અર્થતંત્રના સુધારાનો અને બજારની લાંબા ગાળાની તેજીનો નવો દોર શરૂ થશે

27 May, 2019 12:15 PM IST  |  | શૅરબજારની સાદીવાત - જયેશ ચિતલિયા

અર્થતંત્રના સુધારાનો અને બજારની લાંબા ગાળાની તેજીનો નવો દોર શરૂ થશે

શૅર્સ

આવશે તો મોદી જ! એવા આશાવાદ સાથે રવિવારની સાંજથી એક્ઝિટ પોલની શરૂઆત થઈ અને આ પોલના સંકેતો મહત્તમ મોદી સરકારની વાપસી અને તે પણ જંગી બહુમતીથી આવવાના રહેતાં ગયા સોમવારે બજાર મોટા પૉઝિટિવ ગૅપથી જ ખૂલશે એવી ધારણા બંધાઈ હતી અને એ જ થયું, સેન્સેક્સ ગૅપથી ખૂલી સતત વધતો રહી અંતમાં ૧૪૨૨ પૉઇન્ટ અને નિફટી ૪૨૧ પૉઇન્ટ ઊંચા મથાળે બંધ રહ્યા હતા. બૅન્ક નિફટી પણ ૧૩૦૦ પૉઇન્ટ જેવો ઊંચો બંધ રહ્યો હતો. બજારમાં ચારેકોર પૉઝિટિવ વાઇબ્રેશન ફેલાઈ ગયાં હતાં. માર્કેટ બ્રેડ્થ ઘણા દિવસો બાદ મજબૂત પૉઝિટિવ રહી હતી. ૨૦૦૯ બાદ એક જ દિવસમાં આટલો મોટો ઉછાળો નોંધાયો હતો. સોમવારના આ એક જ દિવસના ઉછાળામાં રોકાણકારોની મૂડીમાં સવાપાંચ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો હતો.

બીજા દિવસે યે તો હોના હી થાની જેમ ઘટાડો આવ્યો હતો. જોકે સોમવારનો ૧૪૨૨ પૉઇન્ટનો રેકૉર્ડ ઉછાળો મંગળવારે માત્ર ૩૮૩ પૉઇન્ટના કરેક્શન સાથે પૂરો થયો હતો. નિફટી ૧૧૯ પૉઇન્ટ માઇનસ થયો હતો. એક્ઝિટ પોલના ઉત્સાહને કારણે માત્ર સેન્ટિમેન્ટને આધારે બજાર વધ્યું હોવાનું જાહેર હતું. મોદી સરકાર આવશે તો જ સ્થિર સરકાર બની શકશે એવી માન્યતા દૃઢ બની ગઈ હોવાનું કારણ પણ આ ઉછાળા માટે જવાબદાર હતું. બુધવારે બજારે ફરી રિકવરીની દિશા પકડી હતી. મંગળવારના કરેક્શન બાદ બુધવારે સેન્સેક્સ ૧૪૦ પૉઇન્ટ પ્લસ અને નિફટી ૨૯ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. માર્કેટ બ્રેડ્થ પણ પૉઝિટિવ રહી હતી. ગુરુવારે (બીજા દિવસે) ચૂંટણીનું આખરી પરિણામ જાહેર થવાનું હોવાથી સાવચેતીનું માનસ પણ હતું.

૪૦,૦૦૦ અને ૧૨,૦૦૦નો રેકૉર્ડ

આ સાવચેતીનું માનસ ગુરુવાર સવારે બજાર ખૂલતાંની સાથે જ ઉત્સાહમાં ફેરવાઈ ગયુ ંહતું. સેન્સેક્સે ૪૦,૦૦૦ની અને નિફટીએ ૧૨,૦૦૦ની વિક્રમી સપાટી વટાવી દીધી હતી. યાદ રહે, આ તમામ ઉછાળા સેન્ટિમેન્ટને આધારે હતા, તેથી સેન્સેક્સ ૭૦૦ પૉઇન્ટથી વધુ ઉપર ગયા બાદ બજાર બંધ થતાં પહેલાં તેમાં કરેક્શન શરૂ થઈ ગયું હતું અને અંતે સેન્સેક્સ ૨૯૮ પૉઇન્ટ નીચે બંધ રહ્યો અને નિફટી ૮૦ પૉઇન્ટ માઈનસ બંધ રહ્યો હતો. મોદી સરકારની જીત પાક્કી મનાતી હતી, પણ આટલો વિક્રમી વિજય થશે તે વિશે થોડી શંકા પ્રવર્તતી હતી, તેથી જ એક્ઝિટ પોલ બાદ ૧૪૦૦ પૉઇન્ટ ઊછળેલા બજારે બીજા દિવસે કરેક્શન આપી દીધું હતું, જ્યારે કે વાસ્તવિક પરિણામના દિવસે બપોર સુધીમાં ૭૦૦ પૉઇન્ટ ઊછળેલા બજારે અંતમાં ૧૦૦૦ પૉઇન્ટની વધઘટ સાથે સમાન દિવસે જ કરેક્શન આપી દીધું હતું. અર્થાત્ ચૂંટણીના અને પરિણામના વૉલેટિલિટીના દિવસો પૂરા થયા.

સંગીન જીતની સંગીન અસર ચાલુ રહી

શુક્રવારે બજારે ફરી તેજીનો કરન્ટ દર્શાવ્યો હતો, મોદી સરકારની સંગીન બહુમતીવાળી જીતની પૉઝિટિવ અસર ચાલુ રહી હતી, આમ તો પરિણામના દિવસે ગુરુવારે સેન્સેક્સ ૪૦,૦૦૦ની ઐતિહાસિક સપાટી વટાવીને પછીથી પાછો ફરી નીચે બંધ આવ્યો હતો, જેનું કારણ પ્રૉફિટ-બુકિંગ હતું. શુક્રવારે આ પ્રૉફિટ-બુકિંગ ચાલુ રહેવાની ધારણાને બદલે સેન્સેક્સે ૬૨૩ પૉઇન્ટનો ઉછાળો લગાવ્યો હતો. નિફટી ૧૮૭ પૉઇન્ટ પ્લસ બંધ થયો હતો. તેમ છતાં આગલા દિવસે ૪૦,૦૦૦નું લેવલ વટાવનાર સેન્સેક્સ હવે ૪૦ હજારની નીચે અને ગુરુવારે ૧૨,૦૦૦નું લેવલ વટાવનાર નિફટી શુક્રવારે ૧૨૦૦૦ નીચે બંધ રહ્યા હતા.

ગ્લોબલ ઇન્વેસ્ટરોનો પ્રવાહ વધશે

મોદી સરકારની નવી પાંચ વરસની ટર્મ અર્થતંત્ર માટે દુરગામી અસર કરનારી હશે, જે ઇન્વેસ્ટરો આ સત્યને સમજી શકશે તે સ્માર્ટ ઇન્વેસ્ટર બની શકશે. સાદું ગણિત એ છે કે મોદીની સરકાર જંગી બહુમતીવાળી છે, તેની પૉલિસીઓની મક્કમતા ચાલુ રહેવાની છે. તેના આર્થિક સુધારાને હવે પછી વધુ વેગ મળી શકશે. ખાસ કરીને મજબૂત, સ્થિર અને સુધારાલક્ષી સરકાર પસંદ કરતા ગ્લોબલ ઇન્વેસ્ટરોનો રોકાણપ્રવાહ આગામી સમયમાં આવતો રહેશે એ વાતે શંકાની જરૂર રહેતી નથી. આ પ્રવાહ દેશના વિકાસમાં અને બજારના સુધારામાં મોટી ભૂમિકા ભજવશે. તેથી જ લાંબા ગાળા માટે ઇક્વિટી કે પછી મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં રોકાણ કરવાની નવેસરથી તૈયારી કરવી જોઈએ. દરેક કરેક્શનમાં થોડા થોડા શૅર જમા કરતાં રહેવામાં શાણપણ.

હવે મિડ-કૅપ અને સ્મૉલ-કૅપ સ્ટૉક્સનો વારો

ગ્લોબલ નાણાસંસ્થા મૉર્ગન સ્ટેન્લીએ મોદી સરકાર ફરી સત્તા પર આવતાં સેન્સેક્સ છ મહિનામાં ૪૫,૦૦૦ પહોંચવાની ધારણા મૂકી છે. જોકે બજારનું વૅલ્યુએશન ઑલરેડી ઊંચું થઈ ગયું છે, જ્યારે કે તેજીનાં મુખ્ય પરિબળો ડિસ્કાઉન્ટ થઈ ગયાં હોવાથી હવે ઊંચા ભાવે ખરીદી કરવાને બદલે કરેક્શનની રાહ જોવામાં સાર છે. આગામી દિવસોમાં બજાર વધવા કરતાં ઘટવાની શક્યતા ઊંચી છે. જોકે મિડ-કૅપ અને સ્મૉલ-કૅપના સિલેક્ટિવ સ્ટૉક્સમાં લેવાલી વધતી રહે તો નવાઈ નહીં. આ સ્ટૉક્સમાં છેલ્લા દોઢેક વરસમાં જબ્બર ધોવાણ થયું છે, જેથી હવે પછી વધવાનો વારો તેમનો હોઈ શકે. બાકી ઇન્ડેક્સ સ્ટોક્સમાં ભાવ ઊંચા થઈ ગયા છે. આ ઊંચા ભાવે પ્રવેશવામાં જોખમ ખરુ. ઇન શૉર્ટ, આ ઉછાળામાં પ્રૉફિટ બુક કરી લેવામાં સાર છે.

જીત બાદ સરકાર-બજાર સામે પડકાર

ભારતીય અર્થતંત્ર અને બજાર સામે સૌથી મોટા પડકાર નૉન-બૅન્કિગ ફાઇનૅન્સ કંપનીઓ (એનબીએફસી)ની પ્રવાહિતાની કટોકટીનો છે. આઇએેલએફએસ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ ઍન્ડ ફાઇનૅન્શિયલ સર્વિસિસ)ના કૌભાંડ પ્રકરણ બાદ આ ફાઇનૅન્શિયલ સેક્ટરની દશા બેસતી ગઈ અને હવે તો તેમાં સબ-પ્રાઇમ જેવી કટોકટી નજીક હોવાનું ચર્ચાય છે. આ ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડસની કેટલીક ડેટ સ્કીમ્સ તેમ જ ફિકસ્ડ મૅચ્યુરિટી પ્લાન (એફએમપી)ની ડામાડોળ સ્થિતિએ પણ ચિંતા વધારી છે. આ ફંડ્સે કે સ્કીમે ખોટા રોકાણ કરીને એક અવિશ્વાસનું વાતાવરણ સર્જી‍ દીધું છે. અત્યારે તો નિયમનકાર સેબીએ આ વિષયમાં સંબંધિત પાર્ટીઓને-હસ્તીઓને નોટિસ મોકલીને તપાસની કાર્યવાહી શરૂ કરી છે. ક્રૂડના ભાવ વધે નહીં એ પણ ભારત સરકાર માટે મહત્વનું છે, જો એ વધે તો ડૉલર સામે રૂપિયો નબળો પડી શકે. યુએસ-ચીન ટ્રેડવૉર હજી ચાલુ છે, જેની અસરથી ભારત મુક્ત રહી શકશે નહીં. સવાલ માત્ર ભારત આનો લાભ લઈ શકે છે કે કેમ એ જોવાનું રહેશે.

હવે જીડીપી અને જૂનમાં રેટકટ પર નજર

ભારતનો ગ્રોથ માત્ર દસ કરોડ મધ્યમ વર્ગના આધારે હોવાનું જણાવતાં અર્થશાસ્ત્રીઓના મત મુજબ ભારતીય ઈકૉનૉમી ખરા અર્થમાં ફાસ્ટેસ્ટ નથી, બલકે ચીન ધીમું પડ્યું હોવાથી ભારત ફાસ્ટ જણાય છે. ભારતે નિકાસ પર જોર આપવાની તાતી જરૂર છે. સરકારનું હવે પછીનું ફોક્સ ખાનગી ક્ષેત્રનું રોકાણ વધે એ માટેનું હોવું જોઈશે. હવેના સપ્તાહમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટસ (જીડીપી)ના ડેટા જાહેર થવાના છે, જે નીચા રહેવાની શક્યતા છે. રિઝર્વ બૅન્કે હવે સરકારને ગ્રોથ માટે સહયોગ આપવા સક્રિય બનવું પડશે, કેમ કે ફુગાવો એકંદરે અંકુશમાં છે. જૂનમાં રિઝર્વ બૅન્ક ફરી એક વાર પા (૦.૨૫ ટકા) ટકાના વ્યાજદરના કાપની જાહેરાત કરે એવી શક્યતા છે. આમ થશે તો એ માર્કેટ માટે પૉઝિટિવ પરિબળ બનશે.

આ પણ વાંચો : વેન્ચર ઇન્વેસ્ટિંગ માટે હાઈ ક્વૉલિટી ડીલ કઈ રીતે નક્કી કરવી : સંજય મહેતા

બજેટ જુલાઈમાં શું લાવી શકે?

નવી સરકારનું પ્રથમ મહત્વનું આર્થિક કાર્ય જુલાઈમાં બજેટ આપવાનું રહેશે. નાણાં મંત્રાલયે જુલાઈમાં બજેટ રજૂ કરી શકાય એ માટેની તૈયારી શરૂ કરી દીધી છે, જેમાં ખાસ કરીને સીધા વેરામાં ફેરફારની અપેક્ષા છે. જીએસટીના માળખામાં પણ સુધારાની ધારણા મુકાઈ રહી છે. તેમ જ કૃષિ ક્ષેત્ર અને લઘુ-મધ્યમ ક્ષેત્ર માટે તથા નોકરીના સર્જન પર ભાર મૂકતાં કદમ હોવાની શક્યતા ઊંચી છે. અલબત્ત, ખાનગી રોકાણ વધે એવી વ્યૂહરચના પણ એ બજેટનું મહત્વનું પાસું બની શકે.

business news