દિન આ ગએ શબાબ કે, આંચલ સંભા‌લિયે...

14 June, 2021 01:08 PM IST  |  Mumbai | Anil Patel

ચારેક મહિનાના વિરામ બાદ શૅરબજાર છેવટે તેજીની નવી ઑર્બિટમાં પ્રવેશી ચૂક્યું છે. સેન્સેક્સ-નિફ્ટીએ મિડ-ફેબ્રુઆરીના ઑલટાઇમ હાઈનું લેવલ ભેદી નાખ્યું છે.

સેન્સેક્સ

ચારેક મહિનાના વિરામ બાદ શૅરબજાર છેવટે તેજીની નવી ઑર્બિટમાં પ્રવેશી ચૂક્યું છે. સેન્સેક્સ-નિફ્ટીએ મિડ-ફેબ્રુઆરીના ઑલટાઇમ હાઈનું લેવલ ભેદી નાખ્યું છે. હવે નવા વિક્રમોની વણઝાર જામશે. સેન્સેક્સમાં ૬૦,૦૦૦ તથા નિફ્ટીમાં ૧૮,૦૦૦નું ગણિત પાક્કું કહેવાય છે. આમ તો રામદેવ અગ્રવાલ જેવા બે લાખના સેન્સેક્સની વાતો માંડી રહ્યા છે. ૪-૫ વર્ષ પહેલાં રાકેશ ઝુનઝુનવાલા પણ સવા લાખના નિફ્ટીનું સપનું દેખાડી ચૂક્યા છે. પિન્ક મીડિયામાં બિગ બુલની એવરગ્રીન પાઘડી પહેરીને ફરતા RZને આવી વાતો કરવાની જૂની આદત છે. જોકે તેઓ ક્યારેય આગાહી પ્રમાણે સાચા નથી પડ્યા એ જુદી વાત છે. અમે પણ કહીએ છીએ કે બજાર તેજીમાં રહેશે. સેન્સેક્સ બે નહીં પાંચ લાખનો થશે અને નિફ્ટી દોઢ લાખ વટાવશે! પરંતુ એ જોવા માટે હું, તમે, આપણે નહીં હોઈએ. વિકસતા દેશોનાં બજારો લાંબા ગાળે તેજીમાં જ રહે છે, પરંતુ એ જોયું છે કોણે? We all are dead in long run. આજની વાત કરો, મારી લાઇફની વાત કરો.

એક સમય હતો જ્યારે શૅરબજાર અર્થતંત્રનું બૅરોમીટર હતું. હવે બૅરોમીટર બગડી ગયું છે કાં તો બદલાઈ ગયું છે (નાણાંની કોથળીના જોરે બદલી નાખવામાં આવ્યું હોય એમ પણ બને). અર્થતંત્રના હાલહવાલ છે અને લોકો બૂરે હાલ છે. બેરોજગારીના આંકડા ઉત્તરોત્તર બિહામણા બની રહ્યા છે. ‘મોદીનોમિક્સ’ને લઈને સંપત્તિની વહેંચણીના મામલે ‘ઇન્વર્ટ પિરામિડ’ની થિયરી કામે લાગી છે. બિલ્યનેર્સની નેટવર્થમાં રોજેરોજ અબજો-કરોડો ઉમેરાઈ રહ્યા છે અને લોકો પાયમાલ છે. જીડીપી ગ્રોથ અને ઔદ્યાગિક વિકાસમાં ઘટાડા સાથે અર્થતંત્રનું પોત પાતળું પડી રહ્યું છે. એમ છતાં શૅરબજાર સતત જાડું થતું જાય છે. આ તેજી રિયલ નથી. એનાથી ‌રિયલ ઇકૉનૉમીને કોઈ ફાયદો થવાનો નથી. બસ, ખેલો ઇન્ડિયા ખેલો ચાલી રહ્યું છે. જ્યારે ખેલ ખતમ થશે ત્યારે ખરેખર ‘ખેલા હોબે’ થવાનું છે.

બજાર તો લાંબા ગાળે તેજીમાં જ રહેવાનું છે. આપણે આ લાઇફમાં શું કરીશું? રોકાણ કરવું જ છે તો પછી બજારનું લેવલ નહીં, તમારું લેવલ જોઈને નક્કી કરો. માણસ છીએ, માલનાં સપનાં તો રહેવાનાં; પણ માલ ખાવા જાઓ એ પહેલાં માર ખાવાની તાકાત કેટલી છે એ પાકું કરી લો. મૂડી તમારી છે. તમારી જિંદગીની કમાણી છે. તમે એની કાળજી નહીં રાખો તો ‘યાર લોગ’ ટાંપીને જ બેઠા છે. આપણા માટે પૈસા ઝાડ પર હરગિજ નથી ઊગતા. રાતોરાત એકના ડબલ ક્યારેય નથી થતા. આપણે સામાન્ય માણસ છીએ, ઘેટાં જેવા! ચરવાનો શોખ જાગે ત્યારે ઊનનો વિચાર અવશ્ય કરવો. બસ બાકી ફિર કભી, નેક્સ્ટ ટુ નેક્સ્ટ મન્ડે!
આદમી રાહ ભી, રાહી‌ ભી,
સફર ભી લેકિન,
જીન્હે ચલના નહીં આતા,
કુચલ જાતે હૈં...

business news sensex nifty