અમેરિકન પ્રાઇવેટ સેક્ટરના નબળા ગ્રોથથી ડૉલર ઘટતાં સોનામાં મજબૂતી

26 April, 2024 06:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૅન્ક ઑફ જપાનની પૉલિસી મીટિંગનું આઉટકમ સોના-ચાંદીના ભાવિ ટ્રેન્ડ માટે અગત્યનું બની રહેશે

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરના નબળા ગ્રોથથી ડૉલર ઘટતાં સોનામાં નીચા મથાળેથી મજબૂતી જોવા મળી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૨૬૮ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૨૧૧ રૂપિયા વધ્યો હતો. મુંબઈમાં સોના-ચાંદીના ભાવ સતત બીજે દિવસે વધ્યા હતા. 

વિદેશ પ્રવાહ
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ ગુરુવારે ૦.૨૬ ટકા ઘટીને ૧૦૫.૬૦ પૉઇન્ટે પહોંચ્યો હતો. અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ નબળો રહેતાં તેમ જ જૅપનીઝ ઇન્ટરેસ્ટ રેટ વધવાની શકયતાને પગલે ડૉલર ઇન્ડેક્સ ઘટ્યો હતો. અમેરિકાનો ગ્રોથરેટ અને પર્સનલ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચર ડેટાની રાહે ડૉલરમાં નવી લેવાલીનો અભાવ પણ જોવા મળ્યો હતો. અમેરિકાના ડ્યુરેબલ ગુડ્સ ઑર્ડર માર્ચમાં ૨.૬ ટકા વધ્યા હતા જે ફેબ્રુઆરીમાં ૦.૭ ટકા વધ્યા હતા અને માર્કેટની ધારણા ૨.૫ ટકા વધવાની હતી. ડ્યુરેબલ ગુડ્સ ઑર્ડર સતત બીજે સપ્તાહે વધ્યા હતા અને આ વધારો છેલ્લા પાંચ મહિનાનો સૌથી મોટો હતો. અમેરિકાના ૩૦ વર્ષના ફિક્સ્ડ મૉર્ગેજ રેટ ૧૯મી એપ્રિલે પૂરા થયેલા સપ્તાહના અંતે ૧૧ બેસિસ પૉઇન્ટ વધીને પાંચ મહિનાની ઊંચાઈએ  ૭.૨૪ ટકાએ પહોંચ્યા હતા. મૉર્ગેજ રેટ સતત ત્રીજે સપ્તાહે વધ્યા હતા. અમેરિકામાં મૉર્ગેજ રેટ સતત વધી રહ્યા હોવાથી મૉર્ગેજ ઍપ્લિકેશન લેનારાઓની સંખ્યા ૨.૭ ટકા ઘટીને બે મહિનાની નીચી સપાટીએ પહોંચી હતી. અગાઉના સપ્તાહે મૉર્ગેજ ઍપ્લિકેશન લેનારાઓની સંખ્યા ૩.૩ ટકા વધી હતી. 

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ 
ઈરાન અને ઇઝરાયલ બન્નેએ એકબીજા પર મિલિટરી ઍક્શન લેવાનું હાલ મુલતવી રાખ્યું હોય એવા સંકેતો મળી રહ્યા છે. ઉપરાંત રેડ સી એરિયામાં હુથી આંતકવાદીઓની ઍ​ક્ટિવિટી પણ લગભગ બંધ થતાં સ્ટીમરોની આવનજાવન રાબેતા મુજબ થવા લાગી હોવાથઈ મિડલ-ઈસ્ટમાં એકાએક ટેન્શન હળવું થયું છે. જોકે આ મોટી ઍક્શન પહેલાંની શાંતિ છે કે કેમ એ વિશે હજી અનિશ્ચિતતા છે. મિડલ-ઈસ્ટમાં ટેન્શન ઘટી જતાં સોનું ૨૪૩૧.૭૦ ડૉલરની ઑલટાઇમ હાઈ સપાટીથી ૧૨૫ ડૉલર ઘટી ગયા બાદ ડૉલરની નબળાઈને કારણે થોડું સુધર્યું છે. અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ નબળો રહેતાં ફરી એક વખત ફેડ ૨૦૨૪માં ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરશે એવી આશા જાગૃત થતાં સોનામાં નીચા મથાળે થોડી લેવાલી નીકળી હતી, પણ અમેરિકાના ડ્યુરેબલ ગુડ્સ ઑર્ડર મજબૂત આવતાં હવે ફેડ સપ્ટેમ્બર મહિનાની મીટિંગ પહેલાં ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો શરૂ કરે એવી કોઈ શક્યતા નથી. બૅન્ક ઑફ જપાનની બે દિવસની પૉલિસી મીટિંગ શરૂ થઈ ચૂકી હોવાથી હાલ સોના-ચાંદીના વેપાર સાથે સંકળાયેલા તમામ સ્ટેક હોલ્ડર્સની નજર એની પર રહેશે. આગામી ત્રણ દિવસ દરમ્યાન બૅન્ક ઑફ જપાનની પૉલિસી મીટિંગનું આઉટકમ, અમેરિકાના ફર્સ્ટ ક્વૉર્ટરના ગ્રોથરેટનું ઍડ્વાન્સ એસ્ટીમેટ અને પર્સનલ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચર પ્રાઇસ ઇન્ડેક્સ જાહેર થશે. આ ત્રણેય ડેટા ફેડના ઇન્ટરેસ્ટ રેટ ઘટાડાના સ્ટૅન્ડને ​ક્લિયર કરશે જેના પરથી સોના-ચાંદીની બજારનો ભાવિ ટ્રેન્ડ નક્કી થશે. 

business news share market stock market sensex nifty