વેન્ચર ઇન્વેસ્ટિંગ: સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ કરી આવક રળવાની નવી દિશા

20 May, 2019 11:49 AM IST  |  મુંબઈ | ઇન્વેસ્ટમેન્ટ એક સાહસ - સંજય મહેતા

વેન્ચર ઇન્વેસ્ટિંગ: સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ કરી આવક રળવાની નવી દિશા

રોકાણ

રોકાણ માટે માત્ર શૅરબજાર જેવી પરંપરાગત ચૅનલો સિવાયની પણ નવી દિશાઓ હવે ખૂલી રહી છે અને આમાં એકનું નામ છે વેન્ચર ઇન્વેસ્ટિંગ. શું છે વેન્ચર ઇન્વેસ્ટિંગ? સ્ટાર્ટ-અપ્સ કે નવા સાહસોમાં ગણતરીપૂર્વકનું જોખમ લઈને કરાયેલા રોકાણ વેન્ચર ઇન્વેસ્ટિંગ કહેવાય. જોકે સામાન્ય વાચકને એવો સવાલ જરૂર થાય કે વેન્ચર ઇન્વેસ્ટિંગમાં કઈ રીતે નફાકારક રોકાણ કરી શકાય, તો એના માટેની ટિપ્સ આપશે એન્જલ ઇન્વેસ્ટર સંજય મહેતા. છેલ્લાં સાત વર્ષમાં ભારત અને વિદેશમાં ૧૦૩ સ્ટાર્ટ-અપ્સમાં સફળતાપૂર્વક ઇન્વેસ્ટમેન્ટ કરનાર સંજય મહેતા કહે છે કે વેન્ટર ઇન્વેસ્ટિંગમાં સારું વળતર મેળવવાની વિપુલ તકો છે, માત્ર જરૂર છે સમજી-વિચારીને રોકાણ કરવાની.

વેન્ચર ઇન્વેસ્ટિંગ શું છે

એવા ઘણા સાહસિકો હોય છે જે નવા અને ગ્રેટ આઇડિયા સાથે બિઝનેસ કરવા માગતા હોય છે, પણ એમની પાસે એ ધંધો ચાલુ કરવા માટે રોકાણનો અભાવ હોય છે. નવા સાહસ-સ્ટાર્ટ અપ શરૂ કરવા માટે પૂરતી મૂડી નથી હોતી. તેમને રેગ્યુલર કેપિટલ માર્કેટ કે બૅન્કમાંથી એ માટે નાણાં નથી મળતા. એથી તેઓ પરિવાર અને મિત્રો પાસેથી કે તેમના એ નવા આઇડિયાના સાહસમાં રોકાણ કરી શકે એના ફન્ડ્સ પાસેથી નાણાંનું રોકાણ મેળવવા પ્રયાસ કરે છે.

વેન્ચર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટના બે પ્રકાર હોય છે

વ્યક્તિગત : આ એવા એન્જલ ઇન્વેસ્ટર છે જે વ્યક્તિગત પરિવાર-મિત્રો દ્વારા રોકાણ કરતા હોય છે.

વેન્ચર ફન્ડસ : રોકાણકારોનું ગ્રુપ કે સંસ્થા જે તેમના સાહસમાં ઇન્વેસ્ટ કરે.

વેન્ચર કેપિટલના ચાર તબક્કા હોય છે

આઇડિયા

સ્ટાર્ટઅપ

સ્કેલઅપ

ઍક્ઝિટ

વેન્ચર કેપિટલ ફર્મના પણ ચાર તબક્કા હોય છે

૧. પરિવાર અને મિત્રો------- (૦થી ૨૫ લાખ સુધીનું રોકાણ કરે)

૨. એન્જલ ઇન્વેસ્ટર--------- (૧-૨ કરોડ સુધીનું રોકાણ કરે)

૩. વેન્ચર ફન્ડસ-માઇક્રો----- (૩થી ૫ કરોડનું રોકાણ કરે)

૪. વેન્ચર કેપિટાલિસ્ટ------- (જે ૧, ૨, ૩ અને ૪નું તબક્કાવાર જરૂરિયાત વધે તેમ રોકાણ કરે)

૫. મોટું રોકાણ કરતી કંપનીઓ જે કંપનીનો આઈપીઓ લાવતા પહેલાં રોકાણ કરે.

સામાન્યપણે જે રીતે શૅરબજારમાં શૅરની લે-વેચ થાય છે એ રીતે વેન્ચર કેપિટલમાં નથી થતું હોતું, પણ જે રોકાણકારો સમજીને રોકાણ કરે છે તેઓ તેમાં ઊંચું વળતર મેળવે છે.

વેન્ચર ઇન્વેસ્ટિંગમાં બે પ્રકારે રોકાણ કરાતું હોય છે

ડાયરેક્ટ ઇન્વેસ્ટિંગ: જેમાં સાહસ કરનાર વ્યક્તિ સાથે એન્જલ ઇન્વેસ્ટર કે પછી રોકાણ કરનાર મિત્ર પરિવાર સીધા જોડાયેલા હોય.

પુલ ઑફ કેપિટલ: જેમાં રોકાણકારો એક ચોક્કસ રકમ ભેગી કરી ફન્ડ મૅનેજરને તેમના વતી ઇન્વેસ્ટ કરવા આપે છે. આ પ્રકારના રોકાણને વેન્ચર કેપિટલ ફન્ડ કહેવાય છે.

વેન્ચર કેપિટલ ફન્ડમાં બે ભાગીદાર હોય છે એક લિમિટેડ પાર્ટનર અને બીજા જનરલ પાર્ટનર. લિમિટેડ પાર્ટનર માત્ર રોકાણ માટેનાં નાણાં આપે છે જ્યારે જનરલ પાર્ટનર એ નાણાં ક્યાં અને કેટલા પ્રમાણમાં રોકવા તે નક્કી કરે છે અને તે નાણાંનો તેમના વતી વ્યવહાર કરે છે.

વેન્ચર કેપિટલ એ લાંબા ગાળાનું રોકાણ નથી હોતું. રોકાણકારો ટૂંકા ગાળામાં ઊંચા વળતરની આશા રાખતા હોય છે અને એથી જેવું તેમને વળતર મળે એટલે તેમનો શૅર અન્ય રોકાણકાર કે સંસ્થાને વેચી ઍકિઝટ કરી જતા હોય છે.

આ પણ વાંચો : નાટકના સાત અંક જેવા ઐતિહાસિક ચૂંટણીના સાત રાઉન્ડ સમાપ્ત

આમ આ વખતે આપણે જોયું કે વેન્ચર ઇન્વેસ્ટિંગ શું હોય. હવે પછી આપણે ક્યા વેન્ચર કેપિટલ રોકાણ કરવાયોગ્ય હોય તેની છણાવટ કરીશું.

business news