નાટકના સાત અંક જેવા ઐતિહાસિક ચૂંટણીના સાત રાઉન્ડ સમાપ્ત

Published: May 20, 2019, 11:43 IST | અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી

અનેક સંભાવનાઓ વચ્ચે સરકાર કોની હશે એના પર વિશ્વની અને દેશવાસીઓની મીટ મંડાયેલી છે

વોટિંગ
વોટિંગ

ગઈ કાલે પૂરા થયેલા ૫૯ બેઠકો માટેના છેલ્લા અને સાતમા રાઉન્ડ સાથે ૧૭મી લોકસભાની ૫૪૩ બેઠકો માટેની ચૂંટણીઓ સમાપ્ત થઈ છે. આ સાથે વિશ્વની સૌથી મોટી લોકશાહીના એક એકથી ચડે એવા સાત અંકના લાંબા નાટક પર પડદો પડી ગયો છે. આખા દેશ અને વિશ્વની નજર મેની ૨૩મીએ જાહેર કરાનારાં પરિણામો પર છે. લોટરીની ટિકિટ લીધી અંદાજે દસેક હજાર ઉમેદવારોએ. એમાંથી જીતનું ઇનામ લાગશે ૫૪૩ને. હારનારમાંથી કેટલાય ઉમેદવારો ડિપોઝિટ પણ ગુમાવશે. અપક્ષ સિવાયના બધા ઉમેદવારોની પસંદગી રાજકીય પક્ષોએ કરી હોય છે એટલે જીતીને લોકસભામાં જનારા સભ્યો પ્રજા કરતાં વધારે જે-તે પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે.

છઠ્ઠા રાઉન્ડની ૫૯ બેઠકોમાંથી ૪૪ બેઠકો બીજેપી પાસે છે અને માત્ર બે બેઠકો કૉંગ્રેસ પાસે. એટલે આગળના મોટા ભાગના રાઉન્ડની જેમ જ બીજેપીને પક્ષે મેળવવા કરતાં ગુમાવવાનું વધારે આવે અને કૉંગ્રેસને પક્ષે ગુમાવવા કરતાં મેળવવાનું વધારે આવે એ સ્વાભાવિક ગણાય. બીજેપી પશ્ચિમ બંગાળમાં ફાયદો થવાની અપેક્ષા રાખી શકે તો કૉંગ્રેસ મોટા ભાગનાં રાજ્યોમાં, ખાસ કરીને ઝારખંડ, મધ્ય પ્રદેશ, દિલ્હી અને હરિયાણામાં, વધુ બેઠકોની ઉમ્મીદ રાખી શકે.

લોકસભાની આ ચૂંટણીઓ સ્કેલની રીતે તો અગાઉના બધા રેકૉર્ડ બ્રેક કરશે જ, પણ ચૂંટણીપંચ સમક્ષ નોંધાયેલી ફરિયાદો બાબતે અને રાજકીય પક્ષો દ્વારા થતી ગાળાગાળી બાબતે પણ નવો રેકૉર્ડ પ્રસ્થાપિત કરશે. આક્ષેપો અને પ્રતિઆક્ષેપોની બાબતે સભ્યતા અને શિક્ટાચારની બધી મર્યાદાઓ આ ચૂંટણીમાં ઉભય પક્ષે ઓળંગી જવાઈ છે. એટલી હદે કે પશ્ચિમ બંગાળની છેલ્લા રાઉન્ડની ૯ બેઠકો માટે ચૂંટણીપંચે નિર્ધારિત સમય કરતાં એક દિવસ વહેલો ચૂંટણીપ્રચાર બંધ કરવાનો આદેશ આપવો પડ્યો. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલી વાર ચૂંટણીપંચને આવી ફરજ પડી છે.

દેશના વિકાસ કે સ્થાનિક મહત્વના મુદ્દાઓ પ્રચારમાં કેન્દ્રસ્થાને તો નહીં, પણ તદ્દન કોરાણે મૂકીને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓએ એકબીજાના અંગત જીવન પર ઘા કરવામાં પણ શરમ અનુભવી નથી. જ્યાં મૂલ્યો કે નીતિમત્તાનાં ધોરણોના લીરેલીરા ઊડી રહ્યા હોય એવું આપણું નિમ્ન કક્ષાનું રાજકારણ વિશ્વમાં હાસ્યાપદ બની રહ્યું છે.

ચૂંટણીપંચની નિષ્પક્ષતા અંગે પણ સવાલો ઉઠાવાયા છે. ચૂંટણીનું સાત રાઉન્ડનું સમયપત્રક શાસક પક્ષને નજર સમક્ષ રાખીને તેને ફાયદો થાય એ રીતે બનાવ્યાના આક્ષેપો પણ વિરોધ પક્ષોએ કર્યા છે. એ સાચું હોય કે ન હોય (એ હકીકતની તપાસ થઈ શકે નહીં), આવા આક્ષેપોથી ચૂંટણીપંચ જેવી બંધારણીય સંસ્થાની ઇમેજ ખરડાયા વિના ન જ રહે.

છેલ્લા અને સાતમા રાઉન્ડમાં નરેન્દ્ર મોદીનું ભાવિ (જે નિશ્ચિત જ ગણાય) નક્કી થવાનું હોઈ છેક સુધી પ્રચારકો અને મતદાતાઓનો રસ જળવાઈ રહ્યો. વારાણસીની આ બેઠક માટે મોદી સહિત ૨૬ ઉમેદવારો (૨૦૧૪માં ૪૨) ચૂંટણીના મેદાનમાં છે. આમાંના કેટલાય અપક્ષ ઉમેદવારોએ તો માત્ર કુતૂહલ ખાતર આ બેઠક પરથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું હશે.

ચૂંટણીના છઠ્ઠા રાઉન્ડમાં મતદાન ૬૩ ટકા જેટલું રહ્યું. ફાઇનલ આંકડા આવે ત્યારે આ આંક ૨૦૧૪ના અનુરૂપ રાઉન્ડના ૬૫ ટકા જેટલો થઈ શકે. છઠ્ઠા રાઉન્ડના મતદાનનો સરેરાશ આંક ભલે ૬૩/૬૫ ટકા જેટલો ઓછો હોય, સતત ચાલી રહેલી હિંસા, તોડફોડ અને હુમલાઓ વચ્ચે પશ્ચિમ બંગાળમાં આ રાઉન્ડમાં ૮૦ ટકા જેટલું રેકૉર્ડ મતદાન થયું એ આ રાજ્યનું હાલની ચૂંટણીઓમાં વિશેષ મહત્વ દર્શાવે છે.

આ બધા બનાવો વચ્ચે વિરોધ પક્ષોના મહાગઠબંધનની ૨૧મી મેએ યોજાનારી બેઠક મુલતવી રહે તેવા સમાચાર છે. મમતા બૅનરજી અને અન્ય નેતાઓ આવી બેઠક ચૂંટણીઓનાં પરિણામ જાહેર થયા પછી બોલાવવાની તરફેણમાં છે. એ પહેલાં કયા પક્ષને કેટલી બેઠકો મળશે તે જાણ્યા સિવાય વડા પ્રધાનપદના ઉમેદવારનું નામ નક્કી કરવાનું મુશ્કેલ બને એ વિચારે આ બેઠક મુલતવી રખાઈ છે. ૨૩મી મેએ દૂધનું દૂધ અને પાણીનું પાણી એ સ્પષ્ટ થઈ જશે.

જો બીજેપીને સ્પષ્ટ બહુમતી ન મળી તો આ વિરોધ પક્ષોનું મહાગઠબંધન થોડું સમાધાનકારી વલણ અપનાવી એકજૂથમાં રહેવાનો પ્રયાસ કરશે, કારણ કે ચૂંટણીપ્રચારમાં સ્પષ્ટ તરી આવ્યું છે તેમ મહાગઠબંધનનો વન-પૉઇન્ટ એજન્ડા બીજેપીને ફરી વાર સરકાર બનાવવામાંથી રોકવા માત્રનો છે. જરૂર પડ્યે કૉંગ્રેસ રાહુલ ગાંધી માટે વડા પ્રધાનપદ જતું કરવા તૈયાર થાય તો પણ નવાઈ નહીં. બીજેપીને સ્પષ્ટ બહુમતી (૨૭૩ બેઠકો કે તેથી વધુ) મળે છે કે એનડીએને તેના પર સત્તાની ગાદી કોણ મેળવશે તેનો ઘણો બધો આધાર છે. બીજેપીને સ્પષ્ટ બહુમતી ન મળે અને બધા રાજકીય પક્ષોમાં માત્ર સૌથી વધારે બેઠકો મળે તો એ સંજોગોમાં રાષ્ટ્રપતિની જવાબદારી વધી જવાની. વિરોધ પક્ષો બીજેપીને સરકાર રચવાનું આમંત્રણ આપવામાં અવરોધ ઊભો કરે તો નવાઈ નહીં. તેમ છતાં, રાષ્ટ્રપતિ બીજેપી/એનડીએને સરકાર રચવાનું આમંત્રણ આપે તો પણ વડા પ્રધાનપદ માટે નીતિન ગડકરી અને નીતિશ કુમારનાં નામોનો પ્રસ્તાવ મુકાવાની સંભાવના નકારી શકાય તેમ નથી.

આમ ૨૦૧૪ કરતાં અનેક બાબતોમાં અલગ તરી આવતી ૨૦૧૯ની ચૂંટણીઓ પૂરી થતાં આ અઠવાડિયાના અંત પહેલાં દેશને નવી સરકાર મળી જશે. માર્ચની મધ્યમાં ચૂંટણીઓનું સમયપત્રક જાહેર થયું ત્યારથી બે મહિનાથી વધુ સમયમાં દેશની આર્થિક સમસ્યાઓ પર ખાસ ધ્યાન અપાયું નથી. આચારસંહિતાના અમલને કારણે પણ મહત્વના નીતિવિષયક નિર્ણયો લેવાનું મુલતવી રખાયું હોય. એટલે જે પણ નવી સરકાર આવશે તેને કેવી આર્થિક સમસ્યાઓનો સામનો કરવાનો આવશે એનો ખ્યાલ કરવા મૅક્રો-ઈકૉનૉમિક પરિબળો પર એક નજર કરવી રહી.

ચૂંટણીઓને કારણે ઊભી થયેલી અનિિતતાઓ વચ્ચે ઉપભોકતાના વપરાશની ચીજોના વેચાણનો ઘટાડો ગંભીરતાથી લેવો પડે. આ ઘટાડા પાછળનું કારણ જે પણ હોય, એનબીએફસી ક્ષેત્રમાં જે તનાવ ઊભો થયો છે તેને કારણે ઉપભોકતાના વપરાશની ચીજોના વેચાણ માટે આ ક્ષેત્ર તરફથી કોઈ વિશેષ મદદ મળી શકે તેમ નથી.

સ્કાયમેટના અનુમાન પ્રમાણે ૨૦૧૯નું સાઉથ-વેસ્ટ મૉન્સૂન લાંબા ગાળાની ઍવરેજના ૯૩ ટકા વરસાદ સાથે બિલો-નૉર્મલ રહેવાની સંભાવના સાચી ઠરે તો પાક-પાણીની પરિસ્થિતિ તો બગડે જ અને કૃષિઉત્પાદનના ઘટાડા સાથે તેના ભાવો વધે. ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતોની આવક ઘટે તેની સીધી અસર, ભૂતકાળના અનુભવ મુજબ, ઉપભોકતાની ચીજવસ્તુઓના વપરાશ અને ખરીદી પર પડે.

એપ્રિલના મૅક્રો-ઇકૉનૉમિક પૅરામીટર્સના આંકડા ભારતનું અર્થતંત્ર સ્લોડાઉન ભણી ધકેલાઈ રહ્યું હોવાની વાતને સમર્થન આપે છે. (૧) વાહનોના વેચાણનો ૧૬ ટકાનો ઘટાડો (સળંગ પાંચમા મહિનાનો ઘટાડો); (૨) નિકાસમાં ૦.૬ ટકાનો નજીવો વધારો (છેલ્લા ચાર મહિનાનો સૌથી નીચો દર); (૩) સીપીઆઇનો ૨.૯૨ ટકાનો ભાવવધારો (છેલ્લા છ મહિનાનો સૌથી ઊંચો દર); (૪) ખાદ્ય ચીજવસ્તુઓનો નવ મહિનાનો સૌથી ઊંચો અને ફ્યુઅલનો ચાર મહિનાનો સૌથી ઊંચો દર અને (૫) ઔદ્યોગિક ઉત્પાદનમાં છેલ્લા ૨૧ મહિનામાં માર્ચ મહિને પહેલી વાર નોંધાયેલ ઘટાડો (માર્ચ, ૨૦૧૮માં ૫.૩ ટકાનો વધારો) અને મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રના ઉત્પાદન આંકમાં પણ ઘટાડો (માર્ચ, ૨૦૧૮માં ૫.૭ ટકાનો વધારો). એપ્રિલ મહિને મૅન્યુફૅક્ચરિગ ક્ષેત્રના પીએમઆઇનો આઠ મહિનાનો સૌથી નીચો આંક ઔદ્યોગિક ઉત્પાદનના એપ્રિલ માસના નબળા દેખાવની સંભાવના દર્શાવે છે.

ઔદ્યોગિક ઉત્પાદન અને મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રના ઉત્પાદનનો ઘટાડો (ભલે તે નજીવો હોય) અને સીપીઆઇના ભાવવધારાનો વધતો દર (ભલે તે રિઝર્વ બૅન્કના ચાર ટકાના લક્ષ્યાંકથી નીચો હોય) એ બન્ને ઘટનાઓ યુદ્ધના ધોરણે કરેક્ટિવ સ્ટેપ ન લેવાય તો દેશમાં મોટી આર્થિક સમસ્યા ઊભી કરી શકે.

ચીન અને અમેરિકાનું વેપારયુદ્ધ તેની પરાકાષ્ઠાએ છે, રૂપિયો નબળો પડવા માંડ્યો છે અને મૂડીબજારમાંથી ડૉલર પાછા ખેંચાઈ રહ્યા છે. વેપારયુદ્ધનો ફાયદો કદાચ ભારતને મળી શકે તો બીજી તરફ અમેરિકા દ્વારા જીએસપી બંધ કરાય તો તેની નિકાસ પર અવળી અસર પણ થઈ શકે. ક્રૂડની આયાત પર તો અનિિતતાનાં વાદળ ઘેરાયેલાં છે જ.

આ પણ વાંચો : એક્ઝિટ પોલ બાદ Sensex 890 પોઇન્ટના ઉછાળા સાથે ખુલ્યું

હાલ ચાલી રહેલું વેપારયુદ્ધ માત્ર વિશ્વના વેપારને જ નહીં, વિશ્વના આર્થિક વિકાસને પણ ધીમો પાડી શકે અને ભારતને તેના છાંટા ઊડ્યા સિવાય ન રહે. ચોમાસાની અનિશ્ચિતતા અને વિશ્વના અર્થતંત્રના સ્લોડાઉન વચ્ચે દેશને કેવી સ્થિર સરકાર મળે છે અને એ સરકાર રાજકીય મોરચો સંભાળતાં સંભાળતાં દેશના આર્થિક કૂટપ્રfનોને હલ કરવા કેવાં ત્વરિત પગલાં લે છે એના પર દેશવાસીઓની મીટ મંડાયેલી છે.

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK