અક્ષય ઊર્જા ક્ષેત્રે વિશ્વભરના ટોચના ત્રણ આકર્ષક દેશોમાં ભારત સામેલ : મુકેશ અંબાણી

04 September, 2021 03:14 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

અક્ષય ઊર્જા (રિન્યુએબલ ઍનર્જી) ક્ષેત્રે વિશ્વભરના ટોચના ત્રણ આકર્ષક દેશોમાં ભારત સામેલ છે અને આપણે ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં ૧૭૫ ગિગાવોટ રિન્યુએબલ ઍનર્જીનું ઉત્પાદન કરવાની ક્ષમતા વિકસાવવાનું લક્ષ્ય સાધી શકીશું,

મુકેશ અંબાણી

અક્ષય ઊર્જા (રિન્યુએબલ ઍનર્જી) ક્ષેત્રે વિશ્વભરના ટોચના ત્રણ આકર્ષક દેશોમાં ભારત સામેલ છે અને આપણે ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં ૧૭૫ ગિગાવોટ રિન્યુએબલ ઍનર્જીનું ઉત્પાદન કરવાની ક્ષમતા વિકસાવવાનું લક્ષ્ય સાધી શકીશું, એમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ શુક્રવારે કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ૧૦૦ ગિગાવોટ અક્ષય ઊર્જાનું ઉત્પાદન કરવાની ક્ષમતા વિકસાવવાનું મોટું સીમાચિહન સર કરી લેવાયું છે.

અંબાણીએ શુક્રવારે ઇન્ટરનૅશનલ ક્લાઇમેટ સમિટમાં પોતાના ઉદ્બોધનમાં કહ્યું હતું કે ભારત આગામી વર્ષોમાં પર્યાવરણને અનુકૂળ રીતે ઊર્જાનું ઉત્પાદન કરવામાં વૈશ્વિક સ્તરે અગ્રણી બની જશે. વર્ષમાં ૩૦૦ કરતાં વધુ દિવસ તડકો હોવાની સ્થિતિનો લાભ લઈને ભારત જમીનના કુલ હિસ્સામાંથી ફક્ત ૦.૫ ટકા હિસ્સાનો ઉપયોગ કરીને ૧૦૦૦ ગિગાવોટ કરતાં વધુ સૌરઊર્જાનું ઉત્પાદન સહેલાઈથી કરી શકે છે.

નોંધનીય છે કે અંબાણીએ રિલાયન્સને વર્ષ ૨૦૩૫ સુધીમાં કાર્બનનું ઉત્સર્જન શૂન્ય કરી દેનારી કંપની બનાવવાનું લક્ષ્ય ગયા વર્ષે જાહેર કર્યું હતું.

તેમણે ઉક્ત સમિટમાં વધુમાં કહ્યું હતું કે રિલાયન્સના નવા ઊર્જાસંબંધી બિઝનેસની રૂપરેખા તથા વ્યૂહરચના આ વર્ષે રજૂ કરવામાં આવી છે. ભારત અને રિલાયન્સ બન્ને માટે આ બિઝનેસ નવી મૂલ્યશ્રૃંખલાનું સર્જન કરશે. રિલાયન્સે જામનગરમાં ૫૦૦૦ એકર કરતાં વધુ મોટી જગ્યામાં ધીરુભાઈ અંબાણી ગ્રીન ઍનર્જી ગિગા કૉમ્પ્લેક્સ વિકસાવવાના પ્રોજેક્ટનું કાર્ય શરૂ કરી દીધું છે. રિલાયન્સ વર્ષ ૨૦૩૦ સુધીમાં ઓછામાં ઓછી ૧૦૦ ગિગાવોટ સૌરઊર્જાનું ઉત્પાદન કરવા માટેની ક્ષમતા વિકસાવશે. તેનાથી સમગ્ર દેશમાં કિલોવોટ અને મેગાવોટ સ્તરે સૌરઊર્જાનું ઉત્પાદન કરવા માટેની રાષ્ટ્રીય સ્તરનું નેટવર્ક તૈયાર થશે. આ બધા ઉત્પાદકો સ્થાનિક વપરાશ માટે ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરી શકશે, જેનાથી ગ્રામીણ ભારતને ભરપૂર લાભ થશે.

business news mukesh ambani