ટ્રાન્ઝેક્શન ફેઈલ થશે તો બેંક તમને આપશે વળતર, જાણો નવા નિયમો

12 October, 2019 05:32 PM IST  |  મુંબઈ

ટ્રાન્ઝેક્શન ફેઈલ થશે તો બેંક તમને આપશે વળતર, જાણો નવા નિયમો

ATM ટ્રાન્ઝેક્શનને લગતા નિયમોમાં ફેરફાર

જો તમે એટીએમમાંથી પૈસા કાઢો છો અને આ દરમિયાન તમારા ખાતામાંથી પૈસા કપાઈ જાય છે, પરંતુ તે પૈસા એટીએમમાંથી બહાર નથી આવતા તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. અથવા તો તમે કોઈના ખાતામાં પૈસા મોકલો છો અને તમારા ખાતામાંથી પૈસા કપાઈ જાય છે પરંતુ સામેના વ્યક્તિના ખાતામાં પૈસા નથી પહોંચતા તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ ગ્રાહકોના ફેઈલ્ડ ટ્રાન્ઝેક્શનને ધ્યાનમાં રાખતા ટર્ન અરાઉન્ડ ટાઈમ માટે એક નિશ્ચિત સમય નક્કી કર્યો છે. આ નિયમ અંતર્ગત જો કોઈ ગ્રાહકનું ટ્રાન્ઝેક્શન ફેઈલ થાય છે તો એક નિશ્ચિત સમયમાં બેંક તેનું સેટલમેન્ટ કરશે અને એવું નહીં થાય તો બેંક ગ્રાહકોને વળતર આપશે.

RBIના નવા નિયમ પ્રમાણે ટ્રાઝેક્શનના પાંચ દિવસમાં ખાતામાં પૈસા પાછા જમા કરાવવા પડશે. જો પૈસા નક્કી કરવામાં આવેલી સમય અવધિમાં નથી પહોંચતા તો ગ્રાહકને રોજના 100 રૂપિયાનું વળતર મળશે.

ATM માટેના નિયમ
જો એટીએમ ટ્રાંઝેક્શનમાં ખાતામાંથી પૈસા કપાઈ જાય છે અને કેશ નથી નીકળતા તો ટ્રાંઝેક્શનના પાંચ દિવસમાં અકાઉન્ટમાં પૈસા પાછા આપવા પડશે. જો પાંચ દિવસથી વધુ સમય લાગે તો ગ્રાહકને રોજના 100 રૂપિયાના હિસાબથી વળતર મળશે.

IMPS ટ્રાન્ઝેક્શન
જો તમે IMPSથી ટ્રાન્સફર કર્યું છે અને અકાઉન્ટમાંથી પૈસા કપાયા પણ રિસીવરને નથી મળ્યા તો ટ્રાંઝેક્શનના એક દિવસ બાદ સુધીમાં પૈસા પાછા આપવા પડશે. પૈસા પાછા ન આવે તો બીજા દિવસથી ગ્રાહકને રોજના 100 રૂપિયા વળતર આપવું પડશે.

કાર્ડથી કાર્ડમાં ટ્રાન્સફર
માનો કે એક કાર્ડમાંથી પૈસા કપાઈ ગયા અને બીજા કાર્ડમાં પૈસા ટ્રાન્સફર ન થયા તો, ટ્રાંઝેક્શનના એક દિવસ બાદ સુધીમાં પૈસા પાછા આપવા પડશે. પૈસા પાછા ન આવે તો બીજા દિવસથી ગ્રાહકને રોજના 100 રૂપિયા વળતર આપવું પડશે.

UPIથી પૈસા મોકલવા પર નિયમ
જો તમે કોઈને પૈસા મોકલ્યા અને તેના ખાતામાં પૈસા નથી જમા થયા તો તેને એક દિવસમાં પાછા આપવા પડશે. જો તમે કોઈ મર્ચન્ટને પૈસા ટ્રાન્સફર કર્યા અને તેને નથી પહોંચતા તો પાંચ દિવસમાં પાછા આપવા પડશે. જો આવું નહીં થાય તો ગ્રાહકને 100 રૂપિયાનું રોજનું વળતર આપવું પડશે.

આ પણ જુઓઃ જુઓ તારક મહેતા... ફૅમ રીટા રિપોર્ટરની બેબી બમ્પમાં હોટ તસવીરો

PoS માટે નિયમ
અકાઉન્ટમાંથી પૈસા કપાઈ ગયા પરંતુ મર્ચન્ટને રકમનું કન્ફર્મેશન નથી આવ્યું તો ટ્રાંઝેક્શનના 5 દિવસની અંદર પૈસા પાછા આપવા પડશે. નહીં તો ટ્રાંઝેક્શન બાદ છઠ્ઠા દિવસથી 100 રૂપિયા રોજના ગ્રાહકને વળતર આપવું પડશે.

reserve bank of india business news