બીજા ક્વૉર્ટરમાં મંદીના સંકેત : સપ્ટેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદન તળિયે

12 November, 2019 12:10 PM IST  |  Mumbai

બીજા ક્વૉર્ટરમાં મંદીના સંકેત : સપ્ટેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદન તળિયે

ભારતમાં મંદીના સંકેત

ચાલુ નાણાકીય વર્ષ 2019-20 ના પ્રથમ ત્રણ મહિના એપ્રિલથી જૂનમાં આર્થિક વિકાસદર 6 વર્ષમાં સૌથી નબળો 5.8 ટકા રહ્યો હતો. આ પછી બીજા ક્વૉર્ટર એટલે કે જુલાઈથી સપ્ટેમ્બરમાં દેશનો વિકાસદર હજી પણ નબળો રહેશે એવી કેટલાક અર્થશાસ્ત્રીઓએ વ્યક્ત કરેલી દહેશત સાચી પડી રહી હોય એવું લાગી રહ્યું છે. સોમવારે ભારત સરકારે સપ્ટેમ્બર મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા જાહેર કર્યા હતા જે મુજબ દેશનું ઉપ્તાદન ૮ વર્ષમાં સૌથી વધારે ઘટ્યું છે.

સપ્ટેમ્બરમાં ઔધ્યોગિત ઉત્પાદન 4.3 ટકા ઘટ્યું
સત્તાવાર આંકડા અનુસાર દેશમાં સપ્ટેમ્બરમાં ઔદ્યોગિક ઉપ્તાદન 4.3 ટકા ઘટ્યું છે, સંકોચાયું છે. ઑગસ્ટમાં 1.1 ટકાના ઘટાડા પછી સતત બીજા દિવસે એમાં ઘટાડો જોવા મળ્યો છે. એપ્રિલથી સપ્ટેમ્બરના ૬ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન માત્ર 1.3 ટકા રહ્યું છે જે ગયા વર્ષે 5.2 ટકા હતું.

સપ્ટેમ્બરમાં માઇનિંગ, ઉત્પાદન અને વીજળી સહિતની દરેક ચીજોમાં ઘટાડો નોંધાયો
સપ્ટેમ્બરમાં ઉત્પાદન ૪.૩ ટકા ઘટવા માટે માઇનિંગ, ઉત્પાદન, વીજળી સહિત દરેક ચીજોમાં ઘટાડો જોવા મળ્યો છે. કન્ઝ્‍યુમર અને કૅપિટલ ગુડ્સમાં ઉપ્તાદન નકારાત્મક રહ્યું છે. જો ચાલુ નાણાકીય વર્ષમાં ચાર ટકાનો ઔદ્યોગિક ઉત્પાદન આંક પણ મેળવવો હોય તો આગામી ૬ મહિનામાં દર મહિને ઉત્પાદન ૬ ટકા જેટલું વધવું જોઈએ!

કેપિટલ ગુડ્ય અને કન્ઝ્યુમર ગુડ્સમાં ઘટાડો ચિંતાજનક
સૌથી ચિંતાજનક બાબત કૅપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ગુડ્સમાં ઘટી રહેલા ઉત્પાદનની છે. કૅપિટલ ગુડ્સ એટલે એવી ચીજો જેનો ઉપયોગ કંપનીઓ અન્ય ઉત્પાદન કરવા માટે કરે છે. સતત ૯ મહિનાથી દેશમાં કૅપિટલ ગુડ્સનું ઉત્પાદન ઘટીને આવી રહ્યું છે. આ દર્શાવે છે કે માગ ઘટી રહી હોવાથી સાહસિકો નવું મૂડીરોકાણ કરી રહ્યા નથી. સપ્ટેમ્બરમાં કૅપિટલ ગુડ્સનું ઉત્પાદન ૨૦.૭ ટકા ઘટ્યું છે જે ઑગસ્ટમાં ૨૧ ટકા ઘટ્યું હતું. ડિસેમ્બર ૨૦૧૮માં ૪.૮ ટકાની વૃદ્ધિ પછી દેશમાં કૅપિટલ ગુડ્સનું ઉપ્તાદન સતત ઘટી રહ્યું છે.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

ગ્રાહકોની ખરીદી અટકવાના કારણે કન્ઝ્યુમર ગુડ્સનું ઉત્પાનદ ઘટ્યાનો સંકેત
ગ્રાહકોની ખરીદી અટકી ગઈ હોવાથી કન્ઝ્યુમર ગુડ્સનું ઉત્પાદન ઘટી રહ્યું છે. ટીવી, ફ્રિજ જેવાં કન્ઝ્યુમર ડયુરેબલનું ઉત્પાદન સપ્ટેમ્બરમાં ૯.૯ ટકા ઘટ્યું છે જે ઑગસ્ટમાં ૯.૧ ટકા ઘટ્યું હતું. નૉન-ડ્યુરેબલ ગુડ્સનું ઉત્પાદન ૦.૪ ટકા ઘટ્યું છે જે નવેમ્બર ૨૦૧૮ પછી પ્રથમ વખત ઘટાડો દર્શાવે છે. સામાન્ય સંજોગોમાં દિવાળી પહેલાં દેશમાં કન્ઝ્યુમર ચીજોનું ઉત્પાદન વધતું હોય છે, પણ આ વર્ષે સતત બે મહિનાથી એમાં ઘટાડો જોવા મળી રહ્યો છે એ પણ એક ચિંતાજનક બાબત કહેવાય.

business news