હું અઠવાડિયામાં દસ-બાર કરોડ રૂપિયા વાપરી નાખું છું

05 June, 2026 09:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દાઉદે મારા પર ત્રણ વાર હુમલા કરાવ્યા અને મારા દીકરાનું અપહરણ પણ કરાવ્યું એવો દાવો કરીને લલિત મોદીએ કહ્યું...

લલિત મોદીની ફાઇલ તસવીર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના સ્થાપક અને એના ભૂતપૂર્વ કમિશનર લલિત મોદીએ ભારતીય ક્રિકેટજગતમાંથી ગાયબ થયાના એક દાયકા બાદ એક ઇન્ટરવ્યુમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે જેનાથી ચકચાર મચી છે. લલિત મોદીએ પહેલી વાર દાવો કર્યો હતો કે ‘અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ અને તેની D-કંપની તરફથી મને મારી નાખવાની મળેલી ધમકીને કારણે જ મારે હંમેશ માટે ક્રિકેટ અને ભારત છોડવું પડ્યું હતું. IPLનાં શરૂઆતનાં વર્ષોમાં મૅચ-ફિક્સિંગ સામે મેં લીધેલા કડક વલણને કારણે હું સીધો માફિયાઓના નિશાના પર આવી ગયો હતો.’

દરેક મૅચ પર ૩૩,૦૦૦ કરોડ રૂપિયાનો સટ્ટો

લલિત મોદીએ અન્ડરગ્રાઉન્ડ સટ્ટાબજારનું ગણિત સમજાવતાં કહ્યું હતું કે ‘દાઉદ ઇબ્રાહિમ મોટો બુકી છે અને ક્રિકેટનો સટ્ટો તેના ઇશારે જ ચાલે છે. એ દિવસોમાં દરેક મૅચ પર બે બિલ્યન ડૉલરનો સટ્ટો લાગતો હતો, આજે વધીને એ મૅચદીઠ ૪ બિલ્યન ડૉલર એટલે કે ૩૩,૦૦૦ કરોડ રૂપિયા થઈ ગયો છે. હવે આખેઆખી મૅચ ફિક્સ નથી થતી, પરંતુ ઓવર્સ અને બૉલ ફિક્સ થાય છે. ખેલાડીઓ મેદાન પર રૂમાલ કાઢીને કે હાથ ઘુમાવીને બુકીઓને કોડ-વર્ડમાં ઇશારા કરતા હોય છે. માફિયાઓએ આ બધું નજરઅંદાજ કરવા બદલ મને કરોડો ડૉલરની ઑફર કરી હતી જે મેં ઠુકરાવી હતી.’

દાઉદ સે પંગા

લલિત મોદીએ ૨૦૧૨ની એક ખોફનાક રાતને યાદ કરતાં જણાવ્યું હતું કે ‘લંડનમાં બાબા નામના એક વગદાર વચેટિયાએ મને રાતે ૩.૩૦ વાગ્યે તેના પેન્ટહાઉસ પર બોલાવ્યો હતો. જ્યારે મેં ત્યાં જઈને કહ્યું કે ભારતમાં દાઉદ તરફથી મને ખતરો છે ત્યારે તે વચેટિયાએ તરત જ અગાસી પર જઈને સૅટેલાઇટ ફોન દ્વારા સીધો દાઉદ ઇબ્રાહિમને ફોન લગાડી દીધો હતો. જોકે મેં શરણાગતિ ન સ્વીકારતાં દાઉદે મારા પર ત્રણ વખત હુમલા કરાવ્યા હતા અને લંડનની સ્લોન સ્ટ્રીટ પરથી મારા પુત્રનું અપહરણ પણ કરાવ્યું હતું.’

કરોડોનો ખર્ચ

પોતાના ખર્ચ વિશે લલિત મોદીએ દાવો કર્યો હતો કે હું એક અઠવાડિયામાં દસ-બાર કરોડ રૂપિયા ખર્ચી નાખું છું. જ્યારે આવક વિશે પૂછવામાં આવ્યું ત્યારે બડાઈ હાંકતાં લલિત મોદીએ કહ્યું હતું કે ‘લોકો સોનાની ચમચી સાથે જન્મે છે. હું હીરે જડેલી ચમચી સાથે પેદા થયો છું. જ્યારે લોકો મારા પર કેટલાક કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ મૂકે છે ત્યારે હું કહું છું કે આટલા રૂપિયા તો હું એક દિવસમાં કમાઈ લઉં છું, હું અઠવાડિયામાં દસ-બાર કરોડ રૂપિયા વાપરી નાખું છું. હું એક ઉદ્યોગપતિ છું અને અબજો રૂપિયાનો બિઝનેસ મેં મારાં સંતાનોને ગિફ્ટમાં આપ્યો છે. હાલમાં તેઓ જ મારો ખર્ચ ઉઠાવે છે.’

lalit modi business news indian premier league dawood ibrahim life and style