09 December, 2024 08:46 AM IST | Mumbai | Jayesh Chitalia
શૅરબજારની પ્રતીકાત્મક તસવીર
શૅરબજારે ગયા સપ્તાહમાં ડાઉનટ્રેન્ડ અટકાવીને જાણે અપટ્રેન્ડ શરૂ કરી દીધો હોય એવો દેખાવ કર્યો હતો, જેથી હવે બજાર બહુ ઘટશે નહીં અને ઘટશે તો તરત જ પાછું ફરી જશે એવું અનુમાન થવા લાગ્યું છે. આમ તો માર્કેટની ટૉપ કે બૉટમ કોઈ જ કહી શકતું નથી, એમ છતાં ધારણા કરાય તો હાલ બજારે બૉટમ બતાવી દીધી હોવાની આશા વ્યક્ત થઈ રહી છે. જોકે રોકાણકારો પોતાના સ્ટૉક્સની બૉટમ અને વધઘટ જુએ એમાં વધુ સાર રહેશે
લાંબા સમય બાદ ભારતનો આર્થિક વિકાસદર નીચે રહેતાં ભારતીય અર્થતંત્ર વિશે ચિંતા વ્યક્ત થઈ છે, ઉત્પાદનક્ષેત્રની કામગીરી નબળી પડી છે, ડિમાન્ડ ઘટી રહી હોવાનું નોંધાયું છે. મૂડીખર્ચમાં પણ ઘટાડાના સંકેત મળતા થયા છે, રોજગારની સમસ્યા પણ ઊભી છે, આર્થિક અસમાનતા વધતી હોવાનું પણ કહેવાય છે અને દેખાય પણ છે. લેટેસ્ટ આંકડા કહે છે કે ભારતનો GDP દર છેલ્લા સાત ક્વૉર્ટરમાં સૌથી નીચો એવો ૫.૪ ટકા રહ્યો છે. આમ વર્તમાન સંજોગોને જોતાં ૨૦૨૫ના વર્ષમાં ભારત સામે પડકારો અને સમસ્યાઓ તો રહેશે જ, પરંતુ આ બધા વચ્ચે પણ ઊભરતાં રાષ્ટ્રોની તુલનાએ ભારતના વિકાસની ગતિવિધિ બહેતર, ઝડપી તેમ જ મજબૂત રહેશે એવા સંકેત છે.
વિશ્વમાં વિવિધ આર્થિક-રાજકીય સમસ્યાઓ ફેલાતી રહીને તનાવનું સર્જન કરતી રહી છે ત્યારે ભારતીય અર્થતંત્ર છેલ્લા એક દાયકાથી સાતત્યપૂર્ણ રીતે વિકાસ કરી રહ્યું છે એટલું જ નહીં, સંખ્યાબંધ મોટાં રાષ્ટ્રો કરતાં વધુ ઝડપી વૃદ્ધિ પામી રહ્યું છે. ભારત પોતે ગ્લોબલ તથા સ્થાનિક પડકારોનો સતત સામનો કરતું રહીને પણ અગાઉ કરતાં વધુ મજબૂત બનતું રહ્યું છે. ગ્લોબલ માર્કેટ કૅપિટલાઇઝેશનમાં ભારતનું વર્ચસ પણ ઊંચું ગયું છે. ભારતીય બજારમાં હાલ ઘટાડે ખરીદવાનો સમય છે એવો મત ગ્લોબલ બ્રોકરેજ સંસ્થાઓ વ્યક્ત કરે છે. તેમનું માનવું છે કે ઘટાડે ખરીદવાની શરૂઆત લાર્જકૅપ સ્ટૉક્સથી થવી જોઈએ. સ્મૉલ અને મિડકૅપ સ્ટૉક્સ માટે હજી સમય પાક્યો નથી, જેથી આ સ્ટૉક્સમાં દૂરી રાખવી બહેતર ગણાશે. જોકે આગળ વધવું હોય તો પણ સિલેક્ટિવ રહીને વધી શકાય.
ટૉપ અને બૉટમના સંકેત છે ખરા?
હાલ બજાર પાસે વધવા માટે નવું કોઈ મજબૂત ટ્રિગર નથી, ઘટવા માટે કારણો ઊભાં થઈ શકે છે. બજાર કયાં બૉટમ બનાવે છે એ હવે ચર્ચા અને અભ્યાસનો વિષય છે. બાય ધ વે, બૉટમ કે ટૉપ કોઈ કહી શકતું નથી; પરંતુ વિવેકબુદ્ધિથી ધારી ચોક્કસ શકાય છે, જેથી હાલના સંજોગો અને વધઘટનો ટ્રેન્ડ જોઈ બૉટમ બતાવી માર્કેટ પરત ફરી ગયું હોવાનું કહેવાય છે.
બૉટમ-ટૉપની ખબર નથી તો કરવું શું?
શૅરબજારમાં બૉટમ અને ટૉપ કોઈ કહી શકતું નથી, તો કરવું શું? બજારને જોવાને બદલે તમારા સ્ટૉક્સને જુઓ અને એના પર કેટલા સમયમાં કેટલું વળતર (નફો) મળી રહ્યું છે અથવા ખોટ થઈ રહી છે એ જુઓ, પછી નક્કી કરો કે હવે ખરીદું કે વેચું? બજાર વધુ ઘટતાં-ઘટતાં અટકી જાય છે, જેથી એવું વિચારી શકાય કે બજાર હવે પછી બહુ ભલે ઘટશે નહીં અને બહુ વધવાના સંજોગો પણ નથી, પરિણામે અત્યારે માત્ર ચોક્કસ ઘટના આધારિત વધઘટ થયા કરશે; પરંતુ એટલું ચોક્કસ માની શકાય કે કરેક્શન આવશે તો એને તક બનાવવામાં શાણપણ રહેશે. લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટર્સ આનો લાભ લઈ શકશે, બાકી શૉર્ટ ટર્મ ઇન્વેસ્ટર્સ માટે તનાવ ચાલુ રહેશે.
FII સામે રીટેલ શક્તિ-પ્રદર્શન
આ સમયની સૌથી મજેદાર વાત એ છે કે FII સતત વેચવાલ રહેવા છતાં ભારતીય નાના રોકાણકારો તરીકે ઓળખાતા રીટેલ ઇન્વેસ્ટર્સ સતત ખરીદી કરતા રહ્યા છે. ઑક્ટોબર-નવેમ્બર મળીને રીટેલ ઇન્વેસ્ટર્સ દ્વારા ૪૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ ખરીદી થઈ છે. આ વર્ગ ઘટાડે ખરીદી કરતો જ રહ્યો છે. કહેવાય છે કે આ વર્ગ લાંબા ગાળાના ગ્રોથમાં વિશ્વાસ રાખતો થયો છે. માર્કેટમાં કડાકા કે હેવી કરેક્શનથી ગભરાઈ જવાના દિવસો ગયા.
દરમ્યાન FII નવેમ્બરના પાછલા ૧૫ દિવસમાં ત્રણ સેક્ટરમાં ખાસ બાયર્સ બન્યા; જેમાં ફાઇનૅન્શિયલ સર્વિસ સેક્ટર, FMCG અને IT સેક્ટરનો સમાવેશ થાય છે. આ ત્રણ સેક્ટરમાં ૧૫ દિવસમાં ૧૪,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ રોકાણ થયું છે. જોકે ઑક્ટોબર-નવેમ્બરમાં FII તરફથી ભરપૂર વેચાણ થયું છે, જે હાલના દિવસોમાં ફરી ખરીદી તરફ વળ્યા હોવાનું જોવાયું છે. ડિેસેમ્બર મહિનામાં રજાનો માહોલ બનતાં ગ્લોબલ રોકાણકારોની સક્રિયતા ઘટે છે.
નિફ્ટી ૨૦૨૫માં ૨૬,૫૦૦ થવાની ધારણા
બૅન્ક ઑફ અમેરિકાના મતે નિફ્ટી વર્ષ ૨૦૨૫માં ૨૬,૫૦૦ના લેવલે પહોંચશે એવી ધારણા છે. એનું માનવું છે કે બાય ચાઇના અને સેલ ઇન્ડિયાની વ્યૂહરચના મંદ પડી રહી છે, હવે FIIની વેચવાલી ભારતમાં અટકી અથવા ધીમી પડી છે. આ ગ્લોબલ ઇન્વેસ્ટર્સે તાજેતરના બે મહિનામાં નોંધપાત્ર વેચાણ કરી નાખ્યું છે, જેથી નવા વર્ષમાં ખરીદીનો ટ્રેન્ડ ચાલુ રહેવાની આશા છે. અલબત્ત, હજી વૅલ્યુએશન હાઈ ગણાય છે.
વીતેલા સપ્તાહમાં સોમવારે બજાર ૪૪૫ પ્લસ રહી ૮૦,૦૦૦ ઉપર બંધ રહ્યું, મંગળવાર અને બુધવારે પણ માર્કેટે રિકવરી ચાલુ રાખી. જોકે બુધવારે વધ્યા બાદ પાછું ફર્યું, ગુરુવારે સેન્સેક્સ ૮૦૦ અને નિફ્ટી ૨૪૦ પ્લસ જેવા ઊંચા ઊછળ્યા અને શુક્રવારે મૉનિટરી પૉલિસીને પગલે સાધારણ નરમ રહ્યું. જોકે સ્મૉલ અને મિડકૅપમાં વૃદ્ધિ થઈ. સેન્સેક્સે ૮૧,૦૦૦ની ઉપર અને નિફ્ટીએ ૨૪,૫૦૦ની ઉપર ફરી સ્થાન બનાવ્યું છે.
રિઝર્વ બૅન્કની નીતિના નિર્દેશ
શુક્રવારે જાહેર થયેલી રિઝર્વ બૅન્કની મૉનિટરી પૉલિસીનો અર્થ બજાર માટે પૉઝિટિવ કહી શકાય. ભલે ઊંચા ફુગાવાને લીધે વ્યાજદરમાં ઘટાડો કરાયો નથી, પરંતુ રિઝર્વ બૅન્કે કૅશ રિઝર્વ રેશિયો (CRR)માં પચાસ બેસિસ પૉઇન્ટ (અડધો ટકો) ઘટાડો કરીને પ્રવાહિતામાં એક લાખ કરોડ રૂપિયાથી વધુ વૃદ્ધિ કરાવી છે, જેને લીધે ધિરાણ માટે વધુ નાણાં ઉપલબ્ધ થશે. અલબત્ત, રિઝર્વ બૅન્કે GDPનો પ્રોજેક્શન-રેટ ઘટાડ્યો છે જે થોડી નિરાશાજનક બાબત ગણાય. બીજી બાજુ રિઝર્વ બૅન્કે કૃષિ ક્ષેત્ર માટે ધિરાણમાં થોડી રાહત આપી છે અને ફાઇનૅન્શિયલ સેક્ટરની કામગીરી ઉત્તમ રહી હોવાનો મત વ્યક્ત કર્યો છે. જોકે રિઝર્વ બૅન્કને ફુગાવા (મોંઘવારી દર)ની ચિંતા સતાવતી હોવાથી વ્યાજદરનો ઘટાડો હજી લંબાઈ શકે છે.
માર્કેટ કન્સોલિડેશન તરફ : મધુ કેલા
જાણીતા માર્કેટ એક્સપર્ટ મધુ કેલાના મત મુજબ છેલ્લાં બે ક્વૉર્ટર દરમ્યાન ઇલેક્શન અને ચોમાસાને કારણે સરકારનો મૂડીખર્ચ ધીમો પડ્યો હતો, બે ક્વૉર્ટર દરમ્યાન કૉર્પોરેટ અર્નિંગ્સ પણ નબળાં રહ્યાં હતાં; પણ હવે આગામી બે ક્વૉર્ટરમાં મૂડીખર્ચ વેગ પકડશે અને કૉર્પોરેટ કમાણીમાં પણ સુધારો થવાની આશા છે. બજાર હાલ કન્સોલિડેશનના તબક્કામાં પ્રવેશી રહ્યું છે. ટ્રમ્પશાસન સક્રિય બન્યા બાદ ભારત માટેની નીતિઓ મૈત્રીપૂર્ણ રહેવાની ધારણા છે, જેની અસર બજાર તેમ જ અર્થતંત્ર પર જોવાશે.