અખાત્રિજનો શુભ દિવસ બજાર માટે સામાન્ય રહ્યો, જ્વેલરી શૅરો ઝંખવાયા

15 May, 2021 11:54 AM IST  |  Mumbai | Anil Patel

વેલસ્પન ઇન્ડિયા સારા પરિણામ સાથે બાયબેકની જાહેરાતમાં ૧૧ ટકા ઊછળ્યો : એશિયન પેઇન્ટસ અને આઇટીસીની અણધારી તેજી સેન્સેક્સને ૧૬૨ પૉઇન્ટ ફળી : પરિણામ અપેક્ષા કરતાં ઊણા આવતાં ડૉ. રેડ્ડીઝ લૅબમાં સેંકડાનું ગાબડું

બીએસઈ

અક્ષયતૃતિયાના શુભ દિવસે સાંકડી વધ-ઘટની કશ્મકશ દાખવી સેન્સેક્સ ૪૨ પૉઇન્ટના નજીવા સુધારામાં ૪૮૭૩૨ની ઉપર તો નિફ્ટી ૧૯ પૉઇન્ટની મામૂલી પીછેહઠમાં ૧૪૬૭૮ નજીક બંધ આવ્યો છે. નાની અમથી વધ-ઘટ સાથે સેન્સેક્સ અને નિફ્ટીના સામસામા રાહ એક અર્થમાં બહુ સૂચક છે. બજારથી ઉપર જવાતું નથી, ગયા પછી ટકી શકાતું નથી. શુક્રવારે નિફ્ટીના ૫૦માંથી ૧૫ શૅર વધ્યા હતા. સેન્સેક્સની ૩૦માંથી ૨૧ જાતો નરમ હતી. એષિયન પેઇન્ટ સાડા આઠેક ટકાની તેજીમાં બન્ને બેન્ચ માર્ક ખાતે ટૉપ ગેઇનર બન્યો હતો. એફએમસીજીને બાદ કરતાં એનએસઈના તમામ સેક્ટોરલ રેડ ઝોનમાં બંધ હતા. મેટલ અને રિયલ્ટી ત્રણ-ત્રણ ટકા ડૂલ થયા હતા. નિફ્ટી ઑટોમાં પોણા બે ટકાની ખરાબી હતી. બૅન્ક નિફ્ટી પોણા ટકાથી વધુ ડાઉન હતો. આઇટીમાં સવા ટકાની નરમાઈ હતી. સ્મૉલ કૅપ અને મિડ કૅપ ઇન્ડેક્સ પણ સારા એવા કટ થયા હતા. સરવાળે માર્કેટ બ્રેડ્થ નબળી બની હતી. એનએસઈમાં વધેલી ૭૭૭ સ્ક્રીપ્સ સામે ૧૧૪૨ જાતો માઇનસ ઝોનમાં બંધ હતી. બીએસઈ ખાતે ૩૬૭ શૅર આ સ્થિતિમાં પણ ઉપલી સર્કિટે બંધ રહ્યા છે. ૨૫૦ કાઉન્ટર નવા ઊંચા શિખરે ગયા છે. એશિયન પેઇન્ટ તથા આઇટીસીની તેજીથી બજારને કુલ મળીને ૧૬૨ પૉઇન્ટનો ફાયદો થયો છે. રિલાયન્સ નીચામાં ૧૯૦૬ થઈ સવા ટકો વધી ૧૯૩૭ બંધ રહેતા તેમાં બીજા ૬૯ પૉઇન્ટનો ઉમેરો થયો હતો.

અખાત્રિજ ગોલ્ડ-જ્વેલરી શૅરોને ફળી નથી. ટીબીઝેડ સવા ત્રણ ટકા, આશાપુરી ગોલ્ડ ૬.૨ ટકા, કલ્યાણ જ્વેલર્સ ૨.૯ ટકા, પીસી જ્વેલર્સ સવા બે ટકા, રેનેસા ગ્લોબલ ૨.૯ ટકા, વૈભવ ગ્લોબલ ત્રણેક ટકા, ઉદય જ્વેલરી ૧.૪ ટકા, ભક્તિ જેમ્સ બે ટકા, રાજેશ એક્સપોર્ટસ સાધારણ ઘટીને બંધ રહ્યા છે. ટાઇટન ફ્લૅટ હતો. થંગમયિલમાં પરચૂરણ નરમાઈ હતી. નર્બદા જેમ્સમાં પાંચ ટકાની ઉપલી સર્કિટ હતી. સ્વર્ણ સરિતા જેમ્સ સાડા પાંચ ટકા ઊંચકાઈને પોણા તેર રૂપિયા નજીક જોવાયો છે. એશિયા ખાતે સિંગાપોર માર્કેટ બે ટકા ઘટ્યું હતું. અન્યત્ર એકથી સવા બે ટકાનો સુધારો હતો. જાપાનીઝ નિક્કેઈ ૨.૩ ટકા અપ હતો. 

આઇટીસી છેવટે હાલ્યો, બોનસ, ડિવિડન્ડ અને ડી-મર્જરની વાતો
ઘણા સમય બાદ હેવીવેઇટ આઇટીસીમાં જોમ જોવાયું છે. શૅર પાંચ ગણા કામકાજમાં ઉપરમાં ૨૧૩ થઈ અંતે ૪.૫ ટકા વધીને ૨૧૨ બંધ આવ્યો છે. કંપની લગભગ દર પાંચ-છ વર્ષે બોનસ આપતી રહી છે. છેલ્લું બોનસ જુલાઈ ૨૦૧૬માં બે શૅર દીઠ એક હતું. અગાઉના વર્ષે કંપનીએ ૧૦૫૦ ટકા ડિવિડન્ડ ચૂકવ્યું હતું. આ વખતે તેમાં વધારાની ધારણા છે. ૫૦૦ ટકા ઇન્ટરિમ આપી ચૂકી છે. ત્રીજું, કંપની તેના બિઝનેસની નવરચનાના ભાગરૂપ અમુક ડિવિઝન ડી-મર્જ કરવા વિચારી રહી છે અને વિચારણા અંતિમ તબક્કે કહેવાય છે. આ બધી વાયકા પાછળ શૅર ગઈ કાલે હાલ્યો હોવાનું મનાય છે. આઇટીસી ઉપરાંત હિન્દુસ્તાન યુનિલીવર બે ટકા, ડાબર અને મારિકો એક ટકાની આસપાસ પ્લસ હતા. પરિણામના જોરમાં બુધવારે ૨૨ ટકા જેવી તેજી દાખવનાર ગોદરેજ કન્ઝ્યુમર નીચામાં ૮૪૬ બતાવી ૨.૭ ટકાની નરમાઈમાં ૮૫૨ બંધ હતો. વેન્ડીઝ ઇન્ડિયા તેજીને આગળ વધારતાં ૪.૫ ગણા કામકાજમાં ૨૨૯૭ની નવી ટૉપ બતાવી ચારેક ટકાના ઉછાળે ૨૧૯૫ હતો. ગઈ કાલે નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ ૧૫માંથી ૧૦ શૅરના સુધારામાં ઉપરમાં ૩૪૮૩૫ થઈ અંતે ૨.૧ ટકા કે ૭૨૪ પૉઇન્ટ ઊંચકાઈને ૩૪૭૮૧ બંધ આવ્યો છે. બીએસઈનો એફએમસીજી ઇન્ડેક્સ ૬૩માંથી ૨૬ શૅરની આગેકૂચમાં બે ટકા અપ હતો.

એશિયન પેઇન્ટસમાં પરિણામ પાછળ દાયકાનો બેસ્ટ જમ્પ
એશિયન પેઇન્ટસ દ્વારા માર્ચ ક્વૉર્ટર આવકમાં ૪૪ ટકા અને નેટ પ્રૉફિટમાં ૮૧ ટકાના વધારા સાથે ઇન્ટરનૅશનલ બિઝનેસ અને માર્કેટ શૅરમાં સુધારો દર્શાવાયો છે તેની અસરમાં શૅર ૭ ગણા કામકાજમાં દાયકાના સૌથી મોટા એવા ૧૧ ટકાના ઉછાળે ૨૮૩૯ થઈ છેલ્લે ૮.૫ ટકાની તેજીમાં ૨૭૭૪ રૂપિયા બંધ રહ્યો છે. ચાલુ વર્ષે ૧૧ જાન્યુ.ના રોજ ભાવ ૨૮૭૧ની વિક્રમી સપાટીએ ગયો હતો. પિઅર ગ્રુપમાં બર્ગર પેઇન્ટસ નવ ગણા વૉલ્યુમે ૭૭૨ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ અઢી ટકાના સુધારામાં ૭૫૩ રૂપિયા તો શાલિમાર પેઇન્ટસ નવ ગણા વૉલ્યુમમાં ૯૮ થઈ અંતે ૫.૫ ટકાની ફેન્સીમાં ૯૩ રૂપિયા બંધ હતો. કન્સાઇ નેરોલેક અને એક્ઝોનોબલમાં પ્રારંભિક સારો સુધારો દેખાયો હતો, પણ તે ટક્યો નહોતો. ઓએન્ટ બેલ સરેરાશ ૨૯૧૬ શૅરની સામે ૩૦ હજાર શૅરના કામકાજમાં ૨૬૮ની ટૉપ બાદ આઠ ટકા વધીને ૨૫૯ હતો. અત્રે ઓલટાઇમ હાઈ ૨૬૮ની છે. ઇન્ડિગો પેઇન્ટસ ત્રણ ગણા કામકાજ વચ્ચે ૨૧૨ રૂપિયાના ઉછાળે ૨૬૩૪ થયો હતો. ભાવ છેલ્લે ૨.૨ ટકા વધી ૨૪૭૬ જોવાયો છે. બાય ધ વે, ૧૯૯૫થી ૨૦૦૩ દરમ્યાન ત્રણ વખત બોનસ આપનારી એશિયન પેઇન્ટસમાં ૨૦૦૩ પછી બોનસ આવ્યું નથી. કંપનીએ ઑક્ટોબર ૧૯૯૫માં શૅરદીઠ એક, મે-૨૦૦૦માં પાંચ શૅરદીઠ ત્રણ તથા મે-૨૦૦૩માં બે શૅરદીઠ એક બોનસ આપ્યું હતું. જુલાઈ ૨૦૧૩માં ૧૦ શૅરનું રૂપિયા એકમાં વિભાજન કર્યું હતું.

મેટલમાં કરેક્શનની આગેકૂચ, રિયલ્ટી શૅરો નોંધપાત્ર ઘટેલા
ફાટફાટ તેજી પછી મેટલ શૅરોમાં પ્રૉફિટ બુકિંગ જોર પકડવા માડ્યું છે. આંક સતત બીજા દિવસે નોંધપાત્ર ઘટ્યો છે. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ સાધારણ સુધારામાં ૫૩૩૨ ખૂલ્યો હતો જે તેની ઇન્ટ્રા ડે હાઈ હતી ત્યાંથી સાડા છ ટકા જેવા ધોવાણમાં નીચામાં ૪૯૮૪ બનાવી અંતે ૩.૮ ટકાની નરમાઈમાં ૫૦૯૧ બંધ આવ્યો છે. તેની ૧૫માંથી ૧૪ જાતો ડાઉન હતી. નાલ્કો પાંચ ટકા, જિંદાલ સ્ટીલ ૮.૭  ટકા, એનએમડીસી ૮.૫ ટકા, હિન્દાલ્કો ચાર ટકા, તાતા સ્ટીલ ચાર ટકા, સેઇલ ૩.૮ ટકા અને વેદાન્તા સારા પરિણામ છતાં ૩.૫ ટકા ખરડાયા હતા. કોલ ઇન્ડિયા ૪.૫ ટકા ઢીલો હતો. જીએમડીસીમાં પાંચ ટકાની ખરાબી હતી. આશાપુરા માઇનકેમ નીચામાં ૧૪૮ થઈ ૫.૫ ટકા ગગડીને ૧૫૪ હતો. સાંડૂર મેગેનીઝ ૪.૨ ટકા કટ થયો છે.

મેટલની સાથે-સાથે ધબડકામાં રિયલ્ટી શૅરો પણ સામેલ હતા. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ દસમાંથી દસ શૅરની ખરાબીમાં ૩.૨ ટકા તરડાયો છે. ડીએલએફ દોઢા કામકાજમાં નીચામાં ૨૪૫ થઈ ૫.૮ ટકા તૂટી ૨૫૦ બંધ સાથે અત્રે ટૉપ લૂઝર બન્યો છે. ઇન્ડિયા બુલ્સ રિયલ્ટી સવા ચાર ટકા, સનટેક રિયલ્ટી ૨.૮ ટકા, શોભા ૨.૭ ટકા તથા ઓબેરોય રિયલ્ટી ૩.૭ ટકા ડાઉન હતા. લોઢા ફેમ મેક્રોટેક ડેવલપર્સ ૧૦ મેના રોજ ઇન્ટ્રા-ડેમાં ૭૨૧ની વિક્રમી સપાટી બાદ સતત ઘસાતો રહી ગઈ કાલે નીચામાં ૬૧૦ થયા પછી સહેજ વધી ૬૪૬ બંધ આવ્યો છે.

બીએસઈ માર્ચ ક્વૉર્ટરમાં ખોટમાંથી નફામાં આવી, શૅર વર્ષની ટોચે
મુંબઈ શૅરબજાર અર્થાત બીએસઈ લિમિટેડ દ્વારા માર્ચ ક્વૉર્ટરમાં અગાઉની ૧૩૧ લાખની ચોખ્ખી ખોટ સામે આ વખતે ૩૨૫૭ લાખ રૂપિયાનો નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. શૅર ગઈ કાલે ૭૭૦ની વર્ષની ટૉપ બનાવી અંતે અઢી ટકાના સુધારામાં ૭૫૫ રૂપિયા બંધ હતો. શૅર એનએસઈ ખાતે લિસ્ટેડ છે. ફેસવેલ્યુ બેની છે. કંપનીનો આઇપીઓ જાન્યુઆરી ૨૦૧૭માં શૅરદીઠ ૮૦૬ના ભાવે આવ્યો હતો. ૩ ફેબ્રુ. ૧૭ના રોજ લિસ્ટિંગમાં ભાવ ૧૦૮૫ ખૂલી ઉપરમાં ૧૨૦૦ થઈ અંતે ૧૦૬૯ રૂપિયા બંધ હતો. ઇન્ટ્રા-ડેનું આ બેસ્ટ લેવલ તેની વિક્રમી સપાટી છે. શૅર ગત માર્ચમાં ૨૭૫ના ઓલટાઇમ તળિયે પહોંચ્યો હતો. ભાવ ગઈ કાલે ઐતિહાસિક શિખરે જવા છતાં આઇપીઓના ઇશ્યુ પ્રાઇસના મુકાબલે બિલો-પાર કહી શકાય.

ડૉ. રેડ્ડીઝ લૅબ દ્વારા માર્ચ ક્વૉર્ટરમાં ૨૮ ટકાના ઘટાડામાં ૫૫૪ કરોડનો કોન્સોલિડેટેડ નેટ પ્રૉફિટ હાંસલ થતાં ભાવ ચાર ગણા કામકાજમાં ૫૩૯૮ની ટૉપથી નીચામાં ૫૧૬૦ થઈ અંતે બે ટકા ઘટી ૫૧૯૬ બંધ રહ્યો છે. યુપીએલ સારા રિઝલ્ટની અસરમાં ગઈ કાલે નવ ગણા વૉલ્યુમે ૭૬૫ નજીક નવી ટૉપ બતાવી ૭.૫ ટકાની તેજીમાં ૭૪૪ રૂપિયા બંધ આવ્યો છે. લાર્સન પરિણામ પૂર્વે સવાયા વૉલ્યુમે સવા બે ટકા વધીને ૧૪૧૫ રૂપિયા થયો છે. વાડિયા ગ્રુપની ગો-અૅર આશરે ૩૬૦૦ કરોડ રૂપિયાનો આઇપીઓ લાવવા સાબદી બની છે. બૉમ્બે ડાઇંગ ૭૯ વટાવી છેલ્લે અડધો ટકો વધી ૭૬ રૂપિયા તો નૅશનલ પેરોક્સાઇડસ ઉપરમાં ૨૪૯૯ થયા બાદ ૧.૮ ટકા ઘટી ૨૪૦૧ રૂપિયા બંધ રહ્યા છે. વેલસ્પન ઇન્ડિયા દ્વારા ૫૨ ટકાના વધારામાં ૧૩૦ કરોડનો નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. કંપનીએ બાયબેક પણ જાહેર કર્યું છે, તેની રેકૉર્ડ ડેટ ૨૬મી ઠરાવાઈ છે. ભાવ સાડા ચાર ગણા કામકાજમાં ૧૦૪ પ્લસની વર્ષની ટોચે જઈ અંતે ૧૧ ટકાના જમ્પમાં ૧૦૧ રૂપિયા બંધ રહ્યો છે. નિફ્ટી ઑટો ઇન્ડેક્સ તમામ ૧૫ શૅરની નબળાઈમાં બે ટકા તૂટ્યો છે. એચસીએલ ટેક્નૉલૉજીના અડધા ટકાના સુધારાને અપવાદ ગણતાં નિફ્ટી આઇટી ઇન્ડેક્સ બાકીના નવ શૅરની કમજોરીમાં એક ટકો ઢીલો હતો. ટીસીએસ એક ટકો, વિપ્રો બે ટકા અને માઇન્ડ ટ્રી પોણા ત્રણ ટકા લોગ આઉટ થયા હતા. 

business news sensex nifty national stock exchange bombay stock exchange