આગામી પાંચ વર્ષમાં 105 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પૂરા કરશે સરકાર

01 January, 2020 03:25 PM IST  |  Mumbai

આગામી પાંચ વર્ષમાં 105 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પૂરા કરશે સરકાર

નિર્મલા સિતારમણ

(જી.એન.એસ.) સરકાર આગામી પાંચ વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ માટે ૧૦૫ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. ટાસ્ક ફોર્સનો રિપોર્ટ જાહેર કરતાં પહેલાં એક પ્રેસ કોન્ફરન્સમાં નિર્મલા સીતારમણે આ અંગેની વિગતો જાહેર કરી છે. સીતારમણના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ પાવર, હેલ્થ, રેલવે, શહેરી, સિંચાઈ અને ડિજિટલ સેક્ટર સાથે જોડાયેલા હશે. વર્ષ ૨૦૧૯ના છેલ્લા દિવસે નિર્મલા સીતારમણે જાહેર કરેલા આ ૧૦૫ લાખ કરોડના પ્રોજેક્ટથી સરકારી ખર્ચ વધવાની સંભાવના છે. જોકે નાણાપ્રધાનની આ જાહેરાતથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી કંપનીઓના વેપારમાં જોરદાર તેજી આવશે એ નક્કી છે. હાલમાં દેશમાં મંદીનો માહોલ છે. મોદી સરકાર આ માહોલને બદલવા માટે નીતનવા પ્રોજેકટો જાહેર કરી રહી છે. આજે વર્ષના છેલ્લા દિવસે પણ મોદી સરકારે નવા વર્ષની ભેટની જેમ ૧૦૫ લાખ કરોડના પ્રોજેક્ટની જાહેરાત કરી છે.

ટાસ્ક ફોર્સે છેલ્લા ૪ મહિનામાં ૭૦ સ્ટેક હોલ્ડરની સલાહ લેવા માટે ૭૦ બેઠકો આયોજિત કરી છે. દેશમાં પ્રથમવાર નૅશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઇન તૈયાર કરાઈ છે. દર વર્ષે એક વૈશ્વિક ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ આયોજિત થશે. આ કાર્યક્રમ વર્ષ ૨૦૨૦ના બીજા છ માસિકમાં દેશમાં યોજાશે. વડા પ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણ પર આગામી ૫ વર્ષમાં દેશના બુનિયાદી ઢાંચામાં ૧૦૦ લાખ કરોડ રૂપિયા નિવેશ કરવાની વાત કરી હતી. જે મોદીના સપનાને ટાસ્ક ફોર્સ રચી પૂરી કરવાની કોશિશ કરાઈ રહી છે. મોદી સરકાર કોઈ પણ સંજોગોમાં ૫ ટ્રિલ્યન ડૉલરની ઇકૉનૉમી બનાવવા માટે પ્રયાસ કરી રહી છે.

૫ વર્ષમાં ૧૦૫ લાખ કરોડના પ્રોજેક્ટ પૂરા કરવાનો સરકારે લક્ષ્યાંક રાખ્યો છે. ૪ મહિનામાં ૭૦ બેઠકો બાદ ટાસ્ક ફોર્સનો રિપોર્ટ જાહેર થયો છે. ૧૦૨ લાખ કરોડના પ્રોજેક્ટ કેન્દ્ર સરકારના હશે જ્યારે ૩ લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ રાજ્ય સરકારો નક્કી કરશે. ગુજરાતની વાઇબ્રન્ટ સમિટની જેમ વર્ષ ૨૦૨૦ના બીજા છ માસિકમાં એક મીટ યોજાશે.

જે સ્ટેક હોલ્ડર બાબતે સરકાર વાત કરી રહી છે એમાં મંત્રાલય, રાજ્ય સરકાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ, ડેવલપર અને બૅન્ક વગેરે સામેલ છે. જેમાં કેન્દ્રનો હિસ્સો ૩૯ ટકા, ૩૯ ટકા રાજ્યનો હિસ્સો અને ૨૨ ટકા ખાનગી ક્ષેત્રનો હિસ્સો હશે. ખાનગી ક્ષેત્રનો હિસ્સો વર્ષ ૨૦૨૫માં વધારીને ૩૦ ટકા સુધી લઈ જવાનો સરકારનો પ્લાન છે. આમાંથી ૪૩ ટકા પ્રોજેક્ટ પર કામગીરી શરૂ થઈ ગઈ છે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજક્ટમાં રોકાણ માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. સપ્ટેમ્બરમાં આર્થિક સચિવના નેતૃત્ત્વમાં એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. એ સમયે નાણાપ્રધાને આશા વ્યક્ત કરી હતી કે આગામી કવાર્ટરમાં જીડીપીના આંકડા વધુ સારા રહેશે. જોકે તેમની આશાઓ પરિપૂર્ણ થઈ નથી. ચાલુ નાણાકીય વર્ષ જુલાઈ-સપ્ટેમ્બરના બીજા કવાર્ટરમાં જીડીપી વિકાસ દર ઘટીને ૪.૫ ટકા થઈ ગયો છે જે ૬ વર્ષની નીચલી સપાટીએ છે. પ્રથમ કવાર્ટરમાં જીડીપી પાંચ ટકા હતો. તેમણે જણાવ્યું હતું કે સરકાર જીએસટીને વધુ સરળ બનાવશે.

business news nirmala sitharaman