મોંઘવારી આવી રહી છે? શાકભાજી પછી હવે અનાજના ભાવ વધવાનું શરૂ થયું

04 December, 2019 11:09 AM IST  |  Mumbai

મોંઘવારી આવી રહી છે? શાકભાજી પછી હવે અનાજના ભાવ વધવાનું શરૂ થયું

શાકભાજી પછી હવે અનાજના ભાવ વધવાનું શરૂ થયું (PC : Jagran)

ખરીફ વાવેતરમાં વધારે વરસાદ, મોસમ પૂરી થયા પછી પણ વરસાદ પડ્યો હોવાથી શાકભાજી બાદ હવે ઉત્પાદન ઓછું થશે એવી બજારમાં દહેશતને કારણે અનાજના ભાવ પણ વધવાનું શરૂ થઈ ગયું છે.

બજારમાં જોકે ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા પાસે ચોખા અને ઘઉંનો જંગી સ્ટૉક હોવાથી એમાં ભાવવધારો સામાન્ય છે, પણ જાડા ધાન્યમાં કિંમત ઝડપથી વધી રહી છે. જુવાર માટે રાજસ્થાનની કેકડી સૌથી મોટી બજાર છે. અહીં જુવારના ભાવ ચાલુ મહિનામાં 16 ટકા વધી 1630 રૂપિયાથી 1890 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયા છે. બાજરો 3.3 ટકા અને રાગીના ભાવ 12 ટકા જેટલા વધ્યા છે. મધ્ય પ્રદેશમાં ઘઉંના ભાવ આંશિક રીતે વધી 1990 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે, જયારે ઉત્તર પ્રદેશના પીલીભીત ખાતે એ 3.1 ટકા ઘટી 2520 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. કાકડી, ડુંગળી, ટમેટાં, ગાજર અને આદું જેવી ચીજોના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે અનાજના ભાવ વધી જતાં મોઘવારીની અસર ગ્રાહકોના બજેટ પર પડી શકે છે.

આરોગ્ય વિશે લોકો વધુ સજાગ થઈ રહ્યા હોવાથી બાજરો અને જુવાર જેવી ચીજોની માગણી વધી રહી છે ત્યારે વધારે પડતા વરસાદથી આવાં જાડાં ધાન્યોનું ઉત્પાદન આ વર્ષે ઘટી શકે છે. બજારમાં માગણી સામે પુરવઠો ઘટી શકે એવી દહેશતથી અત્યારથી ભાવ વધવાનું શરૂ થઈ ગયું છે. છેલ્લા બે મહિના જેટલા સમયમાં શાકભાજીના ભાવ બમણા થઈ ગયા છે.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

આ વર્ષે વાવેતર બાદ જ્યારે છોડ ઊછરી રહ્યા હતા ત્યારે મહારાષ્ટ્ર, બિહાર, મધ્ય પ્રદેશ, પંજાબ અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં વરસાદી પૂરનાં પાણીથી ખેતર ભરાઈ ગયાં હતાં. એને કારણે ઉત્પાદન ઘટશે અને ખરીફ પાક બજારમાં મોડા આવી શકે છે. જોકે શિયાળુ પાકનું વાવેતર અને ઉત્પાદન આ વર્ષે વધી શકે છે જેને કારણે ભાવવૃદ્ધિ કાયમી નહીં પણ ટૂંક સમય માટે જ રહે એવી શક્યતા છે.

business news