સોનું વર્લ્ડ માર્કેટમાં સતત ત્રીજે દિવસે ઘટ્યું : મુંબઈમાં ત્રણ દિવસના ઘટાડા બાદ સોના અને ચાંદી વધ્યાં

25 April, 2024 06:59 AM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકી પ્રાઇવેટ સેક્ટરના નબળા ડેટાથી ડૉલર ઘટવાની સોના પર અસર જોવા મળી નહીં

પ્રતીકાત્મક તસવીર

સોનું વર્લ્ડ માર્કેટમાં સતત ત્રીજે દિવસે ઘટ્યું હતું. છેલ્લા ત્રણ દિવસમાં સોનું ત્રણ ટકા ઘટ્યું હતું. અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરના નબળા ડેટાને કારણે ડૉલર ઇન્ડેક્સ ઘટવા છતાં સોનાના ભાવ પર કોઈ અસર જોવા મળી નહોતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૨૨૮ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૬૮૦ રૂપિયા વધ્યો હતો. સતત ત્રણ દિવસના ઘટાડા બાદ સોના-ચાંદીમાં ઘટેલા ભાવે ખરીદી વધતાં ભાવ સુધર્યા હતા. 

વિદેશ પ્રવાહ
અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ પ્રીલિમિનરી ગ્રોથ એપ્રિલમાં ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ ૪૯.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે માર્ચમાં ૫૧.૯ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા બાવન પૉઇન્ટની હતી. અમેરિકાના સર્વિસ સેક્ટરનો પ્રીલિમિનરી ગ્રોથ એપ્રિલમાં ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ ૫૦.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જેના વિશે માર્કેટની ધારણા બાવન પૉઇન્ટની હતી. મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ બન્ને સેક્ટરનો ગ્રોથ ઘટતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ પણ ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ ૫૦.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે માર્ચમાં ૫૨.૧ પૉઇન્ટ હતો. 
અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ ઘટતાં અને જૅપનીઝ યેન તેમ જ ઑસ્ટ્રેલિયન ડૉલર વધતાં અમેરિકી ડૉલર ઇન્ડેક્સ ઘટીને ૧૦૫.૬૮ પૉઇન્ટે પહોંચ્યો હતો. બૅન્ક ઑફ જપાનની ચાલુ સપ્તાહે યોજાનારી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટમાં વધારો થવાની શક્યતા વધી હતી તેમ જ ઑસ્ટ્રેલિયાનું ઇન્ફ્લેશન ધારણા કરતાં વધુ આવતાં આગામી મીટિંગમાં રિઝર્વ બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયા ઇન્ટરેસ્ટ રેટ નહીં ઘટાડે એવી શક્યતાએ ઑસ્ટ્રેલિયન ડૉલર મજબૂત થયો હતો. 

શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ 
અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટ ૨૦૨૪માં ઘટવાના ચાન્સ દિવસે-દિવસે નીચે જઈ રહ્યા છે. સી.એમ.ઈ. ફેડ વૉચના ડેટા અનુસાર હાલ ફેડની આગામી છ મીટિંગમાંથી મેની મીટિંગમાં ૧.૯ ટકા, જૂનની મીટિંગમાં ૧૫.૦૩ ટકા, જુલાઈની મીટિંગમાં ૪૧.૫ ટકા, સપ્ટેમ્બરની મીટિંગમાં ૬૭.૮ ટકા, નવેમ્બરની મીટિંગમાં ૭૬.૩ ટકા અને ડિસેમ્બરની મીટિંગમાં ૮૭.૨ ટકા ઇન્ટરેસ્ટ રેટ ઘટવાના ચાન્સ છે. અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટ ઘટવાના ચાન્સ જેમ-જેમ ઘટશે એમ-એમ ડૉલરની મજબૂતી વધશે અને સોનાના ભાવ પર દબાણ વધશે. ડૉલરની મજબૂતી ઘટવાનું એકમાત્ર કારણ બૅન્ક ઑફ જપાન દ્વારા ઇન્ટરેસ્ટ રેટમાં આક્રમક વધારો કરવામાં આવે તો ડૉલર ઘટી શકે. અમેરિકન ડૉલર ઇન્ડેક્સમાં યુરોનું વેઇટેજ ૫૭.૬ ટકા બાદ બીજા ક્રમે જૅપનીઝ યેનનું વેઇટેજ ૧૩.૬ ટકા આવતું હોવાથી જો બૅન્ક ઑફ જપાન ઇન્ટરેસ્ટ રેટ વધારે તો હાલ જૅપનીઝ યેનનું મૂલ્ય ડૉલર સામે ૩૪ વર્ષની નીચી સપાટીએ છે એમાં મોટો વધારો થાય અને અમેરિકી ડૉલર પર દબાણ વધી શકે. આથી ગુરુ-શુક્રવારે યોજાનારી બૅન્ક ઑફ જપાનની મીટિંગનું આઉટકમ સોનાની તેજી-મંદી માટે મહત્ત્વનું બની રહેશે.  

business news share market stock market sensex nifty crypto currency gold silver price