મુંબઈમાં સોના-ચાંદીની નવી ઑલટાઇમ હાઈ સપાટીની આગેકૂચ ચાલુ રહી

10 April, 2024 06:37 AM IST  |  Mumbai | Mayur Mehta

ઇઝરાયલ-હમાસ યુદ્ધવિરામ મંત્રણા તૂટતાં સોનું વિશ્વબજારમાં નવી ઑલટાઇમ હાઈ સપાટીએઃ અમેરિકામાં એકાએક ૨૦૨૪માં ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાની કોઈ જરૂર ન હોવાની ચર્ચા શરૂ

પ્રતીકાત્મક તસવીર

ઇઝરાયલ-હમાસ વચ્ચેની યુદ્ધવિરામની મંત્રણા તૂટી પડતાં મિડલ ઈસ્ટમાં જિયોપૉલિટિકલ ટેન્શન વધવાની શક્યતાએ વિશ્વબજારમાં સોનું સતત આઠમા દિવસે ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચતાં એની અસરે મુંબઈમાં પણ સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૫૫૩ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૫૫૦ રૂપિયા વધ્યો હતો. મુંબઈમાં જ્વેલરી માર્કેટમાં સોનું છેલ્લા દસ દિવસમાંથી નવ દિવસ દરેક દિવસે નવી ઑલટાઇમ હાઈ સપાટીએ બંધ રહ્યું હતું. ચાંદી પણ છેલ્લા દસ દિવસમાંથીનવ દિવસ ઑલટાઇમ હાઈ સપાટીએ બંધ રહી હતી. મુંબઈમાં ચાંદીએ ૮૨,૦૦૦ રૂપિયાની નવી સપાટી પાર કરી હતી. 

વિદેશ પ્રવાહ
ઇજિપ્તની રાજધાની કેરોમાં યોજાયેલી ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામની મંત્રણા તૂટી પડતાં મિડલ ઈસ્ટમાં ટેન્શન વધશે એવી ધારણાએ વર્લ્ડ માર્કેટમાં સોનું સતત આઠમા દિવસે નવી ઑલટાઇમ હાઈ સપાટીએ ૨૩૬૫.૪૦ ડૉલર થયા બાદ મંગળવારે સાંજે ૨૩૫૪થી ૨૩૫૫ ડૉલરની રેન્જમાં રહ્યું હતું. અમેરિકન ડૉલર ઇન્ડેક્સ ૧૦૪.૧૭ પૉઇન્ટના લેવલે અને ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ પણ ૪.૪૧ ટકાના લેવલે સ્ટેડી હતા. અમેરિકન ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન આગામી એક વર્ષનું માર્ચ મહિનામાં ત્રણ ટકાએ સ્ટેડી રહ્યું હતું. છેલ્લા ત્રણ મહિનાથી ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ત્રણ ટકાએ સ્ટેડી રહ્યું છે, જ્યારે આગામી ત્રણ વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ૨.૭ ટકાથી વધીને ૨.૯ ટકાએ પહોંચ્યું હતું અને આગામી પાંચ વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ૨.૯ ટકાથી ઘટીને ૨.૬ ટકાએ પહોંચ્યું હતું. 

શૉર્ટ ટર્મ-લૉન્ગ-ટર્મ 
અમેરિકન ઇકૉનૉમિક કમ્યુનિટીમાં હવે એકાએક ૨૦૨૪માં ઇન્ટરેસ્ટ રેટમાં કોઈ ઘટાડો કરવાની જરૂર નથી એવી ચર્ચા છેલ્લા ચાર-પાંચ દિવસથી એકાએક વધી રહી છે. મિનિયોપૉલિસના ફેડ ચૅરમૅન નીલ કાશકરીએ છેલ્લા પાંચ દિવસમાં બે વખત ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરવાની કોઈ જરૂર નથી એવું આડકતરીએ રીતે જણાવ્યું છે. અમેરિકાના ભૂતપૂર્વ ટ્રેઝરી સેક્રેટરી લૉરેન્સ સુમર્સે બ્લૂમબર્ગ ટેલિવિઝનને આપેલા ઇન્ટરવ્યુમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટાડાની કોઈ જરૂર ન હોવાનું જણાવ્યું હતું, જ્યારે યુનિવર્સિટી ઑફ નૉર્થ કૅરોલિનાના ફાઇનૅન્સના પ્રોફેસર ગ્રેગોરી બ્રાઉને જણાવ્યું હતું કે હાલના શ્રેણીબદ્ધ સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ડેટા વચ્ચે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડાની ચર્ચાની કોઈ જગ્યા નથી. બૅન્ક ઑફ અમેરિકા સિક્યૉરિટીના ઇકૉનૉમિસ્ટ આદિત્ય ભાવેએ જણાવ્યું હતું કે જો જૂનમાં ફેડ ઇન્ટરેસ્ટ નહીં વધારે તો માર્ચ ૨૦૨૫ સુધી ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો થવાની શક્યતા નથી. આદિત્ય ભાવેના મતે અમેરિકન ઇન્ફ્લેશનની અનિશ્ચિતતા વચ્ચે ફેડના ઇન્ટરેસ્ટ રેટ ઘટાડા બાદ ઇન્ફ્લેશનમાં વધારો થવાની શક્યતા વધશે. આમ અમેરિકા દ્વારા ૨૦૨૪માં ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો નહીં કરાય એવી શક્યતા એકાએક ચારે તરફથી ચાલુ થઈ હોવાથી આગામી દિવસોમાં ડૉલર વધુ મજબૂત બનશે, પણ એની સાથે ઇઝરાયલ અને હમાસ વચ્ચેની યુદ્ધવિરામની મંત્રણા ફરી એક વખત તૂટી પડતાં જિયોપૉલિટિકલ ટેન્શન પણ વધવાની શક્યતા છે. આમ સોનું ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યા બાદ બેતરફી કારણો થકી અહીંથી હજી વધુ તેજી પણ થઈ શકે છે અને એકાએક મોટો ઘટાડો પણ આવી શકે છે.

business news share market stock market sensex gold silver price