નિવૃત્તિ પછી મળતા વિવિધ લાભો પર લાગુ પડતા કર (ટૅક્સ)ની સમજ

16 May, 2023 01:16 PM IST  |  Mumbai | Nitesh Buddhadev

ગ્રૅચ્યુઇટી કર્મચારીની નિવૃત્તિ વખતે, મૃત્યુ વખતે, રાજીનામું આપે ત્યારે અથવા તો એની નોકરીના સમયગાળા દરમ્યાન તેને મળતો આર્થિક લાભ એ ગ્રૅચ્યુઇટી છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સામાન્ય રીતે નિવૃત્તિ પછી મળતા લાભો અને પેન્શન કરપાત્ર હોય છે. તેમ છતાં, નિવૃત્તિ વખતે મળતી એકસામટી રકમ પરના લાભો પર અમુક છૂટ આપવામાં આવી છે. ગ્રૅચ્યુઇટી કર્મચારીની નિવૃત્તિ વખતે, મૃત્યુ વખતે, રાજીનામું આપે ત્યારે અથવા તો એની નોકરીના સમયગાળા દરમ્યાન તેને મળતો આર્થિક લાભ એ ગ્રૅચ્યુઇટી છે. ઇન્કમ ટૅક્સ ઍક્ટની જોગવાઈ મુજબ જો કર્મચારીની નોકરીના સમયગાળા દરમ્યાન તેને ગ્રૅચ્યુઇટીની રકમ મળે તો એ રકમ કરપાત્ર ઠરે છે.  

સરકારી કર્મચારીઓને જો ગ્રૅચ્યુઇટીની રકમ મૃત્યુ પછી કે નિવૃત્તિ વખતે મળે તો એ સંપૂર્ણ રકમ કરમુક્ત છે. 

કારખાનાં, ખાણ, તેલ ક્ષેત્ર, બંદર, રેલવે, ખેતર, દુકાન, શૈક્ષણિક સંસ્થા જેવા દરેક ખાનગી ક્ષેત્ર કે જેમાં આગલા ૧૨ મહિનામાં કોઈ પણ દિવસે ૧૦ કે એથી વધુ કર્મચારીઓ કામ કરતા હોય તો તે દરેક કર્મચારી પર પેમેન્ટ ઑફ ગ્રૅચ્યુઇટી ઍક્ટ લાગુ પડે છે.

 નીચે આપેલ કોષ્ટક પ્રમાણે કરેલી ગણતરી પછી એમાંથી જે ન્યુનતમ ગ્રૅચ્યુઇટીની જે રકમ આવે એ રકમ કરમુક્ત ગણાય છે.  

આ કલમ પ્રમાણે પગારમાં, મૂળ પગારની રકમ (બેઝિક સૅલેરી), મોંઘવારી ભત્તું (રોજગારની શરતોમાં જો હોય તો) અને ટર્નઓવરની ટકાવારી પ્રમાણેના કર્મચારીએ મેળવેલા કમિશનનો સમાવેશ થાય છે. 

લીવ એન્કૅશમેન્ટ 

નોકરી દરમ્યાન, નિવૃત્તિ સમયે અથવા રાજીનામું આપે ત્યારે ભેગી કરેલી રજાઓને, રકમ સામે વટાવી શકાય છે. નિવૃત્તિ વખતે અથવા રાજીનામું આપે ત્યારે મળેલી લીવ એન્કૅશમેન્ટની સામે મળેલી સંપૂર્ણ રકમ કેન્દ્ર અથવા રાજ્ય સરકારોના કર્મચારીઓ માટે કરમુક્ત છે. 

ગેરસરકારી કર્મચારીઓને મળતી લીવ એન્કૅશમેન્ટની રકમ, નીચેના વિકલ્પોમાંથી જે ન્યુનતમ રકમ હોય એ રકમ કરમુક્ત છે.  

અ. સરકારે જાહેર કરેલી રકમ – ૨૫ લાખ ( ફાઇનૅન્સ બિલ ૨૦૨૩માં આ રકમ ૩ લાખ રૂપિયામાંથી વધારીને ૨૫ લાખ કરવામાં આવી છે)

બ. લીવ એન્કૅશમેન્ટની મળેલી વાસ્તવિક રકમ 

ક. છેલ્લા ૧૦ મહિનાની સરેરાશ પગારની રકમ 

ડ. એક દિવસનો પગાર x પૂર્ણ કરેલ નોકરીનાં વર્ષ હોય એવા પ્રત્યેક વર્ષની વણવપરાયેલી રજાઓ (પ્રત્યેક વર્ષ દરમ્યાન વધુમાં વધુ ૩૦ દિવસ) ઉપરની ગણતરી માટે પગારમાં મૂળ પગારની રકમ (બેઝિક સૅલેરી), મોંઘવારી ભત્તું અને ટર્નઓવર પરની ઠરાવેલી ટકાવારી પ્રમાણે કર્મચારીએ મેળવેલા કમિશનનો સમાવેશ થાય છે. 
ચાલુ નોકરી દરમ્યાન મળેલી લીવ એન્કૅશમેન્ટની રકમ ‘ઇન્કમ ફ્રૉમ સૅલેરી’ હેઠળ આવે છે અને આ પૂરેપૂરી રકમ કરપાત્ર છે. તો પણ સેક્શન ૮૯ હેઠળ રાહત માટેનો દાવો કરી શકાય છે. 

આ પણ વાંચો: કરવેરાની દૃષ્ટિએ કોણ સારું? ગોલ્ડ મ્યુચ્યુઅલ ફન્ડ કે ફિઝિકલ ગોલ્ડ

પ્રોવિડન્ટ ફન્ડ (PF) 

રેકગ્નાઇઝ્ડ અથવા અન-રેકગ્નાઇઝ્ડ (માન્યતાપ્રાપ્ત કે ગેરમાન્યતાપ્રાપ્ત) પ્રોવિડન્ટ ફન્ડ, સ્ટેચ્યુટરી પ્રોવિડન્ટ ફન્ડ વગેરેમાંથી કયા પ્રકારનો પ્રોવિડન્ટ ફન્ડ છે એ પ્રકાર પર નિવૃત્તિ વખતે મળતા પ્રોવિડન્ટ ફન્ડ પર લાગુ પડતા કરનો આધાર રહેલો છે. રેકગ્નાઇઝ્ડ, સ્ટેચ્યુટરી પ્રોવિડન્ટ ફન્ડ વગેરેમાં નિવૃત્તિ અથવા નોકરીની સમાપ્તિ વખતે ઉપાડેલી રકમ કરમુક્ત છે, પરંતુ ૨,૫૦,૦૦૦ રૂપિયાથી વધુના વાર્ષિક યોગદાન અને પ્રોવિડન્ટ ફન્ડમાં આવા વધુ કરાયેલાં યોગદાન પર મળેલા વ્યાજ પર ‘ઇન્કમ ફ્રૉમ અધર સોર્સિસ’ના મથાળા હેઠળ કર ભરવો પડે છે. 

પેન્શન 

નિવૃત્તિ સમયે તમારા પેન્શનની રકમના અમુક ટકા તમે પહેલેથી જ ઉપાડી લેવાનું પસંદ કરી શકો છો. આવા અગાઉથી મેળવેલા પેન્શનને કમ્યુટેડ પેન્શન કહેવાય છે.  

સરકારી કર્મચારીઓને મળતા કમ્યુટેડ પેન્શન કરમુક્ત છે. 

બિનસરકારી કર્મચારીઓને મળતું કમ્યુટેડ પેન્શન આંશિક રીતે કરમુક્ત છે, પરંતુ એનો આધાર તેને ગ્રૅચ્યુઇટી પણ મળી છે કે નહીં એ ઉપર છે.  

જો કર્મચારીને ગ્રૅચ્યુઇટી મળી હોય તો, કમ્યુટેડ પેન્શનની સંપૂર્ણ રકમની એક તૃતીયાંશ રકમ કરમુક્ત રહેશે.  

જો કર્મચારીને ગ્રૅચ્યુઇટી ન મળી હોય તો, કમ્યુટેડ પેન્શનની પૂરી રકમમાંથી અડધી રકમ કરમુક્ત રહેશે.

ચોક્કસ સમયાંતરે, સામાન્ય રીતે માસિક ધોરણે મળતા પેન્શનને અનકમ્યુટેડ પેન્શન કહેવાય છે. સરકારી અને બિનસરકારી, બન્ને કર્મચારીઓ માટે અનકમ્યુટેડ પેન્શન ‘ઇન્કમ ફ્રૉમ સૅલેરી’ના મથાળા હેઠળ કરપાત્ર છે.  

પેમેન્ટ ઑફ ગ્રૅચ્યુઇટી ઍક્ટ હેઠળ આવતા કર્મચારીઓ માટે પેમેન્ટ ઑફ ગ્રૅચ્યુઇટી ઍક્ટ હેઠળ નથી આવતા એવા કર્મચારીઓ માટે
અ. છેલ્લો પગાર x  નોકરીના વર્ષની સંખ્યા x ૧૫/૨૬     અ.  છેલ્લા ૧૦ મહિનાનો સરેરાશ પગાર x  નોકરીના વર્ષની સંખ્યા x  ૧/૨
બ. ૨૦ લાખ રૂપિયા બ. ૧૦ લાખ રૂપિયા
ક.  ગ્રૅચ્યુઇટીની મળેલી વાસ્તવિક રકમ ક.  ગ્રૅચ્યુઇટીની મળેલી વાસ્તવિક રકમ

સવાલ તમારા…

પ્રશ્નઃ હું બિનસરકારી કર્મચારી છું. ૩૧-૩-૨૦૨૩ના રોજ હું નોકરીમાંથી નિવૃત્ત થયો છું. એપ્રિલ ૨૦૨૩ માટે મને ૮૪૦૦ રૂપિયાનું માસિક પેન્શન મળ્યું છે. ૧-૫-૨૦૨૩ના રોજ મેં પેન્શનના ૫૦ ટકા એટલે ૮૪,૦૦૦ રૂપિયાનું પેન્શન કમ્યુટ કર્યું અને બાકીના ૫૦ ટકાનું પેન્શન ૪૨૦૦ રૂપિયા મેળવવાનું ચાલુ રાખ્યું છે. મારા પેન્શન પર કેવી રીતે ટૅક્સ લાગશે? મને નિવૃત્તિ સમયે ૧,૮૪,૦૦૦ રૂપિયાની ગ્રૅચ્યુઇટી પણ મળી છે. 

ઉત્તરઃ એપ્રિલ ૨૦૨૩ના મહિનામાં તમને ૮૪૦૦ રૂપિયાનું અનકમ્યુટેડ પેન્શન મળ્યું છે અને મે ૨૦૨૩થી માર્ચ ૨૦૨૪ સુધી તમને માસિક ૪૨૦૦ રૂપિયાનું અનકમ્યુટેડ પેન્શન મળશે. આ આખી રકમ (એટલે કે અનકમ્યુટેડ પેન્શન) કરપાત્ર ગણાશે. 

તમને ગ્રૅચ્યુઇટી મળી છે એટલે કમ્યુટેડ પેન્શનની સંપૂર્ણ રકમની એક તૃતીયાંશ રકમ કરમુક્ત હોય છે અને ૮૪,૦૦૦ રૂપિયા એ તમારા કુલ પેન્શનના ૫૦ ટકા છે એટલે તમારી પેન્શનની પૂરી રકમ ૧,૬૮,૦૦૦ રૂપિયા છે. આ પૂરી રકમની એક તૃતીયાંશ (૧,૬૮,૦૦૦/૩) કરમુક્ત રહેશે એટલે તમને કમ્યુટેડ પેન્શન તરીકે મળેલા ૮૪,૦૦૦ રૂપિયામાંથી ૫૬,૦૦૦ રૂપિયા કરમુક્ત રહેશે.

business news income tax department