ગિફ્ટ સિટીના આઇએફએસસીમાં સરકારે આપેલી સવલતોનો લાભ લેવા જેવો છે

24 January, 2023 04:18 PM IST  |  Mumbai | Paresh Kapasi

સરકારે આ પ્રોજેક્ટમાં સ્માર્ટ સિટી અને આંતરરાષ્ટ્રીય સ્તરના નાણાકીય સેવાઓના કેન્દ્રનો સમન્વય કર્યો છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

ગુજરાતમાં ગુજરાત ઇન્ટરનૅશનલ ફાઇનૅન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)ની રચના કરવામાં આવી છે. નાણાકીય સેવાઓ અને ટેક્નૉલૉજીના ક્ષેત્રે કામ કરતી કંપનીઓ માટેના નવા બિઝનેસ ડેસ્ટિનેશન તરીકે આ સિટી ઉપયોગી ઠરશે. આજે આપણે બિઝનેસમેનો માટેની આ મહત્ત્વપૂર્ણ જગ્યાની કેટલીક ખાસિયતો વિશે વાત કરી રહ્યા છીએ. 

ગિફ્ટ સિટીને મ​લ્ટિ સર્વિસ એસઈઝેડ (સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોન)નો દરજ્જો આપવામાં આવ્યો છે. એની અંદર ઇન્ટરનૅશનલ ફાઇનૅન્શિયલ સર્વિસિસ સેન્ટર (આઇએફએસસી) ચલાવવામાં આવી રહ્યું છે. સરકારે આ પ્રોજેક્ટમાં સ્માર્ટ સિટી અને આંતરરાષ્ટ્રીય સ્તરના નાણાકીય સેવાઓના કેન્દ્રનો સમન્વય કર્યો છે. એને વૈશ્વિક સ્તરનું નાણાકીય સેવાઓનું કેન્દ્ર બનાવવાનો સરકારનો આશય છે. દેશની કંપનીઓ તથા નાણાકીય સંસ્થાઓની વિદેશમાં ખોલવામાં આવેલી શાખાઓ અને પેટા કંપનીઓ દ્વારા વિદેશની ધરતી પર થતા નાણાકીય વ્યવહારો સહેલાઈથી ભારતમાં કરવામાં આવે એવો ઉદ્દેશ્ય ગિફ્ટ સિટીની રચના પાછળ રાખવામાં આવ્યો છે. આ સિટીમાં અદ્યતન ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

ગિફ્ટ સિટીમાં ચાલતા ઇન્ટરનૅશનલ ફાઇનૅન્શિયલ સર્વિસિસ સેન્ટર (આઇએફએસસી)માં ૧૨૫ કરતાં વધુ લાઇસન્સ્ડ નાણાકીય સંસ્થાઓ કાર્યરત છે. એમને બૅન્કિંગ, ઇન્શ્યૉરન્સ અને કૅપિટલ માર્કેટને લગતી સેવાઓ-સુવિધાઓ આપવાની પરવાનગી આપવામાં આવી છે. આ કેન્દ્રને આંતરરાષ્ટ્રીય કહેવામાં આવે છે એનો અર્થ એ કે સરહદ પારના નાણાકીય વ્યવહારો અહીં ભારતીય રૂપિયામાં થઈ શકે છે. 

અત્યાર સુધી વિશ્વમાં લંડન અને સિંગાપોર એ બન્ને શહેરો વૈશ્વિક સ્તરનાં આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રો છે. હવે એ જ કક્ષાની સેવાઓ-સુવિધાઓ આઇએફએસસીમાં આપવાનું આયોજન છે. અહીં સ્થપાયેલી કંપનીઓ આંતરરાષ્ટ્રીય નાણાકીય બજારોમાં સહેલાઈથી કામ કરી શકે છે. 

ગિફ્ટ સિટીને એસઈઝેડનો દરજ્જો આપવામાં આવ્યો એનો અર્થ એ છે કે ત્યાં વિશેષ પ્રકારની ઉત્પાદન અને વેપારની પ્રવૃત્તિઓ કરવા માટે મંજૂરી આપવામાં આવેલી હોય છે.

એસઈઝેડમાંથી પૂરાં પાડવામાં આવતાં માલસામાન અને સર્વિસિસને એક્સપોર્ટ (નિકાસ) ગણવામાં આવે છે અને નિકાસને લગતી સવલતો એમને મળે છે. આ સવલતોમાં રજિસ્ટ્રેશન ફી અને સ્ટૅમ્પ ટ્યુટીનું એક્ઝૅમ્પ્શન તથા કરવેરાના લાભનો સમાવેશ થાય છે. 

આપણા વિષયને કરવેરાના લાભ સાથે વધારે સંબંધ છે. આથી આપણે અહીં પહેલાં એની વાત કરી લઈએ.

આઇએફએસસીમાંના યુનિટ્સને મળતા આવકવેરાના લાભઃ

૧૫ વર્ષના કાર્યકાળમાંથી ૧૦ વર્ષ સુધી ૧૦૦ ટકા ટૅક્સ એક્ઝૅમ્પ્શન

૧૫માંથી કોઈ પણ ૧૦ વર્ષ જાતે નક્કી કરવાની ફ્લૅક્સિબિલિટી

આઇએફએસસીમાં યુનિટ તરીકે સ્થપાયેલી કંપની/અન્યોને નફાના ૯ ટકાના દરે મિનિમમ ઑલ્ટરનેટ ટૅક્સ/ઑલ્ટરનેટ મિનિમમ ટૅક્સ લાગુ પડે છે. કરવેરાની નવી પદ્ધતિનો વિકલ્પ પસંદ કરનારી આઇએફએસસીમાંની કંપનીઓને મિનિમમ ઑલ્ટરનેટ ટૅક્સ લાગુ પડતો નથી

૧ એપ્રિલ, ૨૦૨૦ના રોજથી લાગુ થતી જોગવાઈ મુજબ આઇએફએસસીમાં કામ કરતી કંપનીએ શૅરધારકોને ચૂકવેલું ડિવિડન્ડ શૅરધારકોના હાથમાં જાય ત્યારે કરપાત્ર બને છે. 

આઇએફએસસીના યુનિટમાં રોકાણ કરનારા રોકાણકારો માટેની સવલતો આ પ્રમાણે છેઃ 

આઇએફએસસીના યુનિટને ધીરવામાં આવેલાં નાણાં કરપાત્ર નથી. આઇએફએસસી એક્સચેન્જોમાં લિસ્ટેડ લૉન્ગ ટર્મ બૉન્ડ અને રુપી ડિનોમિનેટેડ બૉન્ડને ૪ ટકાના દરે કર લાગે છે. 

ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (જીએસટી)ના લાભઃ

આઇએફએસસીમાંના યુનિટને પ્રાપ્ત કરવામાં આવેલી સર્વિસિસ માટે, આઇએફએસસી/એસઈઝેડ યુનિટ્સ, ઑફશોર ક્લાયન્ટ્સને આપવામાં આવેલી સર્વિસિસ માટે જીએસટી લાગુ થતો નથી.

ડોમેસ્ટિક ટૅરિફ એરિયાને પૂરી પાડવામાં આવેલી સર્વિસિસને જીએસટી લાગુ પડે છે. 

આઇએફએસસી એક્સચેન્જોમાં કરવામાં આવતા વ્યવહારોને જીએસટી લાગુ પડતો નથી. 

આ પણ વાંચો : આવકવેરા ધારાની કલમ ૮૦પીએનો લાભ કરદાતાઓ માટે ખૂબ જ લાભદાયક છે

અન્ય કરવેરા અને ડ્યુટી સંબંધિત જોગવાઈઃ

આઇએફએસસીમાંના યુનિટને લીઝ ભાડા, પ્રોવિડન્ટ ફન્ડના કન્ટ્રિબ્યુશન તથા વીજળીના ચાર્જિસ પર સરકારી સબસિડી મળે છે. 

આઇએફએસસી એક્સચેન્જો પર કરવામાં આવતા વ્યવહારોને સિક્યૉરિટી ટ્રાન્ઝેક્શન ટૅક્સ (એસટીટી), કૉમોડિટી ટ્રાન્ઝેક્શન ટૅક્સ (સીટીટી), સ્ટૅમ્પ ડ્યુટીમાંથી એક્ઝૅમ્પ્શન આપવામાં આવ્યું છે. 

કામકાજને લગતા લાભઃ

એસઈઝેડ ઍક્ટ હેઠળ આઇએફએસસીમાં સ્થપાયેલા યુનિટને ‘બિનરહીશ’ દરજ્જો આપવામાં આવ્યો છે. ફૉરેન એક્સચેન્જ મૅનેજમેન્ટ ઍક્ટ, ૨૦૦૨ (ફેમા)માંથી પણ આઇએફએસસીના યુનિટને એક્સચેન્જ કન્ટ્રોલ જોગવાઈઓ હેઠળ ‘બિનરહીશ’ તરીકેના લાભ આપવામાં આવ્યા છે. 

અહીં જણાવવું રહ્યું કે ફૉરેન એક્સચેન્જ મૅનેજમેન્ટ (ટ્રાન્સફર ઓર ઇશ્યુ ઑફ ઍની ફૉરેન સિક્યૉરિટી) રેગ્યુલેશન્સ, ૨૦૦૪ હેઠળ ભારતીય રહેવાસી ફાઇનૅન્શિયલ સર્વિસિસ ક્ષેત્રની વિદેશી કંપનીમાં રોકાણ કરી શકતી નથી, પરંતુ ગિફ્ટ સિટીમાં રોકાણ કરી શકાય એ માટે રિઝર્વ બૅન્કે ૧૨ મે, ૨૦૨૧ના રોજ બહાર પડાયેલા પરિપત્ર દ્વારા આઇએફએસસી સહિત વિદેશમાં સ્થપાયેલા ઑલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફન્ડમાં ભારતીય સંસ્થા પાસેથી સ્પૉન્સર કન્ટ્રિબ્યુશન લેવાની પરવાનગી આપી છે. 

ઉક્ત મુદ્દાઓને આધારે કહી શકાય કે ભારતને નાણાકીય સેવાઓના વૈશ્વિક કેન્દ્ર તરીકે સક્ષમ બનાવવામાં આઇએફએસસી ઉપયોગી ઠરશે. ગિફ્ટ સિટીમાં ઘણા આર્થિક લાભ છે અને એની રચના વિદેશી રોકાણકારો તથા સંસ્થાઓને આકર્ષે એ રીતની છે.

business news indian government ahmedabad