મંદી ખરેખર વકરી છે? ઑક્ટોબરમાં વીજળીની માગમાં ૧૨ વર્ષનો સૌથી મોટો ઘટાડો

12 November, 2019 01:00 PM IST  |  Mumbai

મંદી ખરેખર વકરી છે? ઑક્ટોબરમાં વીજળીની માગમાં ૧૨ વર્ષનો સૌથી મોટો ઘટાડો

વિશ્વમાં સૌથી વધુ ઝડપે વિકસી રહેલા ભારતીય અર્થતંત્ર માટે નબળા આર્થિક વિકાસના સંકેત સતત આવી રહ્યા છે. આઠ વર્ષમાં સૌથી નીચા ઔદ્યોગિક ઉત્પાદન બાદ દેશમાં વીજળીની માગ ઑક્ટોબરમાં ૧૩.૨ ટકાના દરે ઘટી હોવાનું સામે આવ્યું છે. છેલ્લાં ૧૨ વર્ષમાં વીજળીની માગમાં માસિક ધોરણે જોવા મળેલો આ સૌથી મોટો ઘટાડો છે. ૬ વર્ષના આર્થિક વિકાસદરના નબળા આંકડા પછી સપ્ટેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદન સંકોચાઈ ૪.૩ ટકા આવ્યા બાદ ૨૦૨૪ સુધીમાં પાંચ લાખ કરોડ ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાનું સપનું જોતા નીતિઘડવૈયા માટે વીજળીની માગ ઘટવી એ એક વધુ પડકાર છે.


રાજ્યના અર્થતંત્રમાં કૃષિ કરતાં ઉદ્યોગોનું વધારે મહત્ત્વ ધરાવતા ગુજરાત અને મહરાષ્ટ્રમાં વીજળીની માગમાં વધારે ઘટાડો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં વીજળીની માગ ૨૨.૪ ટકા અને ગુજરાતમાં ૧૮.૮ ટકા ઘટી હોવાનું સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઑથોરિટીના મન્થ્લી રિવ્યુમાં જાણવા મળ્યું છે.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

ઉત્તર અને પૂર્વનાં ચાર રાજ્યો સિવાય દેશના દરેક ક્ષેત્રમાં માગ ઘટી હોવાનું આ અહેવાલમાં જાણવા મળ્યું છે. ઘરેલુ વીજવપરાશમાં વધારે હિસ્સો ધરાવતા હોય એવાં રાજ્યોમાં ઉત્તર પ્રદેશમાં માગ ૮.૩ ટકા અને મધ્ય પ્રદેશમાં લગભગ ૨૪ ટકા જેટલી ઘટી હોવાનું આંકડા જણાવે છે.

business news