એસઆઇપી સામે હવે આવ્યા છે એસડીપી : બહેતર કોણ?

22 September, 2022 03:40 PM IST  |  Mumbai | Jayesh Chitalia

હાલમાં એસડીપી જેવી સુવિધા બૅન્કો અને પોસ્ટ ઑફિસની રિકરિંગ ડિપોઝિટમાં છે, જેમાં વળતરનો દર નિયત કે નિશ્ચિત હોય છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

એસઆઇપીની જેમ હવે આવ્યા છે એસડીપી ઉર્ફે સિસ્ટમૅટિક ડિપોઝિટ પ્લાન. જોકે સમાન નામ, છતાં ગુણધર્મોમાં ફરક છે, પરંતુ જેમને શૅરબજારના જોખમથી દૂર રહેવું છે તેમને આ માર્ગે ટુકડે-ટુકડે ડિપોઝિટ ઊભી કરવાની તક છે. આ સાથે આજની યુવા પેઢી-ન્યુ જનરેશનનો ઇન્વેસ્ટમેન્ટ માટેનો અભિગમ પણ સમજીએ, જેમની પણ પહેલી પસંદ એસઆઇપી જ છે મ્યુચ્યુઅલ ફન્ડ્સના એસઆઇપી (સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) વિશે લોકોમાં ઘણી જાણકારી સાથે એનો વ્યાપ સતત વધતો રહ્યો છે. આ જ રીતે બૅન્કોમાં રિકરિંગ ડિપોઝિટ વિશે પણ સૌકોઈ મોટે ભાગે જાણે છે. આ બન્ને સ્કીમમાં બચતકાર-રોકાણકાર નિયમિત ચોક્કસ રકમ જમા કરતા રહે છે, એસઆઇપીની રકમ શૅરબજારમાં જાય છે અને રિકરિંગ ડિપોઝિટની રકમ બૅન્કમાં જમા થાય છે. એકમાં (એસઆઇપી)માં વળતર ઊંચું-નીચું થયા કરે છે અને કયાંક જોખમ પણ ગણાય છે, જ્યારે બીજામાં વળતર નિયત દર હોય છે, પણ સલામતી ઊંચી રહે છે. હવે આમાં એક નવું નામ ઉમેરાઈ રહ્યું છે, જેણે આમ તો નામમાં એસઆઇપીની કૉપી કરી છે, આ નામ છે એસડીપી (સિસ્ટમૅટિક ડિપોઝિટ પ્લાન). આ પ્લાનમાં બચતકાર નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપની (એનબીએફસી)માં લમસમ ડિપોઝિટને બદલે નિયમિત ચોક્કસ રકમની ડિપોઝિટ મૂકી શકશે. જે નાના બચતકારો બજારનું જોખમ લેવા ઇચ્છતા નથી કે તેમની ક્ષમતા નથી તેમ જ તેઓ એકસાથે લમસમ રકમ પણ ડિપોઝિટ માટે ફાળવી શકતા નથી, તેમને આ એક સુવિધા છે, જ્યાં ધીમે-ધીમે નાની-નાની રકમ સાથે બચત કરવાનો અવસર મળે છે. હાલ તો આ એસડીપી નામે નવા પ્લાન બજાજ ફાઇનૅન્સ લાવી છે, પરંતુ આગળ જતા વધુ કંપનીઓ કે બૅન્કો પણ આગળ આવી શકે છે.

બન્નેમાં નોંધપાત્ર ફરક

એસડીપીની આમ તો એસઆઇપી સાથે સીધી તુલના કરી શકાય નહીં, કેમ કે બન્નેમાં નોંધપાત્ર ફરક છે, પણ નામ દ્વારા એક નવું આકર્ષણ ઊભું થઈ શકે છે. હાલમાં એસડીપી જેવી સુવિધા બૅન્કો અને પોસ્ટ ઑફિસની રિકરિંગ ડિપોઝિટમાં છે, જેમાં વળતરનો દર નિયત કે નિશ્ચિત હોય છે. માત્ર સગવડ તરીકે દર મહિને નાની રકમ ભરવાની તક છે. હવે આ તક એસડીપી ઑફર કરે છે. એસઆઇપી પણ એ રોકાણકારો પસંદ કરતા હોય છે, જેઓ એકસાથે મોટી રકમનું રોકાણ કરવા સમર્થ નથી. અલબત્ત, એસઆઇપી ડેટ સાધનોમાં પણ થઈ શકે છે, જ્યાં જોખમ ઇક્વિટી કરતાં ઓછું હોય છે. ભવિષ્યમાં કંપનીઓ એસડીપીમાં વધુ ઇનોવેશન અથવા નવા લાભ ઑફર કરે તો વાત વધુ સાર્થક બની શકે. બાકી આ પ્લાન એસઆઇપીનું સ્થાન લઈ શકશે નહીં. 

ન્યુ જનરેશનને ગમે છે એસઆઇપી

દરમ્યાન, એક ખાનગી સર્વે મુજબ યુવા પેઢી-ન્યુ જનરેશનમાં એસઆઇપી વધુ ને વધુ લોકપ્રિય બનતો જાય છે. આ વર્ગમાં આર્થિક સ્વનિર્ભરતાની માનસિકતા વધવા સાથે જવાબદારીની વિચારધારા પણ વધતી જાય છે. આ યુવા પેઢીનો મોટા ભાગનો વર્ગ એસઆઇપી-રિકરિંગ ડિપોઝિટ પસંદ કરે છે. એટલું જ નહીં, તેઓ ધ્યેય (ગોલ્સ) આધારિત રોકાણ કરતા થયા છે. તેમને આડેધડ રોકાણ કરવા કરતાં પોતાના લક્ષ્યને કેન્દ્રમાં રાખી રોકાણ કરવાનું વધુ વાજબી લાગે છે, એમ કૅશ-ઈ નામની નાણાકીય સર્વિસિસ ઑફર કરતી કંપનીનો સર્વે કહે છે. અમુક વરસ પૂર્વે બચત-રોકાણનો ભાગ્યે જ વિચાર કરતી આ નવી પેઢી હવે તેમની વાર્ષિક આવકમાંથી કમસે કમ ૧૦થી ૨૦ ટકા બચત માટે અલગ ફાળવતી થઈ છે.

આ સર્વેક્ષણનું રસપ્રદ તારણ એ છે કે યુવા વર્ગ આર્થિક સ્વનિર્ભરતા માટે વહેલી ઉંમરે વિચારતો થયો છે, નિવૃ‌િત્ત માટે પણ નાની ઉંમરથી વિચારવા લાગ્યો છે, જે જૂની પેઢી મોડે-મોડે વિચારતી થઈ. અલબત્ત, આ પરિણામ ન્યુક્લિયર ફૅમિલી (પરિવાર વિભાજન)નું છે. અગાઉ સંયુક્ત પરિવારમાં બધા વચ્ચે સંપની ભાવના સાથે સૌ સચવાઈ જતા હતા. હવે દરેકને પોતાની સ્વતંત્રતા, પસંદગી અને મોકળાશ સાથે જીવવું છે. 

business news share market stock market jayesh chitalia