29 August, 2025 07:02 AM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ગણપતિબાપ્પા મોરયા, મંગલમૂર્તિ મોરયાનું ભક્તિમય ગુંજન શરૂ થવામાં છે ત્યારે અર્થતંત્ર અને શૅરબજારમાં પણ નવા તબક્કાના શ્રીગણેશનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે. તહેવારોની મોસમ ખીલી રહી છે, ખરીદી અને વપરાશની વૃદ્ધિ નક્કી છે. આ વખતનો ઊજવાયેલો સ્વાતંયદિન એક અર્થમાં ચોક્કસ ગ્લોબલ ગુલામીમાંથી મુક્તિ તરફ જવાનો દિવસ પણ કહી શકાય. આને સમર્થન આપી શકે એવાં કારણો પર નજર કરીએ.
વીતેલા સપ્તાહમાં શુક્રવારના અપવાદ સિવાય માર્કેટ પૉઝિટિવ રહ્યું, જેનું કારણ ગ્લોબલ સ્તરે માહોલ હળવો બનતો જતો હોવાના અણસાર-સંકેત હતા. અલબત્ત, ટ્રમ્પસાહેબને લીધે હજી સંજોગો અનિશ્ચિતતાવાળા તો ગણાય જ. એમ છતાં રશિયા-યુક્રેન મીટિંગ તનાવ ઘટવાના સંકેત આપતી હતી. રશિયન પ્રેસિડન્ટ પુતિન અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની વાતચીતમાં પણ સકારાત્મક સંકેત જણાયા હતા. જો યુદ્ધ અટકે તો વેપાર-વાટાઘાટને પૉઝિટિવ ગતિ મળી શકે છે. ટ્રમ્પના તેવર પણ હળવા થઈ શકે છે. યુદ્ધના અંતનાં એંધાણ બહાર આવતાં જાય છે. આમ ખરેખર બને તો ટ્રમ્પનું ભારત સામેનું ટૅરિફ-યુદ્ધ પણ હળવું બની શકે કે ટળી શકે. ક્રૂડના ઘટેલા ભાવ અને રૂપિયાનો સુધારો પણ સારા સંકેત ગણાય. વિદેશી સંસ્થાકીય રોકાણકારો નેટ-બાયર્સ બની રહ્યા અથવા વેચાણ ઘટાડી રહ્યા હોવાનું પણ નોંધાયું હતું. દરમ્યાન ભારત-ચીન વચ્ચેના વેપાર-સંબંધો પણ સુધરવાના સંકેત બહાર આવ્યા છે. દેશમાં ચોમાસું પણ એકંદરે સારું રહ્યું છે. આમ અત્યારે તો ભારત માટે સંજોગો નકારાત્મક કરતાં સકારાત્મક વધુ જણાય છે.
સપ્ટેમ્બર-ઑક્ટોબર પર નજર રહેશે
અમેરિકન ફેડરલ તરફથી રેટ-કટની શક્યતા હાલ ટળી ગઈ છે, જ્યારે કે ભારતીય રિઝર્વ બૅન્કે હાલ તો વ્યાજદર જાળવી રાખવાના સંકેત આપ્યા છે. એને કારણે ગ્લોબલ સ્તરે અનિશ્ચિતતા નજરે પડે છે. એથી રિઝર્વ બૅન્ક સાવચેતીપૂર્વક આગળ વધવામાં માને છે. તહેવારોની મોસમને લીધે ખરીદી વધવાની અને GSTના સુધારા પણ એમાં કારણભૂત બનવાની ધારણા મુકાઈ છે, જોકે GSTના સુધારા ક્યારથી અને કઈ રીતે અમલમાં આવે છે એના વિશે હજી પૂર્ણ સ્પષ્ટતા નથી, એના માટે હાલ નજર સપ્ટેમ્બર પર રહેશે. આમ સપ્ટેમ્બર મહિનામાં GST-સુધારા, વ્યાજદર, અમેરિકાનું ટૅરિફ-પ્રકરણ, રશિયા-યુક્રેન, ચીન-ભારત વેપાર વગેરે જેવાં પરિબળોની અસર જે-તે ઘટનાના આધારે જોવા મળશે.
સુધારા વચ્ચે પ્રૉફિટ-બુકિંગ
વીતેલા સપ્તાહના સોમવારનો આરંભ મોદી સરકારના નિર્ણયોને સલામી આપીને અર્થાત્ સેન્સેક્સનો ૧૦૦૦ પૉઇન્ટનો ઉછાળો બતાવીને અને ઉછાળા બાદ છેવટે ૬૭૦ પૉઇન્ટ પ્લસ બંધ રાખીને થયો હતો, જેમાં નિફ્ટી ૨૫,૦૦૦ને સ્પર્શી પરત ફર્યો હતો. પ્રૉફિટ-બુકિંગ આનું કારણ બન્યું હતું. મંગળવારે સેન્સેક્સ ૩૭૦ અને નિફ્ટી ૧૦૦ પ્લસ બંધ રહ્યા અને બુધવારે પણ રિકવરીનો દોર ચાલુ રહ્યો, જેમાં નિફ્ટી ૨૫,૦૦૦ની ઉપર બંધ રહ્યો હતો. ગ્લોબલ સ્તરેથી પૉઝિટિવ સંકેતો આવતા-જતા હોવાથી માર્કેટને બૂસ્ટ મળવાનું ચાલુ હતું. GSTના સુધારા અને એના સ્લૅબના ઘટાડાને પગલે ફુગાવો નીચે આવવાની શક્યતા ખરી. એને પગલે રિઝર્વ બૅન્ક તરફથી વ્યાજદરમાં કાપ મુકાય એવી આશા વધી છે. ઇન-શૉર્ટ, GSTના સુધારાની અસર ઓવરઑલ ઇકૉનૉમી પર પડશે જે બજારને વેગ આપવામાં મહત્ત્વનું પરિબળ બની શકે છે. આવા સંજોગો વચ્ચે ગુરુવારે પણ સુધારો ચાલુ રહેતાં નિફ્ટી ૨૫,૦૦૦ ઉપર જળવાઈને બંધ રહ્યો અને સેન્સેક્સ ૮૨,૦૦૦ બંધ રહ્યો હતો. જોકે શુક્રવારે ફરી પ્રૉફિટ-બુકિંગ કામ કરી ગયું અને કેટલાક વૈશ્વિક સંકેતને પગલે કરેક્શન આવી ગયું હતું, એની જરૂર પણ હતી. હવે સપ્ટેમ્બર-ઑક્ટોબર મહિનામાં નવા તખ્તા રચાઈ શકે છે. સરકાર રિફૉર્મ્સ બાબતે સક્રિય બની છે. આ સાથે મૂડીખર્ચ વધવાના, વપરાશ અને ડિમાન્ડ વધવાના સંજોગો નક્કર બની રહ્યા હોવાથી ઇકૉનૉમી વધુ વેગ પકડશે એવું માની શકાય. જોકે વચ્ચે પ્રૉફિટ-બુકિંગ ચોક્કસ આવ્યા કરશે એ ગણીને ચાલવું જોઈશે.
FII પાછા ફરવાની આશા
ભારતના વર્તમાન સંજોગો તેમ જ ગ્લોબલ સંજોગોના બદલાતા માહોલને ધ્યાનમાં રાખીને FII માર્કેટમાં પાછા ફરશે એવી ધારણા મક્કમ બની રહી છે. હાલમાં સ્થાનિક સંસ્થાઓ ઉપરાંત મ્યુચ્યુઅલ ફન્ડ્સ તો જોરમાં છે જ, પરંતુ ઘણો સમય નેટ-સેલર રહેનાર FII ટર્ન લેશે એમ જણાય છે. ભારતીય માર્કેટમાંથી તેઓ કમાતા રહ્યા છે. તાજેતરમાં IPOમાં પણ તેમની સક્રિયતા ભાગ ભજવી રહી છે. વર્તમાન કૅલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં આ વર્ગે પ્રાઇમરી માર્કેટમાં ૩૮,૮૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે જે ગયા વર્ષના પ્રથમ આઠ મહિનામાં ૫૪,૮૦૦ કરોડ રૂપિયાનું રહ્યું હતું. ટ્રમ્પ-ટૅરિફને લીધે આ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ પાછા નેટ-સેલર્સ બનવા લાગ્યા હતા, પરંતુ હવે બદલાતા માહોલ સાથે તેમનું માનસ બદલાય એવી શક્યતા વધી રહી છે. ભારતમાં GSTના સુધારાને પગલે માર્કેટમાં કેવો સુધારો આકાર પામશે એના અભ્યાસ પર તેમની મીટ રહેશે. આ ઉપરાંત ભારતના રેટિંગનું અપગ્રેડ થવાની ઘટના પણ એમના માટે સારા અહેવાલ છે. ભારતની ઇકૉનૉમી અને રિફૉર્મ્સ પર તેમનો અનુભવ સારો રહ્યો છે. પરિણામે હવે માર્કેટમાં તેમની ભૂમિકા મહદંશે પૉઝિટિવ રહેવાનો અંદાજ મુકાય છે. મહત્ત્વની વાત એ છે કે FII સામે મ્યુચ્યુઅલ ફન્ડ્સનો ફાળો નોંધપાત્ર રહ્યો છે, તેમનું રોકાણ ૧૧ ઑગસ્ટ સુધી ૩૩,૨૦૦ કરોડ રૂપિયા જેટલું રહ્યું છે. ઇન શૉર્ટ, ભારતીય માર્કેટને હાલ મ્યુચ્યુઅલ ફન્ડનો ઊંચો સપોર્ટ મળતો રહ્યો છે.
મહત્ત્વના આર્થિક સમાચાર-સંકેતો
GSTના દરમાં ફેરફારથી કયા સેક્ટરને લાભ થવાની આશા છે એ મામલે નિષ્ણાતો જે સેક્ટર્સનાં નામ આપે છે એમાં ઑટો, ફાઇનૅન્શિયલ, રીટેલ, હોટેલ, સિમેન્ટ અને કન્ઝ્યુમર સેક્ટરનો સમાવેશ થાય છે.
GST મામલે રાજ્યોમાં બે સ્લૅબ માટે સહમતી સધાઈ છે, જ્યારે એક ઊંચો સ્લૅબ લક્ઝરી તથા સ્વાસ્થ્યને હાનિકારક પ્રોડક્ટ્સ માટે રહેશે. આ ફેરફારની ગણતરી અને અસર સમજવાની રાહ જોવી જોઈશે.
નિયમન સંસ્થા SEBI વિશાળ કંપનીઓને IPO મારફત શૅર્સ ઇશ્યુ કરવાની મિનિમમ સાઇઝ ઘટાડવાનું વિચારે છે. જો એમ થાય તો NSE, રિલાયન્સ જિયો ઇન્ફોકૉમ જેવી કંપનીઓને રાહત થઈ શકે.
NSDLના IPOને પગલે પણ રીટેલ સહભાગિતા વધી છે. અગાઉ CDSLના શૅર-ઑફરને પરિણામે રીટેલ રોકાણકારોની સંખ્યા વધી હતી. આમ IPO માર્ગે પણ નાના રોકાણકારોની સંખ્યા વધી રહી છે.
હેલ્થ અને લાઇફ ઇશ્યૉરન્સ પર GSTમાં રાહતની આશા છે. દેશના વીમાઉદ્યોગ અને વીમાકંપનીઓના વિકાસને પ્રોત્સાહન મળશે
આ સમયમાં IPOની કતાર ચાલુ રહેશે જે નાણાંની હેરફેર અને રોકાણકારોની સક્રિયતા પણ વધારશે.
આગામી દિવસોમાં SEBIના ડેરિવેટિવ્ઝ માર્કેટના સોદાઓના નિયમોમાં થનાર ફેરફાર પણ માર્કેટને ચોક્કસ અંશે અસર કરી શકે.