મોબાઇલ કંપનીઓની આવકમાં ઘટાડો છતાં સરકાર 5G સ્પેક્ટ્રમનો ભાવ નહીં ઘટાડે

02 December, 2019 11:45 AM IST  |  Mumbai

મોબાઇલ કંપનીઓની આવકમાં ઘટાડો છતાં સરકાર 5G સ્પેક્ટ્રમનો ભાવ નહીં ઘટાડે

5G (PC : Forbes)

ટેલિકૉમ ક્ષેત્રમાં જોવા મળી રહેલી ગળાકાપ હરીફાઈના કારણે ગ્રાહકોની સંખ્યા વધી હોવા છતાં મોબાઇલ-સેવાઓ આપતી કંપનીઓની આવકમાં ઘટાડો થયો છે. આ ઘટાડાના કારણે સરકારની આવક પણ ઘટી છે એવી ટેલિકૉમ પ્રધાન રવિ શંકર પ્રસાદે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું. જોકે સરકારે ટેલિકૉમ કંપનીઓની રજૂઆત પછી પણ દેશમાં 5G ટેક્નૉલૉજીના સ્પેક્ટ્રમની લિલામી વખતે ભાવ ઘટાડવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.

ટેલિકૉમ પ્રધાને જણાવ્યું હતું કે ‘દેશની મોબાઇલ કંપનીઓની કુલ ગ્રોસ રેવન્યુ વર્ષ ૨૦૧૬-’૧૭માં ૨.૬૫ લાખ કરોડ રૂપિયા હતી જે ૨૦૧૭-’૧૮માં ઘટી ૨.૪૬ લાખ કરોડ રૂપિયા અને ૨૦૧૮-’૧૯માં વધુ ઘટી ૨.૨૪ લાખ કરોડ રૂપિયા રહી છે. આની સાથે સરકાર જેની ઉપર સ્પેક્ટ્રમ ફી અને યુઝેજ ચાર્જ એકત્ર કરે છે એ ઍડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યુ પણ વર્ષ ૨૦૧૬-’૧૭માં ૧.૮૫ લાખ કરોડ રૂપિયા હતી એ ૨૦૧૮-’૧૯માં ઘટીને ૧.૩૯ લાખ કરોડ રૂપિયા રહી છે. આમ ત્રણ વર્ષમાં ગ્રોસ રેવન્યુમાં ૪૧,૦૦૦ કરોડ રૂપિયા અને ઍડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યુમાં ૪૬,૦૦૦ કરોડ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.’

પ્રધાને જણાવ્યું હતું કે ટેલિકૉમ ક્ષેત્રમાં હરીફાઈના કારણે કંપનીઓએ પોતાના ગ્રાહકો પાસેથી વસૂલાતા ચાર્જમાં ઘટાડો કર્યો છે. ગ્રાહકોની સંખ્યા વધી હોવા છતાં આ ઘટાડો એટલો તીવ્ર છે કે કંપનીઓની આવક ઘટી રહી છે.’ પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે ભારત સંચાર નિગમની આવક પણ વર્ષ ૨૦૧૬-’૧૭માં ૧૧,૨૭૧ કરોડ રૂપિયાની સામે ઘટી ૨૦૧૮-’૧૯માં માત્ર ૪૭૦૮ કરોડ રૂપિયા રહી ગઈ છે.

5G સ્પેક્ટ્રમના ભાવ નહીં ઘટે
અત્યારે દેશમાં 4G સ્પેક્ટ્રમ ઉપર મોબાઇલ-સેવાઓ ચાલે છે. આ ઉપરાંત, હજી પણ ગ્રાહકો 2G અને 3G સેવાઓનો ઉપયોગ કરી રહ્યા છે. આ સમયે ભારત સરકારે 5Gની અત્યાધુનિક સેવાઓ શરૂ કરવા માટે નવું સ્પેક્ટ્રમ ફાળવી એની લિલામીની તૈયારી કરી છે. ટ્રાઇ દ્વારા આ માટેના સ્પેક્ટ્રમ માટે ૪.૯ લાખ કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસ નક્કી કરવામાં આવી છે. ટેલિકૉમ કંપનીઓ પર જંગી દેવું છે, ખોટ કરી રહી છે ત્યારે આટલી મોટી રકમમાં તેઓ બોલી નહીં લગાવે એવી ચિંતા પણ છે. આ અંગે પ્રધાને જણાવ્યું હતું કે એસોચેમ, સીઆઇઆઇ જેવી સંસ્થાઓએ ચિંતા વ્યક્ત કરી છે, પણ સરકારે સ્પેક્ટ્રમના ભાવ ઘટાડવા માટે કોઈ નિર્ણય લીધો નથી.

આ પણ જુઓ : ત્યારે અને અત્યારેઃ જુઓ કેવા લાગે છે અંબાણી પરિવારના સભ્યો

ટૅરિફ વધારે પારદર્શી બનાવો
દરમ્યાન ટેલિકૉમ રેગ્યુલેટર ટ્રાઈ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતા ખર્ચ કે ચાર્જની વિગતો વધારે પારદર્શી બનાવવા માટેનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ટ્રાઇએ જણાવ્યું હતું કે ગ્રાહકો તરફથી એવી ફરિયાદ થઈ રહી છે કે કંપનીઓ છુપા ભાવ વસૂલી રહી છે. આથી ટ્રાઇએ દરેક કંપનીઓને સૂચના આપી છે કે ગ્રાહકોને ચાર્જિસ અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવે અને આ માટે જરૂરી પગલાં લેવા માટે એક ચર્ચાપત્ર પણ બહાર પાડવામાં આવ્યું છે. આ વિષે ગ્રાહકો અને અન્ય કંપનીઓના મત જાણી વિગતવાર માર્ગદર્શિક તૈયાર કરવામાં આવશે.

business news