RBI અનામત મામલો : જાલન પૅનલની પહેલી બેઠક મળી

09 January, 2019 07:56 AM IST  | 

RBI અનામત મામલો : જાલન પૅનલની પહેલી બેઠક મળી

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા

રિઝર્વ બૅન્ક પાસે કેટલી અનામત રાખવામાં આવવી જોઈએ અને સરકારને કેટલું ડિવિડન્ડ આપવું જોઈએ એ મુદ્દાની ચકાસણી કરનારી ભૂતપૂર્વ ગવર્નર બિમલ જાલનની આગેવાની હેઠળની ઉચ્ચ સ્તરીય પૅનલની પહેલી બેઠક મંગળવારે યોજાઈ હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે છ સભ્યોની આ પૅનલ આગામી એપ્રિલમાં એનો રિપોર્ટ રજૂ કરે એવી શક્યતા છે.

વૈશ્વિક સ્તરે કેન્દ્રીય બૅન્કોની જોખમ નિવારણ માટેની અનામત કેટલી હોય છે એ પ્રશ્નનો અભ્યાસ છ સભ્યોની આ સમિતિ કરવાની છે.

ભૂતપૂર્વ આર્થિક બાબતોના સચિવ રાકેશ મોહનને એના વાઇસ ચૅરમૅન બનાવાયા છે. સમિતિ કેન્દ્ર સરકારને આપવાના ડિવિડન્ડ બાબતે પણ ભલામણ કરશે.

રિઝર્વ બૅન્ક પાસેની ૯.૬ લાખ કરોડ રૂપિયાની વધારાની મૂડી સંબંધે અગાઉના ગવર્નર ડૉ. ઉર્જિત આર. પટેલ અને સરકાર વચ્ચે વાદ સર્જા‍યો હતો.

નાણામંત્રાલયનું માનવું છે કે રિઝર્વ બૅન્ક પાસે કુલ ઍસેટ્સના ૨૮ ટકા જેટલી વધારાની રકમ છે, જ્યારે વૈશ્વિક સ્તરે સામાન્ય રીતે આ પ્રમાણ ૧૪ ટકા જેટલું હોય છે. આ બાબતને અનુલક્ષીને કેન્દ્રીય બૅન્કે ઉક્ત સમિતિની રચના કરવાનો નિર્ણય ૨૦૧૮ની ૧૯ નવેમ્બરે લીધો હતો.

સમિતિમાં આર્થિક બાબતોના સચિવ સુભાષચંદ્ર ગર્ગ અને રિઝર્વ બૅન્કના બે સભ્યો ભરત દોશી અને સુધીર માંકડનો પણ સમાવેશ થાય છે. રિઝર્વ બૅન્કના ડેપ્યુટી ગવર્નર એન. એસ. વિશ્વનાથન સમિતિના છઠ્ઠા સભ્ય છે.

રિઝર્વ બૅન્કની અનામતનું આદર્શ કદ કેટલું હોવું જોઈએ એ મુદ્દે ભૂતકાળમાં ત્રણ સમિતિઓ તપાસ કરી ચૂકી છે. એમાં વી. સુબ્રમણ્યમ (૧૯૯૭), ઉષા થોરાત (૨૦૦૪) અને વાય. એચ. માલેગામ (૨૦૧૩)ના વડપણ હેઠળ આ સમિતિઓએ કામ કર્યું હતું.

સુબ્રમણ્યમ સમિતિએ ભલામણ કરી હતી કે કટોકટી અનામત ૧૨ ટકા સુધી રાખવી જોઈએ. થોરાત સમિતિએ જણાવ્યું હતું કે અનામતનું પ્રમાણ કુલ ઍસેટ્સના ૧૮ ટકા હોવી જોઈએ. રિઝર્વ બૅન્કના બોર્ડે થોરાત સમિતિનું સૂચન સ્વીકાર્યું નહોતું. એણે સુબ્રમણ્યમ પૅનલની ભલામણ સાથે આગળ વધવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો : ગુરુવારની GST કાઉન્સિલની બેઠકમાં ચર્ચા: નાના વર્ગને મોટી રાહત

માલેગામ સમિતિએ ભલામણ કરી હતી કે દરેક વર્ષે પૂરતા પ્રમાણમાં નફો તાકીદની અનામતમાં ટ્રાન્સફર કરવો જોઈએ.

reserve bank of india news