ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય : નવા થર્મલ પાવર પ્લાન્ટને મંજુરી નહી આપે

08 September, 2019 09:45 PM IST  |  Gandhinagar

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય : નવા થર્મલ પાવર પ્લાન્ટને મંજુરી નહી આપે

Gandhinagar : પ્રદુષણ અટકાવવા માટે ગુજરાત સરકાર સક્રિય થઇ ગઇ છે. પર્યાવરણ જાળવી રાખવા માટે ગ્રીન-ક્લીન ઊર્જા ઉત્પાદનને વેગ આપવાની દિશામાં ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રાજ્યમાં દર વર્ષે વધતી જતી અંદાજે 8થી 10% જેટલી વીજ માંગને પહોચી વળવા હવે થર્મલ પાવર પ્લાન્ટસના સ્થાને માત્ર બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોત (રિન્યુએબલ એનર્જી)નો ઉપયોગ કરાશે. મુખ્યમંત્રીએ આ નિર્ણય અંગે જણાવ્યું કે, રાજ્યમાં હવે કોઇ નવા થર્મલ પાવર પ્લાન્ટસની પરવાનગી સરકાર આપશે નહી. રાજ્યની વીજ માંગ પૂર્ણ કરવાના હેતુસર સૌરઊર્જા સહિતના બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોત દ્વારા વીજ ઉત્પાદનથી ગ્રીન કલીન એનર્જીના માધ્યમથી ગુજરાતને પ્રદૂષણમુકત અને પર્યાવરણપ્રિય રાજ્ય બનાવવામાં આવશે.


ગુજરાત પાવર સરપ્લસ રાજ્ય ગણાય છે
મહત્વનું છે કે ગુજરાત એ પાવર સરપ્લસ રાજ્ય ગણાય છે એટલે કે રાજ્યની માગના પ્રમાણમાં અહીં વીજ ઉત્પાદન ક્ષમતા વધુ છે. પરંતુ ખરી હકીકત જાણીએ તો રાજ્ય સરકાર હસ્તકના પાંચ થર્મલ પાવર પ્લાન્ટની પરિસ્થિતિ ઘણી જ ખરાબ છે. આમાંના મોટા ભાગના યુનિટ્સ 30-40 વર્ષ જુના હોવાથી તેમાં વીજળીનું ઉત્પાદન તેની ક્ષમતાના માત્ર 40% કે તેનાથી પણ ઓછુ થાય છે.


રાજ્યમાં વીજ ઉત્પાદન ક્ષમતા 33,287 મેગાવોટની છે
ગુજરાતમાં સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા 33,287.06 મેગાવોટની છે. સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરિટીના 31 જુલાઈ સુધીના આંકડા મુજબ રાજ્યમાં થર્મલ પાવર પ્લાન્ટની સ્થાપિત ક્ષમતા 22,319 મેગાવોટની છે જેમાંથી કોલસા દ્વારા 14,218.10 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે જયારે લિગ્નાઇટ થકી 1540 મેગાવોટ અને ગેસ આધારિત 6561.82 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા છે.

આ પણ જુઓ : ભાતીગળ સંસ્કૃતિની શાન છે તરણેતર મેળો, જુઓ તસવીરો

રાજ્યમાં દરરોજ 12,000 મેગાવોટની માંગ રહે છે
સરકાર તરફથી મળથા આકડા પ્રમાણે રાજ્યની દૈનિક માગ અંદાજે 12,000 મેગાવોટની રહે છે. ઉનાળાની ઋતુમાં આ માગ વધીને 16,000 મેગાવોટ સુધી જતી રહે છે અને આ માગ પૂરી કરવા માટે સરકારે અદાણી, ટાટા, ટોરેન્ટ અને એસ્સાર જેવી ખાનગી કંપનીઓ પાસેથી વીજળી લેવી પડે છે. આ ઉપરાંત, માગને પહોચી વળવા માટે ઘણી વાર ઓપન માર્કેટ અને એક્સચેન્જ પરથી મોંઘા ભાવે પાવર ખરીદવો પડે છે.બે વર્ષ અગાઉ કોલસાના વધેલા ભાવનું બહાનું આપી અદાણી, ટાટા, ટોરેન્ટ અને એસ્સારે ગુજરાતને વીજ પુરવઠો આપવાનું બંધ કર્યું હતું.

business news