મૂડીઝના ભારતીય આર્થિક વિકાસના નેગેટિવ આઉટલૂકથી શૅરબજારને તેજીની બ્રેક

09 November, 2019 10:25 AM IST  |  Mumbai

મૂડીઝના ભારતીય આર્થિક વિકાસના નેગેટિવ આઉટલૂકથી શૅરબજારને તેજીની બ્રેક

વિશ્વની અગ્રણી ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે ભારતનો આર્થિક વિકાસનો અંદાજ સ્થીરથી ઘટાડી નકારાત્મક કર્યો હતો. આ પછી ભારતીય બજાર ઘટાડા સાથે ખૂલ્યાં હતાં પણ તેની અવગણના કરી બૅન્કિંગ શૅરોમાં જોરદાર ખરીદીના સહારે બજાર મક્કમ ગતિએ નવી ઊંચાઈ તરફ આગળ વધી રહ્યાં હતાં. સેન્સેક્સ વધુ એક વખત વિક્રમી સપાટી સુધી પહોંચ્યો હતો, પણ છેલ્લી 45 મિનિટમાં જોરદાર વેચવાલીના કારણે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે બંધ આવ્યા હતા. વિદેશી સંસ્થાઓની સતત ખરીદીની અસર પણ બજારને તારવી શકી નહીં. છેલ્લી મિનિટોની વેચવાલીએ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઈઝેશન શુક્રવારે 1,57,903 કરોડ રૂપિયા ઘટી 152.72 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

વિક્રમી 40,749.33 ની નવી ઊંચાઈએ પહોંચેલો ઇન્ડેક્સ દિવસના અંતે 330.13 પૉઇન્ટ કે 0.81 ટકા ઘટી 40,323.61 ની સપાટીએ બંધ આવ્યો હતો. નિફ્ટી 12,034ની ઊંચાઈથી સરકી દિવસના અંતે 103.90 પૉઇન્ટ કે 0.86 ટકા ઘટી 11,908.15 ની સપાટીએ બંધ આવ્યો હતો.


વિદેશી સંસ્થાઓએ સતત ચાર દિવસથી ભારતીય શૅરબજારમાં ખરીદી ચાલુ રાખી છે. આજે પણ ૯૩૨.૨૦ કરોડ રૂપિયાના શૅર ખરીદ્યા હતા અને કુલ ચાર દિવસમાં ૩૩૪૩.૪૬ કરોડ રૂપિયાના શૅર ખરીદ કર્યા છે. સામે સ્થાનિક સંસ્થાઓની સતત વેચવાલી જોવા મળી રહી છે. તેમણે આઠ દિવસમાં ૪૭૫૩.૬૪ કરોડના શૅર વેચ્યા છે. આજે નૅશનલ સ્ટૉક એક્સચેન્જના ૧૧ સેક્ટરમાંથી માત્ર નિફ્ટી બૅન્ક, નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક અને રીઅલ્ટી ઇન્ડિકામાં વધારો જોવા મળ્યો હતો. એક્સચેન્જ ઉપર ૪૧ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૪૫ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૩૫ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૯૮ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.

બીએસઈ ઉપર ૭૫ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૧૦૯ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૨૦ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૨૦૮માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મોલ કૅપ ઇન્ડેક્સ ૦.૫૩ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૭૯ ટકા ઘટ્યા હતા.

કંપનીઓનું રેટિંગ ઘટતાં બજારમાં વેચવાલી
સવારે દેશનું ક્રેડિટ રેટિંગ નબળું થયાનું બજારે પચાવી લીધું હતું, પણ દિવસના અંત ભાગ તરફ મૂડીઝે દેશની ટોચની કંપનીઓ એચડીએફસી બૅન્ક, ટીસીએસ, હિન્દુસ્તાન પેટ્રો સહિત ૧૦ કંપનીઓના રેટિંગ ઘટાડ્યા હતા. આ ક્રેડિટ રેટિંગ દેશની આર્થિક પ્રતિકૂળતાના કારણે ઘટ્યા હોવા છતાં છેલ્લી ૪૫ મિનિટોમાં જોરદાર વેચવાલી આવી હતી અને શૅરમાં ઘટાડો જોવા મળ્યો હતો. ટીસીએસના શૅર ૨.૫૪ ટકા ઘટી ૨૧૨૯.૯૫, એચડીએફસી ૦.૯૧ ટકા ઘટી ૨૨૩૦.૪૫ બંધ આવ્યા હતા.

આજે આઇસીઆઇસીઆઇ બૅન્કના શૅરમાં જોવા મળેલા મક્કમ સુધારાએ બજારનો રકાસ ખાળ્યો હતો. એમએસસીઆઇ ઇન્ડેક્સમાં બૅન્કનું વેઇટ વધી જતાં વધુ વિદેશી ફન્ડ બૅન્કના શૅર ખરીદશે એવી આશાએ બૅન્કના શૅર બે દિવસથી વધી રહ્યા હતા. આજે પણ બૅન્કના શૅર ૨.૨૫ ટકા વધી ૪૮૯.૪૫ રૂપિયાની સપાટીએ બંધ આવ્યા હતા.

ફાર્મા કંપનીઓમાં ઘટાડો
બે દિવસથી સતત વધી રહેલા ફાર્મા શૅરોમાં આજે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ ૨.૨૪ ટકા ઘટી ૭૭૮૭.૪૦ની સપાટીએ બંધ આવ્યો હતો. કંપનીઓમાં સન ફાર્મા ૪.૨૩ ટકા, ઓરોબિંદો ફાર્મા ૨.૮૯ ટકા, લુપીન ૨.૫૪ ટકા, ગ્લેનમાર્ક ૨.૩૭ ટકા, સિપ્લા ૨.૦૬ ટકા, ડૉ. રેડ્ડીઝ ૧.૭૭ ટકા, પિરામલ એન્ટરપ્રાઈઝ ૧.૨૬ ટકા, ડીવીઝ લેબ ૦.૯૯ ટકા અને કેડીલા હેલ્થ ૦.૯૨ ટકા ઘટ્યા હતા. નબળા પરિણામના કારણે વોકહાર્ટના શૅર પણ ૪.૭૯ ટકા ઘટીને બંધ આવ્યા હતા.

પરિણામની અસરે વધઘટ
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પોતાના સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામમાં નફામાં ૨૪ ટકાનો ઘટાડો અને આવકમાં ૧૫ ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો જેના કારણે શૅર ૦.૦૭ ટકા ઘટ્યો હતો. આઈશર મોટર્સના શૅર ધારણા કરતાં સારા પરિણામે ૧.૨૬ ટકા વધ્યા હતા. કંપનીનો નફો ૧.૧૯ ટકા વધ્યો હતો જ્યારે આવક ૯ ટકા ઘટી હતી. નવા કૉર્પોરેટ ટૅક્સના કારણે કંપનીનો નફો વધ્યો હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નફો ૩૪.૭૩ ટકા અને આવક ૬ ટકા ઘટી હોવાથી ગેઈલ ઇન્ડિયાના શૅર ૩.૮૬ ટકા ઘટીને બંધ આવ્યા હતા. અન્ય સરકારી કંપની પાવર ગ્રીડના શૅર પણ નબળા પરિણામના કારણે ૧.૨૬ ટકા ઘટ્યા હતા. ખાનગીકરણની જેની વાતો ચાલી રહી છે તેવા ભારત પેટ્રોના પરિણામ પણ નબળા આવ્યા હતા. કંપનીનો નફો ૨.૬૮ ટકા વધ્યો હતો જ્યારે આવક ૧૦.૯૯ ટકા ઘટી હતી. કંપનીના શૅર આજે ૨.૦૩ ટકા ઘટીને બંધ આવ્યા હતા. બીજા ક્વાર્ટરમાં નફો ૨૫.૩૪ ટકા અને આવક ૪.૫૭ ટકા વધી હોવા છતાં ગ્લેક્સોસ્મિથ કલાઈનના શૅર ૨.૮૦ ટકા ઘટીને બંધ આવ્યા હતા. નફો ૫૯.૪ ટકા ઘટી જતાં યુપીએલના શૅર ૪.૧૮ ટકા ઘટીને બંધ આવ્યા હતા.

રેમન્ડમાં ૨૦ ટકાનો ઉછાળો
રેમન્ડના શૅર ૨૦ ટકાની તેજીની સર્કિટ સાથે ૮૦૮.૪૦ રૂપિયાની સપાટીએ બંધ આવ્યા હતા. કંપનીએ પોતાના લાઈફસ્ટાઈલ અને અન્ય બિઝનેસને અલગ કરવાની ગુરુવારે જાહેરાત કરી હતી. શૅરહોલ્ડરને બન્ને કંપનીના શૅર આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત દેવું ઘટાડવા માટે પ્રેફરન્સ શૅર આપવાની જાહેરાત કરાતા શૅરમાં ઉછાળો આવ્યો હતો.

એમએસસીઆઈ ઇન્ડેક્સની જાહેરાતથી વધઘટ
વિદેશી ફન્ડ જે ઇન્ડેક્સના આધારે ભારતીય બજારમાં શૅરમાં રોકાણ કરે છે તેમાં ફેરફારની આજે જાહેરાત કરવામાં આવી હતી. આ ફેરફારનો અમલ તા.૨૭ નવેમ્બરથી થશે. મોર્ગન સ્ટેન્લી કેપિટલ ઇન્ટરનૅશનલ (એમએસસીઆઇ) ઇન્ડેક્સમાં જે કંપનીઓનો સમાવેશ થયો અથવા તેમાં તેમનું વેઇટ વધ્યું હતું એ બધા શૅરમાં ઉછાળો જોવા મળ્યો હતો. એચડીએફસી એસેટ મેનેજમેન્ટના શૅર ૫.૬૫ ટકા, ડીએલએફ ૫.૫૯ ટકા, આઇસીઆઇસીઆઇ પ્રુડેનશ્યલ ૦.૩૧ ટકા અને એસબીઆઈ લાઈફ ૦.૪૪ ટકા વધ્યા હતા. આ ઉપરાંત ઇન્દ્રપ્રસ્થ ગૅસ ૬.૪૪ ટકા અને ઇન્ફો એજ ૦.૭૬ ટકા વધ્યા હતા.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

એશિયાઇ બજારમાં વિદેશી નાણાપ્રવાહ છ મહિનામાં સૌથી ઊંચો
અમેરિકા અને ચીન વ્યાપાર સમજૂતી આગળ વધી રહી હોવાના સંકેત મળતાની સાથે જ વિદેશી સંસ્થાઓએ એશિયન શૅરબજારમાં રોકાણની ગતિ તેજ કરી દીધી છે. ઉપલબ્ધ આંકડા પ્રમાણે એશિયાઇ દેશોમાં વિદેશી ફન્ડનો નાણાપ્રવાહ છેલ્લા છ મહિનામાં સૌથી વધારે જોવા મળી રહ્યો છે.

ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ-વૉરનો અંત આવે તો તેનાથી એશિયાઇ અર્થતંત્રને પણ એકંદરે ફાયદો થશે એવી આશાએ વિદેશી નાણાં સંસ્થાઓએ દક્ષિણ કોરિયા, તાઈવાન, ભારત, થાઈલૅન્ડ, ફિલિપાઈન્સ, ઇન્ડોનેશિયા અને વિયેતનામની સ્ટૉક માર્કેટમાં ઑક્ટોબર મહિનામાં ૫.૪૬ અબજ ડૉલરનું રોકાણ કર્યું છે. જોકે, સૌથી વધુ મૂડીરોકાણ તાઇવાન અને ભારતની બજારમાં જોવા મળી રહ્યું છે. તાઈવાનની શૅરબજારમાં ૪.૪૫ અબજ ડૉલરનો વિદેશી મૂડીપ્રવાહ જોવા મળ્યો છે. દેશનું અર્થતંત્ર મજબૂત છે અને નિકાસ પણ વધી રહી હોવાથી અહીં વધુ રોકાણ જોવા મળી રહ્યું છે. આ પછી ભારતમાં કંપનીઓનાં સારાં પરિણામના કારણે ૧.૭૪ અબજ ડૉલરનું રોકાણ જોવા મળ્યું છે. આ પછી ફિલિપાઈન્સમાં પણ આંશિક પ્રવાહ વધ્યો છે. બીજી તરફ ઇન્ડોનેશિયા, થાઈલૅન્ડ અને દક્ષિણ કોરિયામાં ધીમા આર્થિક વિકાસની ચિંતાઓ વચ્ચે વિદેશી રોકાણકારોની વેચવાલી જોવા મળી હતી.

business news bombay stock exchange national stock exchange