આઇફોનનું ઉત્પાદન ચીનના બદલે ભારતમાં ખસેડવા અંગે વિચારણા

20 June, 2019 10:57 AM IST  | 

આઇફોનનું ઉત્પાદન ચીનના બદલે ભારતમાં ખસેડવા અંગે વિચારણા

ફાઈલ ફોટો

અમેરિકા સાથે ટ્રેડવૉરના કારણે ફોન ઉપર ટેરિફ વધી શકે છે એવી દહેશતથી આઇફોનના ઉત્પાદક ઍપલ દ્વારા ચીનથી ૧૫થી ૩૦ ટકા ઉત્પાદનક્ષમતા અન્યત્ર ખસેડવા માટે અભ્યાસ શરૂ કર્યો છે. જપાનના નિક્કેઈ એશિયન રિવ્યુના અહેવાલ અનુસાર દક્ષિણ પૂર્વ એશિયામાં ભારત, વિયેતનામ, ઇન્ડોનેશિયા, મલેશિયા અને અમેરિકા નજીક મૅક્સિકોમાં ઉત્પાદન ખસેડવા અંગે વિચારણા શરૂ કરવામાં આવી છે.

ઉત્પાદનક્ષમતા ખસેડવા માટે સૌથી મોટો આધાર ખર્ચ છે. ઍપલનાં સૂત્રો અનુસાર અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉરની સમસ્યાનો ઉકેલ આવે તો પણ હવે કંપની વધારે જોખમ ઉઠાવ્યા વગર જ અન્યત્ર નજર દોડાવી રહી છે. છેલ્લા ઘણા દાયકાઓથી આઇફોન અને કંપનીની અન્ય પ્રોડક્ટનું ઉત્પાદન માત્ર ચીન આધારિત બની ગયું છે અને કંપની આ જોખમ દૂર કરવાનો પ્રયત્ન કરી રહી છે.

છેલ્લા બે દાયકાથી ચીનમાં ઍપલનું ઉત્પાદન ચાલુ છે. કંપની અહીં લગભગ ૫૦ લાખ લોકોની રોજીરોટીનું સાધન બની છે, જેમાં ૧૮ લાખ સૉફ્ટવેર અને ઍપ ડેવલપર છે. કંપની પોતે ૧૦,૦૦૦ લોકોને અહીં નોકરી આપે છે. 

આ પણ વાંચો: શરૂઆતના કારોબારમાં શૅર બજારમાં મંદીનો માહોલ, નિફ્ટી 11,700 નીચે

જોકે, ઍપલ સાથે માલ પૂરો પાડવામાં સંકળાયેલા લોકો માને છે કે બહુ જલદી ઉત્પાદન અન્યત્ર ખસેડવું શક્ય નથી. આ માટે સમય લાગી શકે છે અને બધું થાય તો પણ ચીન ઍપલ માટે સૌથી મોટું ઉત્પાદન કેન્દ્ર બની રહેશે. ઍપલના આઇફોનનું ઉત્પાદન ભારતમાં ૨૦૧૭થી થાય છે અને ફોક્સ્કોમ પણ આ વર્ષથી અહીં ઉત્પાદન કરવાની છે, આમ છતાં ભારતમાં વેચાતા ૯૦ ટકા ફોન હજુ પણ ચીનથી જ આવી રહ્યા છે. 

business news apple gujarati mid-day