કોઈ પણ સંજોગોમાં મ્યુચ્યુઅલ ફન્ડનો માર્ગ બહેતર કેમ ગણાય છે?

12 May, 2022 03:20 PM IST  |  Mumbai | Jayesh Chitalia

શૅરબજારમાં રોકાણ કરતા હો કે ન કરતા હો, મ્યુચ્યુઅલ ફન્ડની યોજનાઓમાં જરૂર રોકાણ કરો, કારણો આ રહ્યાં...

પ્રતીકાત્મક તસવીર

જો તમને એવું લાગતું હોય કે નોકરીની આવકમાંથી અને/અથવા શૅરબજારમાં લે-વેચ કરવાથી તમારું કામ ચાલી જશે તો તમે ભૂલ કરી રહ્યા છો. શૅરબજાર લાંબા ગાળા માટે છે, સારું વળતર આપે છે, એ હકીકત વચ્ચે તમારે એક વાસ્તવિકતા એ પણ સ્વીકારવી જોઈશે કે શૅરબજારમાં વળતરની નિશ્ચિત્તતા કે ખાતરી હોતી નથી. બાય ધ વે, કોઈ પણ રોકાણસાધનમાં વળતરની ખાતરી હોતી નથી. હા, બૅન્ક એફડી, પીપીએફ જેવાં સાધનોમાં હોય છે, પરંતુ શું તમને એ વળતરથી ચાલી જાય છે? કે ચાલી જશે? આ વળતરનો દર વાસ્તવિક મોંઘવારીના દર સામે ટકી શકશે? અલબત્ત, સલામતીની ખાતરી મળશે, પણ વળતર તો નીચું જ રહેશે. આનો ઉપાય કે વિકલ્પ છે મ્યુચ્યુઅલ ફન્ડનો માર્ગ. જ્યાં જોખમ ભલે ગણાતું, પરંતુ વળતર સારું રહી શકે. યસ, ખાતરી અહીં પણ નથી. પરંતુ તુલનાત્મક દૃષ્ટિએ માર્ગ આ જ બહેતર ગણાય. 

વિચાર પર પુનઃવિચાર કરો
આપણા દેશમાં આ વિશેની જાગૃતિ સતત વૃદ્ધિ પામી રહી છે, એ સારી નિશાની ચોક્કસ કહેવાય. નાનાં શહેરો સુધી પહોંચી ગયેલી આ જાગૃતિ વધુ ને વધુ રોકાણ મ્યુચ્યુઅલ ફન્ડ તરફ વાળી રહી છે. ખેર, તમે જો હજી આ દિશામાં ન વિચાર્યું હોય અથવા તમે માત્ર શૅરબજારના ભરોસે જ ગાડી દોડાવવા માગતા હો તો એ વિચાર પર પુનઃવિચારણા કરવી જોઈએ. જેમ ડાઇવર્સિફાઇડ અને ઍસેટ એલોકેશનનું મહત્ત્વ હોય છે એમ વિચારીને પણ શૅરબજાર ઉપરાંત મ્યુચ્યુઅલ ફન્ડની યોજનાના વિચાર કરી એમાં રોકાણનો ચોક્કસ ભાગ એ તરફ વાળવો જોઈએ. 
હાલમાં ઘણા એવા રોકાણકારો છે, જેઓ સીધા શૅરબજારને બદલે મ્યુચ્યુઅલ ફન્ડની યોજનાઓમાં રોકાણ પસંદ કરે છે. તેમને બજારની ચાલ કે વલણ સમજાતાં નથી અને જોખમી પણ લાગે છે. જેમાં વળી સતત વધી રહેલી વૉલિટિલિટી આ ભયમાં ઉમેરો કરે છે. આ વૉલિટિલિટી બજાર માટે ડરવા જેવી ખરી, પરંતુ મ્યુચ્યુઅલ ફન્ડ માટે તો નાણાં ભરવા જેવી. ખાસ કરીને એસઆઇપી અને એસટીપીનો વિચાર કરો તો આ બન્ને યોજના તમને બજારની વધ-ઘટમાં લાભ કરાવે છે.  

હાર-જીતની બાજી અને વિકલ્પો
શૅરબજારમાં કરાતું રોકાણ અમુક અંશે એક પ્રકારની બાજી પણ છે, જે તમે જીતો યા હારો; પણ મ્યુચ્યુઅલ ફન્ડની યોજનામાં કરેલા રોકાણમાં હારવાની શક્યતા જૂજ હોય છે. શૅરબજારમાં તમારે શૅર સિલેક્ટ કરવાના હોય, જેમાં ભૂલ થઈ જાય તો કાયમી ખોટ પણ થાય, જ્યારે ફન્ડની યોજનામાં તમે શૅર સિલેક્ટ કરતા નથી બલ્કે ફન્ડ મૅનેજર સિલેક્ટ કરે છે. આ ફન્ડ કૅનેજર પાસે પ્રોફેશનલ ટીમ હોય છે, રિસર્ચની અત્યાધુનિક સુવિધા હોય છે. તે વિવિધ સેક્ટરની વિવિધ કંપનીના શૅર અભ્યાસ આધારિત ખરીદે છે, તેનું લક્ષ્ય લૉન્ગ ટર્મ હોય છે, તેની ખરીદી ફન્ડામેન્ટલ્સ આધારિત હોય છે. આ માર્ગે તમને ભરપૂર વિકલ્પો મળે છે ટૂંકા ગાળાના, મધ્યમ ગાળાના અને લાંબા ગાળાના; નાની કે મોટી રકમના. ૧૦૦થી ૫૦૦થી પાંચ કે ૫૦ લાખ રૂપિયાના. હાલના સમયમાં જ્યારે યુદ્ધ માથા પર સવાર છે, મોંઘવારીનો ભારે માર છે, સર્વત્ર અનિશ્ચિત્તતાનો ભાર છે ત્યારે મ્યુચ્યુઅલ ફન્ડ બહેતર માર્ગ છે. તમારા ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝર કે એજન્ટ યા કન્સલ્ટન્ટને મળીને આ વિશે વધુ માહિતી-માર્ગદર્શન મેળવો.

સવાલ તમારા…

વર્તમાન સમયમાં કેવી યોજના પસંદ કરવી જોઈએ? 
વર્તમાન સમયને ચોક્કસ જુઓ, પરંતુ રોકાણ કરતી વખતે ભવિષ્ય પર વધુ ભાર મુકો. તમારે કેટલા સમય માટે, કેટલું જોખમ લેવાની તૈયારી સાથે અને કયા ઉદ્દેશ માટે રોકાણ કરવાનું છે એ ખાસ ધ્યાનમાં રાખો, કારણ કે તમે જે અત્યારે રોકાણ કરશો એ તમારા હાથમાં વળતર અને વૃદ્ધિ આપશે ત્યારે ભવિષ્ય વર્તમાન બનીને આવી ગયું હશે. તેમ છતાં, કાયમ ડાઇવર્સિફાઇડ ઇક્વિટી સ્કીમ પસંદ કરો. હાલના સંજોગોને ધ્યાનમાં રાખી ફ્લેક્સી ફન્ડ પર વધુ ધ્યાન આપી શકાય. તમારે જસ્ટ ફન્ડ પાર્ક કરવું હોય તો લિક્વિડ ફન્ડમાં રોકાણ કરો.

business news jayesh chitalia