ગ્લોબલ પરિબળોના સહયોગમાં ઊંચી આશા સાથે ઊંચે જઈ રહેલું બજાર

16 December, 2019 03:50 PM IST  |  Mumbai | Jayesh Chitalia

ગ્લોબલ પરિબળોના સહયોગમાં ઊંચી આશા સાથે ઊંચે જઈ રહેલું બજાર

ગયા શુક્રવારે બજારને નવો વળાંક પ્રાપ્ત થઈ શકે એવી ઘટના બની. જોકે આ ઘટના ગ્લોબલ હતી. એક યુએસ-ચીનના વેપાર કરારનો પ્રથમ તબક્કો સારા સમાધાન-સમજૂતી સાથે થવાની જાહેરાત અને બીજી યુકે (બ્રિટન)ની ચૂંટણીનાં પરિણામ બાદ બ્રેક્ઝિટની અનિશ્ચિતતા દૂર થવાની શક્યતા. આ બે ઘટનાને કારણે ગ્લોબલ માર્કેટમાં ઉત્સાહ જોવાયો હતો. સ્થાનિક પરિબળોમાં કોઈ નક્કર સુધારા વિના ભારતીય બજારે મોટો ઉછાળો દર્શાવ્યો હતો.

અર્થતંત્ર સામે પડકારો એટલા ને એટલા જ છે. કિંતુ હવે પછી સુધારા શરૂ થશે. સરકાર મોટા રાજકીય નિર્ણયોમાંથી બહાર આવી ઇકૉનૉમી પર ફોકસ કરશે, જેનું પરિણામ આગામી બજેટમાં દેખાશે એવી આશા વધતી જાય છે, જે પરિબળો પણ બજારને નવેસરથી વેગ આપવામાં નિમિત્ત બની રહ્યા છે.

આગલા શુક્રવારના મોટા ઘટાડા બાદ ગયા સોમવારે શૅરબજારે વોલેટિલિટી સાથે શરૂઆત કરી હતી, જોકે માર્કેટ પૉઝિટિવ નોટ સાથે બંધ રહ્યું હતું. સેન્સેક્સ ૪૨ પૉઇન્ટ અને નિફટી ૧૬ પૉઇન્ટ વધીને બંધ રહ્યા હતા. વિતેલા સપ્તાહમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેકસ અને હોલસેલ પ્રાઇસ ઇન્ડેકસ અને ઉત્પાદનના ડેટા જાહેર થવાના હોવાથી બજારમાં સાવચેતીનો અભિગમ પણ હતો. બજારની નજર ગ્લોબલ સંજોગો પર તો ખરી જ. મંગળવારે બજારનો ટ્રેન્ડ શરૂમાં પૉઝિટિવ રહીને નેગેટિવ થઈ ગયો હતો, ત્યારબાદ સતત બજાર ઘટતું રહીને સેન્સેક્સ ૨૪૮ અને નિફટી ૮૦ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા. બૅન્ક શૅરો સતત દબાણમાં હતા, જે માર્કેટ ઇન્ડેકસને નીચે લઈ ગયા હતા. ઊંચા ઇન્ફેલેશન અને ધીમા વિકાસે માર્કેટને નિરાશામાં મૂકી દીધું હતું ત્યાં ગ્લોબલ મોરચે ફેડરલ રિઝર્વની થનારી બેઠક, યુકેની ચૂંટણી અને યુએસ-ચીનનાં સમીકરણો અનિશ્ચિતતા સર્જી રહ્યા હતા. રોકાણકારોમાં સાવચેતીની લાગણી ઘર કરી બેઠી છે. કોઈ પાવરફુલ ટ્રિગર વિના તેને જોમ નહીં મળી શકે. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી.

છથી બાર મહિના રાહ જોવી રહી
બુધવારે પણ બજારે પૉઝિટિવ ટ્રેન્ડ સાથે શરૂઆત તો કરી, પણ ઊંચે જઈ બજાર ફરી નીચે ઊતરી ગયું, જોકે પછીથી માર્કેટ પૉઝિટિવ બની પૉઝિટિવ જ બંધ રહ્યું હતું. આમ ઘટાડાનું ચલણ અટક્યું હતું. સેન્સેક્સ ૧૭૨ પૉઇન્ટ અને નિફ્ટી ૫૩ પૉઇન્ટ વધીને બંધ રહ્યા હતા. બુધવારે ફરતા થયેલા સમાચાર મુજબ ગ્લોબલ રેટિંગ કંપની એસઅૅન્ડપી રેટિંગ એજન્સી ભારતના ગ્રોથ રેટ નીચે રહેવાની ધારણાએ રેટિંગ ડાઉન કરે એવી શક્યતા છે. જોકે તે ભારતના લાંબા ગાળાના ગ્રોથ માટે આશાવાદી છે. આગામી છથી બાર મહિના હજી સંવેદનશીલ રહેવાનો અંદાજ છે. એશિયન ડેવલપમેન્ટ બૅન્કે પણ ભારતનો ગ્રોથ અંદાજ ઘટાડી દીધો છે.

ડેટા નબળાં, બજાર સબળું
ગુરુવારે બજારનો સુધારો આગળ વધ્યો હતો, જેમાં સેન્સેક્સ ૧૬૯ પૉઇન્ટ અને નિફ્ટી ૬૧ પૉઇન્ટ વધીને બંધ રહ્યા હતા. જોકે નિફ્ટી ઈન્ટ્રા-ડેમાં ૧૨ હજાર ક્રોસ કરીને પાછો ફર્યો હતો. એશિયન અને યુરોપિયન માર્કેટના સુધારાનું આ પરિણામ હતું. તેમાં વળી યુએસ ફેડરલ રિઝર્વના નિવેદનની પણ પૉઝિટિવ અસર હતી. ડૉલર સામે રૂપિયો સુધર્યો હતો. જોકે દેશના મુખ્ય આર્થિક આંકડા જાહેર થાય એ પહેલાં જ માર્કેટ ઊંચે ગયું હતું. જ્યારે કે ઔદ્યોગિક અને કૉર સેક્ટર્સનું ઉત્પાદન નીચે ગયું હોવાનું સાંજે જાહેર થયું હતું. ફુગાવો ઊંચો ગયો હતો. ગુરુવારે ઉજ્જીવન સ્મોલ ફાઇનેન્સ બૅન્કનું બમ્પર લિસ્ટિંગ થયું હતું, જે એક સારા સંકેત કહી શકાય.

ગ્લોબલ ગુડ ન્યુઝ
શુક્રવારે બજારે ગજબનો ટર્ન લીધો હતો. યુએસ-ચીન વચ્ચેના વેપાર કરારનું ટેન્શન ઘટતાં તેમ જ યુકેમાં ચૂંટણીમાં બોરિસ જૉન્સનની જીતની અસરરૂપે બજારે ઉછાળો માર્યો હતો. આ જીતથી બ્રેક્ઝિટની અનિશ્ચિતતા પણ દૂર થશે, બ્રિટન યુરોપિયનમાંથી બહાર નીકળી શકશે. આને પરિણામે યુકે સ્થિત કંપનીઓના શૅરમાં કરન્ટ આવશે યા એના ભાવ વધશે એવી આશા જાગી છે. ઓવરઓલ ગ્લોબલ પૉઝિટિવ માહોલને પરિણામે ભારતીય સેન્સેક્સ ૪૨૮ પૉઇન્ટ અને નિફ્ટી ૧૧૫ પૉઇન્ટ વધીને બંધ રહ્યા હતા. આમ સેન્સેક્સ ફરીવાર ૪૧ હજારની ઉપર અને નિફ્ટી ૧૨ હજારની ઉપર બંધ રહ્યો હતો. તેજીવાળા શુક્રવારે માર્કેટ પર છવાઈ ગયા હતા. નાણાપ્રધાને કરેલા નિર્દેશે નવી આશા જગાવી છે. બૅન્કરપ્સી કોડની અસર નક્કર બનતી જાય છે. એસ્સાર સ્ટીલને એસલરે લઈ લેતાં બૅન્ક પાસે ૪૨,૦૦૦ કરોડ રૂપિયાની રિકવરી નિશ્ચિંત થઈ છે. આમ હજી આવા કેસો સફળ થાય એવી આશા વધી છે. આ કોડમાં સુધારાની પૉઝિટિવ અસર પણ હવે પછી દેખાશે.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

એફપીઆઇને શોર્ટ સેલ્સ અંગે સૂચના
એક રસપ્રદ જાણકારી મુજબ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો શોર્ટ સેલ્સ(ખોટું વેચાણ-અર્થાત શૅર્સ તેમની પાસે ન હોય છતાં વેચાણ કરવું) કરતા હોવાનું સેબીના ધ્યાનમાં આવતા સેબીએ આ ઇન્વેસ્ટરોના કસ્ટોડિયનને સાવચેત રહેવાની અને આવી પ્રવૃત્તિ બંધ કરાવવાની સૂચના આપી છે. આ એક ગંભીર મુદ્દો છે જે બજારને મંદીમાં ખેંચી જઈ શકે છે. અહીં એ નોંધવું જરૂરી છે કે એફપીઆઇને શોર્ટ સેલ્સ કરવાની મંજૂરી નથી.

business news