ગઈ કાલે ૨૦૬ ઉપર નવી ટૉપ બતાવી અઢી ટકા વધી ૨૦૨ બંધ હતો. શિપિંગ કૉર્પોરેશને ૨૨ ટકા વધારામાં ૧૬૧૨ કરોડ આવક પર ૪૩૬ ટકા વૃદ્ધિદરથી ૪૦૫ કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. ભાવ ઉપરમાં ૨૬૬ થઈ ૧૯.૬ ટકા ઊછળી ૨૬૫ હતો. સ્વાન એનર્જીની આવક ૩૯.૭ ટકા ઘટતાં કંપની ૫૮૩ કરોડના નફામાંથી દસેક કરોડની નેટ લૉસમાં આવી ગઈ છે. શૅર નીચામાં ૪૧૧ થઈ પોણો ટકો વધી ૪૨૧ થયો છે. કંપની હાલમાં સ્વાનકૉર્પ તરીકે ઓળખાય છે.
એસ. એચ. કેળકર ઍન્ડ કંપનીએ આવકમાં સાડાસાત ટકા વધારા સામે ૮૬ ટકા વૃદ્ધિદરથી ૩૨૭૦ લાખ નેટ નફો કર્યો છે. શૅર ઉપરમાં ૧૮૩ થઈ પાંચ ટકા વધી ૧૭૮ બંધ થયો છે. બૉશ લિમિટેડ સાડાનવ ટકા વધારામાં ૪૮૮૬ કરોડ આવક પર સવાસોળ ટકાના વધારામાં ૫૩૨ કરોડ નેટ નફો બતાવ્યો છે. શૅર ઉપરમાં ૩૬,૭૦૦ બતાવી બે ટકા કે ૭૧૧ રૂપિયા ગગડીને ૩૫,૬૫૦ બંધ આવ્યો છે.
ગુજરાત આલ્કલીઝે આવકમાં દોઢ ટકા વધારો મેળવ્યો છે, પણ નેટ લૉસ ૧૧.૨ કરોડથી વધી ૨૦ કરોડ થઈ છે. શૅર નીચામાં ૪૫૮ થઈ નજીવો સુધરી ૪૭૦ હતો. મેડિ અસિસ્ટ હેલ્થકૅરની આવક ૨૯ ટકા વધવા છતાં નેટ પ્રૉફિટ ૮૬ ટકા ગગડી ૪૨૦ લાખ રહ્યો છે. શૅર નીચામાં ૩૯૩ બતાવી ૪.૮ ટકા વધી ૪૨૨ હતો. જેકે ટાયર્સે ૧૫ ટકા વધારામાં ૪૨૨૩ કરોડની આવક તથા ૨૯૫ ટકા વધારામાં ૨૦૮ કરોડ ચોખ્ખો નફો મેળવ્યો છે. શૅર ૫૮૨ના બેસ્ટ લેવલે જઈ અઢી ટકા વધી ૫૫૫ થયો છે. વ્હર્લપૂલની આવક ૪ ટકા વધી છે, નફો ૩૯.૭ ટકા ગગડી ૨૬.૫ કરોડ રહ્યો છે. ભાવ ઉપરમાં ૯૧૨ થઈ પોણાછ ટકા ઊછળીને ૯૦૬ હતો. સોનાટા સૉફ્ટવેરની આવક ૪૫ ટકા વધવા છતાં નેટ નફો ૧૩ ટકા ઘટીને ૧૦૪ કરોડ નોંધાયો છે. શૅર ઉપરમાં ૩૧૬ થઈ પોણાત્રણ ટકા વધીને ૩૧૪ હતો. સુલા વાઇન યાર્ડ્સની આવક ૧૦ ટકા ઘટી છે, પણ નફો ૬૭.૬ ટકા ધોવાઈને ૯ કરોડ રહ્યો છે. શૅર ૧૮૦ નીચે જઈ બે ટકા વધીને ૧૯૨ હતો.
શ્રી સિમેન્ટ્સની આવક પાંચ ટકા વધી ૪૮૦૫ કરોડ તથા નેટ પ્રૉફિટ ૩૮ ટકા જેવા વધારામાં ૨૬૭ કરોડ થયો છે. ભાવ નીચામાં ૨૬૪૩૯ થઈ સવા ટકો કે ૩૧૬ રૂપિયા ઘટીને ૨૭,૦૩૦ હતો. જના સ્મૉલ બૅન્કની NPA વધી છે, ચોખ્ખો નફો ૯૧.૨ ટકા ગગડી ૯૭૦ લાખ રહ્યો છે. શૅર નીચામાં ૩૪૦ બતાવી ૧૪.૬ ટકા ઊછળી ૪૦૧ હતો. GMM ફોડલરની આવક સવાદસ ટકા વધી ૮૮૪ કરોડ થઈ છે પરંતુ કંપની ૪૧ કરોડના નફામાંથી ૮ કરોડની નેટ લૉસમાં આવી છે. શૅર સવાત્રણ ટકા ઘટી ૯૬૩ થયો છે. ભાવ ઇન્ટ્રા-ડેમાં ૯૪૪ની એપ્રિલ ૨૦૨૦ પછીની નીચી સપાટીએ ગયો હતો. BSE લિમિટેડ પરિણામ પૂર્વે ઉપરમાં ૨૯૯૮ બતાવીને ત્રણ ટકાની મજબૂતીમાં ૨૯૮૫ બંધ રહી છે. સ્કાયગોલ્ડની આવક ૭૭ ટકા વધી છે, નફો ૩૬ કરોડથી વધી ૮૦ કરોડ વટાવી ગયો છે. શૅર ૯.૪ ટકા ઊછળી ૩૪૯ હતો. પી. એન. ગાડગીળનો નફો ૯૯ ટકા વધી ૧૭૧ કરોડ આવતાં ભાવ સાડાસાત ટકાની તેજીમાં ૫૯૦ વટાવી ગયો છે.