તમારું ઇમર્જન્સી ફન્ડ બની શકે છે માનસિક શાંતિ ફન્ડ

15 July, 2019 09:33 AM IST  |  મુંબઈ | વેલ્થ મૅનેજમેન્ટ - ખ્યાતિ મશરૂ

તમારું ઇમર્જન્સી ફન્ડ બની શકે છે માનસિક શાંતિ ફન્ડ

પર્સનલ ફાઇનૅન્સનું ક્ષેત્ર એવું છે જેમાં સતત કંઈક ને કંઈક નવું શીખવા મળતું હોય છે. તમે બજેટ બનાવવા લાગી જાઓ પછી ઘણી વાર તમને એવા ખર્ચ નજરે ચડશે જેના માટે તમારે જોગવાઈ કરી લેવી જોઈતી હતી. નિયમિત આવક અને ખર્ચનું બજેટ બનાવ્યા પછી અનેક વાર અણધાર્યા ખર્ચ આવી ચડતા હોય છે. આવા સમયે જો તમે તાકીદની સ્થિતિ માટે ઇમર્જન્સી ફન્ડની જોગવાઈ કરી રાખી હોય તો તમને કોઈ વાંધો આવતો નથી. ઇમર્જન્સી ફન્ડ વગર નાણાકીય આયોજનનો પ્રવાસ શરૂ કરવાનો અર્થ એવો થાય કે તમે મુકામ પર પહોંચવા અધીરા હો, પરંતુ માર્ગમાં આવનારા ખર્ચ કરવા માટે વૉલેટ લેવાનું ભૂલી ગયા હો. 

ઇમર્જન્સી ફન્ડ રાખેલું હોય તો ઓચિંતાના ખર્ચને પહોંચી વળવાનું શક્ય બને છે અને તે પરિવાર અણધારી મુશ્કેલીઓથી બચી શકે છે.
નાણાકીય પિરામિડના પાયામાં ઇમર્જન્સી ફન્ડનો સમાવેશ થાય છે. ઓચિંતા જ કારનું કે ઘરનું રિપેરિંગ કરાવવું પડે, બિલ્ડિંગ રિપેરિંગ ફન્ડ માટે મોટી રકમ ભરવાની આવે, બહારગામ ગયા હોઈએ અને કોઈ મોટો ખર્ચ આવી પડે વગેરે સ્થિતિમાં ઇમર્જન્સી ફન્ડ ઉપયોગી થાય છે. નોકરી ગુમાવવી પડે એ ઘટના પણ મોટાભાગે અણધારી જ હોય છે.

તાકીદની સ્થિતિ માટેનું આ ભંડોળ અલગથી રાખી મૂક્યું હોય તો કરજ લેવાની જરૂર પડતી નથી. વળી, બીજાં નાણાકીય લક્ષ્યો સાથે પણ બાંધછોડ કરવાની જરૂર પડતી નથી. બીજાં નાણાકીય લક્ષ્યોમાં ઘરની ખરીદી, સંતાનોનું શિક્ષણ કે સંતાનોનાં લગ્ન વગેરેનો સમાવેશ થતો હોય છે.

સામાન્ય રીતે કયા પ્રકારના અણધાર્યા ખર્ચ આવી શકે છે એનો વિચાર કરીને રકમ અલાયદી રાખી શકાય છે. ઇમર્જન્સી ફન્ડ કાઢવું પડે ત્યારે બીજાં નાણાકીય લક્ષ્યો સુધી પહોંચવાની ગતિ ધીમી પડી જાય છે, પરંતુ લક્ષ્ય સાવ ચૂકી જવાય એવું બનતું અટકી જાય છે. એક રીતે જોવા જઈએ તો ઇમર્જન્સી ફન્ડ બચતનું પણ રક્ષણ કરે છે.

સામાન્ય રીતે તબીબી ખર્ચ પૂરા કરવા માટે મેડિક્લેમ હોય છે, પરંતુ ક્યારેક એના કવરેજ કરતાં પણ વધારે ખર્ચ આવી જાય ત્યારે ઇમર્જન્સી ફન્ડ કામે લાગે છે. જો એ ફન્ડ ન હોય તો ઘણી મુશ્કેલી ઊભી થઈ શકે છે. ક્યારેક પોતાના માટે કે પરિવારજનો માટે કપાતા પગારે રજા લેવી પડે એવું પણ બને. આવામાં પણ ઇમર્જન્સી ફન્ડ કપરા સમયનો સામનો કરવામાં ઉપયોગી થાય છે.
અહીં ખાસ જણાવવું રહ્યું કે અણધાર્યા ખર્ચ આવે ત્યારે એની નોંધ કરી લેવી અને ભવિષ્ય માટે ફરીથી ઇમર્જન્સી ફન્ડની જોગવાઈ કરતી વખતે એને ગણતરીમાં લેવા.

આ પણ વાંચોઃ સ્ટાર્ટઅપ્સનું વૅલ્યુએશન : આર્ટ અને સાયન્સનું કૉમ્બિનેશન

ઇમર્જન્સી ફન્ડ ફક્ત આર્થિક રક્ષણ માટે નહીં, માનસિક રક્ષણ માટે પણ અસરકારક સાબિત થાય છે, કારણ કે ઘણા આકસ્મિક ખર્ચની સાથે-સાથે માનસિક તાણ પણ સર્જાતી હોય છે. ઘણા ખર્ચને પગલે એક પ્રકારની ભીતિ પણ મનમાં જાગતી હોય છે. આથી ઇમર્જન્સી સેવિંગ્સ ફન્ડનો ઉપયોગ કરીને ચિંતામુક્ત થવું. આ દૃષ્ટિએ જોઈએ તો ઇમર્જન્સી ફન્ડ માનસિક શાંતિ ફન્ડ પણ બને છે.
khyati@plantrich.in

business news