ગુજરાતના રહીશોના ઘરની અગાસી-છાપરું હવે કમાણી કરી આપશે

10 September, 2019 09:15 AM IST  | 

ગુજરાતના રહીશોના ઘરની અગાસી-છાપરું હવે કમાણી કરી આપશે

ફાઈલ ફોટો

ગુજરાત સરકારે સૂર્ય ઊર્જાને વધારે વ્યાપક બનાવવા માટે રાજ્યમાં બે લાખ મકાનો ઉપર રૂફટોપ વીજળી પેદા કરવા માટે નવતર સ્કીમ, રાજ્યના બજેટની ઘોષણા અનુસાર અમલમાં મૂકી છે. આ સ્કીમ હેઠળ સરકાર ગ્રાહકને પોતાની ઘરની વીજળીનો વપરાશ પૂર્ણ થાય અને જો વધારાની વીજળી રાજ્ય સરકારને વેચે તો તેની પરવાનગી પણ આપી છે એટલે કે બિલ ભરવામાં મુક્તિ મળે અને કમાણી પણ થઈ શકે.

ગુજરાત સરકારે આ પ્રકારે ઉત્પન્ન થયેલી વીજળી ખરીદવા માટે રૂ. ૨.૨૫ પ્રતિ યુનિટનો ભાવ નક્કી કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં જ રાજ્ય સરકારે નવા એક પણ થર્મલ પાવર પ્લાન્ટની સ્થાપના ગુજરાતમાં નહીં કરવાનો નિર્ણય જાહેર કર્યો છે જેથી પર્યાવરણની જાળવણી થઈ શકે. રાજ્યના ઊર્જાપ્રધાન સૌરભ પટેલે કહ્યું હતું કે રૂફટોપ પોલિસીને એટલી સરળ બનાવી દેવામાં આવી છે કે લોકો તેનો સીધો લાભ લઈ શકે છે. વીજળી ખરીદવા સરકાર સીધા મકાનના માલિક સાથે ૨૫ વર્ષના કરાર કરશે. રહેણાક હેતુના વીજગ્રાહકોને સૉલર રૂફટોપ માટે ૧૦ કિલોવોટની ક્ષમતા સુધી ૨૦થી ૪૦ ટકા ઈન્સ્ટોલેશન સબસિડી મળે છે જેના માટે સરકારે ૧૦૦૦ કરોડ રૂપિયાની રકમ બજેટમાં ફાળવી છે. 

ઊર્જાપ્રધાને એવી આશા વ્યક્ત કરી હતી કે આવનારા ત્રણ વર્ષમાં આઠ લાખ સૉલર રૂફટોપ મારફતે રાજ્યમાં ૧૮૦૦ મેગાવોટ વીજળી પેદા થઈ શકે છે. અત્યારે ગુજરાત ૩૨૬.૬૭ મેગાવોટની વીજળી સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. રાજ્યના રહેણાક શ્રેણીના વીજગ્રાહકો માટે સરકારે સૂર્ય ઊર્જા રૂફટોપ યોજના અમલમાં મૂકી છે. આ યોજના વપરાશકર્તા તેના ઘરની અગાસી પર ખુલ્લી જગ્યામાં ઉત્પન્ન કરી શકે છે.

આ પણ વાંચો: વ્યાજદરમાં ઘટાડાની આશા સાથે સોનું મક્કમ: સ્થિર થવાનો પ્રયાસ

આ વર્ષે યોજના હેઠળ બે લાખ રૂફટોપને આવરી લેવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું. યોજના ગ્રુપ હાઉસિંગ સોસાયટી  રેસિડેન્શલ વેલ્ફેર અસોસિએશનની સુવિધાઓ સોસાયટીની લાઇટ, સોસાયટીનું વોટર વર્કસ, લિફ્ટ વગેરે માટે પણ શક્ય છે. આ સૂર્ય ઊર્જા રૂફટોપ યોજનાનો લાભ લેવા વીજગ્રાહકોએ માન્ય એજન્સીઓમાંથી કોઈ પણ એકની પસંદગી કરવાની રહેશે. ત્યારબાદ તમામ કાર્યવાહી એજન્સીએ કરવાની રહેશે. સૉલર સિસ્ટમ સ્થપાયા બાદ જે તે એજન્સી પાંચ વર્ષ સુધી સિસ્ટમનું વિનામૂલ્યે મેઇન્ટેનન્સ કરવા બંધાયેલી છે. 

business news gujarat