કલ્યાણ-ડોમ્બિવલીના એ અનધિકૃત રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ બાબતે મહારેરાની આવકાર્ય કાર્યવાહી

19 November, 2022 01:51 PM IST  |  Mumbai | Parag Shah

કલ્યાણ-ડો​મ્બિવલીના મહાનગરપાલિકાની હદમાં થયેલું આ કૌભાંડ શહેરના એક આર્કિટેક્ટના પ્રયાસને કારણે બહાર આવ્યું છે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

થોડા સમય પહેલાં આપણે કલ્યાણ-    ડો​મ્બિવલી મહાનગરપાલિકાની હદમાં કેટલાક બિલ્ડરોએ ખોટા દસ્તાવેજો તૈયાર કરીને રેરામાં રજિસ્ટ્રેશન કરાવ્યા વિશે જાણ્યું હતું. આ કિસ્સાની મહાનગરપાલિકામાં તથા રેરામાં ગંભીર નોંધ લેવામાં આવી છે. એક બાજુ રેરા કાયદા દ્વારા સામાન્ય જનતામાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર સંબંધે વિશ્વાસનું વાતાવરણ તૈયાર કરવામાં આવી રહ્યું છે ત્યારે કલ્યાણ-ડો​મ્બિવલીના આ કૌભાંડે વિશ્વાસનું વાતાવરણ ડહોળી નાખ્યું છે. 
હવે રેરા-ઑથોરિટીએ આ કિસ્સામાં તાજેતરમાં એક ચુકાદો આપ્યો છે, જેના વિશે આજે આપણે વાત કરવાના છીએ. 
કલ્યાણ-ડો​મ્બિવલીના મહાનગરપાલિકાની હદમાં થયેલું આ કૌભાંડ શહેરના એક આર્કિટેક્ટના પ્રયાસને કારણે બહાર આવ્યું છે. તેમણે માહિતી પ્રાપ્તિના અધિકારના (આરટીઆઇ) કાયદા હેઠળ માહિતી માગી હતી, જેમાં ધ્યાનમાં આવ્યું હતું કે બિલ્ડરોએ દસ્તાવેજોની ગડબડ કરીને રેરા-રજિસ્ટ્રેશન લીધું હતું. તેમણે ગયા વર્ષે આ કેસમાં મુંબઈ વડી અદાલત સમક્ષ જનહિતની અરજી પણ કરી હતી. 
ઉક્ત કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ મહાનગરપાલિકાએ બિલ્ડરો વિરુદ્ધ સંબંધિત પોલીસ-સ્ટેશનોમાં એફઆઇઆર નોંધાવ્યા હતા. એટલું જ નહીં, એક વિશેષ તપાસ-ટુકડીની રચના કરવામાં આવી હતી. તપાસના ભાગરૂપે ૪૦ બિલ્ડરોનાં બૅન્ક-અકાઉન્ટ પર ટાંચ મારવામાં આવી હતી તથા પાંચ બિલ્ડરોની ધરપકડ કરવામાં આવી હતી. અદાલતે તેમને ૨૬મી નવેમ્બર સુધી અદાલતી કસ્ટડીમાં રાખવાનો હુકમ કર્યો છે. 
વિશેષ તપાસ ટુકડીએ આઠ કમ્પ્યુટર જપ્ત કર્યાં હતાં તથા ૧૪ બૅન્ક ખાતાં શિથિલ કરાવ્યાં હતાં. મહારેરા ઑથોરિટી સમક્ષ ૨૮મી ઑક્ટોબરે સુનાવણી કરવામાં આવી હતી, જેમાં બિલ્ડરોને હાજર કરાયા હતા. પ્રમોટરોએ બનાવટી કમિન્સમેન્ટ સર્ટિફિકેટ સુપરત કર્યાં હતાં એથી તેમની સામે સુઓ-મોટો કેસ કરવામાં આવ્યા છે. પ્રમોટરોના વકીલોએ મહારેરા ઑથોરિટીને જણાવ્યું હતું કે આ કિસ્સામાં ફોજદારી કાર્યવાહી થઈ રહી છે અને પોલીસ-તપાસ માટે પ્રમોટરોને બોલાવતી હોય છે આથી હાલના તબક્કે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવવી જોઈએ નહીં. 
નોંધનીય છે કે મહારેરાએ આવા ૫૪ પ્રોજેક્ટ્સનાં રજિસ્ટ્રેશન રદ કરી દીધાં છે અને તમામ સંબંધિત સરકારી ખાતાંઓને કહ્યું છે કે તેઓ જ્યારે પણ કોઈ વૈધાનિક પ્રમાણપત્ર આપે ત્યારે તરત જ સંબંધિત વેબસાઇટ પર એ અપલોડ કરી દેવાવાં જોઈએ તથા પ્રમાણપત્ર રદ કરવામાં આવે કે એમાં ફેરફાર કરવામાં આવે તો એની જાણ પણ તત્કાળ વેબસાઇટ પર કરી દેવાય. આ ખાતાંમાં મહારાષ્ટ્ર સરકારનું શહેરી વિકાસ ખાતું તથા સ્થાનિક આયોજન ઑથોરિટીઝ સહિતનાં ખાતાંનો સમાવેશ થાય છે. 
એ ઉપરાંત મહારેરાના સચિવને પણ આદેશ આપવામાં આવ્યો હતો કે મહારેરામાં લિસ્ટેડ ઉક્ત તમામ ૫૪ પ્રોજેક્ટ્સનાં નિર્ધારિત બૅન્ક-ખાતાં આગામી આદેશ અપાય ત્યાં સુધી શિથિલ કરી દેવાં. આ પ્રોજેક્ટ્સના બ્લૅક-લિસ્ટેડ પ્રમોટરોને આદેશ આપવામાં આવ્યો છે કે તેમણે આ તમામ પ્રોજેક્ટ્સમાં કોઈ પણ અપાર્ટમેન્ટ કે બિલ્ડિંગ વેચવા કે બુક કરવા નહીં તથા પ્રોજેક્ટ્સનું ઍડ્વર્ટાઇઝિંગ, માર્કેટિંગ કે બુકિંગ કરવું નહીં. 
આ તમામ ગેરકાનૂની પ્રોજેક્ટ્સનું તોડકામ અમુક જગ્યાએ ચાલુ થઈ ગયું છે. કલ્યાણ- ડોમ્બિવલીના મહાનગરપાલિકાના સંબંધિત વૉર્ડના અધિકારીઓએ પ્રોજેક્ટ્સની યાદી બનાવી લીધી છે અને એ મુજબ તોડકામ થઈ રહ્યું છે. તોડવામાં આવેલા પ્રોજેક્ટ્સમાં ભોંયતળિયું વત્તા સાત માળનું રવિ કિરણ સોસાયટી બિલ્ડિંગ સામેલ છે. ડો​મ્બિવલીના માનપાડા વિસ્તારમાં આવેલું આ બિલ્ડિંગ બનાવટી દસ્તાવેજોને આધારે રેરા-સર્ટિફિકેટ પ્રાપ્ત કરીને બનાવવામાં આવ્યું હતું. 
રિયલ એસ્ટેટ ક્ષેત્રે હવે ગેરકાનૂની અને અનિયમિત ઘટનાઓને સાંખી નહીં લેવાય એવો સંદેશ આ ડિમોલિશન દ્વારા સર્વે સંબંધિતોને પહોંચી ગયો છે. કોઈ પણ પ્રમોટર ભવિષ્યમાં આવું ગેરકાનૂની વર્તન કરવાની હિંમત ન કરે એવો આ સંદેશ આપવામાં આવ્યો છે.

business news kalyan dombivli