ઇઝરાયલ-ઈરાન યુદ્ધની અસરે સોનાની તેજી પરાકાષ્ઠાએ પહોંચ્યા બાદ પીછેહઠ

16 April, 2024 07:17 AM IST  |  Mumbai | Mayur Mehta

મુંબઈમાં સોના-ચાંદીનો ભાવ એપ્રિલમાં પ્રથમ વખત ૩૦૦ રૂપિયાથી વધુ ઘટ્યો : ગોલ્ડમેન સાક્સે વર્ષાન્તે સોનું ૨૭૦૦ ડૉલર અને એ. એન. ઝેડ બૅન્ક ૨૫૦૦ ડૉલર થવાની આગાહી કરી

પ્રતીકાત્મક તસવીર

ઇઝરાયલ-ઈરાન યુદ્ધની અસરે સોનું નવી ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું, પણ સોનાની તેજી પરાકાષ્ઠાએ પહોંચી હોવાથી તેજીમાં પીછેહઠ જોવા મળી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૩૬૧ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૩૬૭ રૂપિયા ઘટ્યો હતો. એપ્રિલ મહિનામાં પ્રથમ વખત સોના-ચાંદીનો ભાવ ૩૦૦ રૂપિયા કરતાં વધુ ઘટ્યો હતો. 

વિદેશ પ્રવાહ

ઈરાને ઇઝરાયલનાં મિલિટરી મથકો પર અટૅક કર્યો એના ગણતરીના કલાકોમાં સોનું વધીને નવી ઑલટાઇમ હાઈ સપાટીએ ૨૪૩૧.૨૯ ડૉલર પહોંચ્યુ હતું, પણ આ તેજી ૨૪ કલાક પણ ટકી નહોતી. સોમવારે સોનાનો ભાવ ઘટીને ૨૩૪૪.૬૦ ડૉલર થયા બાદ સાંજે ૨૩૫૯થી ૨૩૬૦ ડૉલરની રેન્જમાં હતો. ગોલ્ડમેન સાક્સે સોનું વર્ષાન્તે ૨૭૦૦ ડૉલર અને એ. એન. ઝેડ (ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડ બૅ​ન્કિંગ કૉર્પોરેશન)એ વર્ષાન્તે સોનું ૨૫૦૦ ડૉલર થવાની આગાહી કરી હતી. અમેરિકી ડૉલર ઇન્ડેક્સ વધીને પાંચ મહિનાની ઊંચાઈએ ૧૦૬.૦૪ પૉઇન્ટે પહોંચ્યો હતો. ઈરાન દ્વારા ઇઝરાયલ પરના હુમલાને કારણે ક્રૂડ તેલ, નેચરલ ગૅસ અને અન્ય કૉમોડિટીના ભાવ વધવાની ધારણાને કારણે અમેરિકાનું ઇન્ફ્લેશન આગામી મહિનાઓમાં વધવાની સ્થિતિ વચ્ચે ફેડરલ રિઝર્વ ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરવાનું વિચારી શકે એમ નથી એટલે ડૉલર ઇન્ડેક્સ સતત વધી રહ્યો છે.  

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ 

રશિયા-યુક્રેન, ઇઝરાયલ-હમાસ બાદ હવે ઇઝરાયલ-ઈરાન યુદ્ધ ચાલુ થતાં સોનાની તેજીને જિયોપૉલિટિકલ ટેન્શનનો ભરપૂર સપોર્ટ મળી રહ્યો છે. ૨૦૨૪ના આરંભથી અત્યાર સુધીમાં સોનામાં ૧૪ ટકાની તેજી થઈ ચૂકી છે. વર્લ્ડ માર્કેટમાં સોનું ૧૩મી ફેબ્રુઆરીએ ૧૯૯૨ ડૉલર હતું જે ગયા શુક્રવારે વધીને ૨૪૩૧.૨૯ ડૉલરની સપાટીએ પહોંચ્યું હતું. માત્ર બે મહિનામાં સોનામાં ૪૩૯.૨૯ ડૉલરની એટલે કે ૨૨.૦૫ ટકાની તેજી જોવા મળી છે. આટલી મોટી અને ઝડપી તેજી કોઈ પણ માર્કેટમાં અગાઉ જવલ્લે જ જોવા મળી છે. ગોલ્ડમેન સાક્સ અને અન્ય બૉન્કોએ સોનાના ભાવ વર્ષાન્તે ૨૫૦૦થી ૨૭૦૦ ડૉલર થવાની આગાહી કરી છે, પણ સોનાના ભાવમાં ખરેખર આટલી મોટી તેજી થઈ શકે ખરી? જેનો જવાબ છેલ્લા બે દિવસની વધ-ઘટ પરથી મળી રહ્યો છે. ઈરાને ઇઝરાયલ પર હુમલો કર્યો એના ગણતરીના કલાકોમાં સોનું વધીને ૨૪૩૧.૨૯ ડૉલર થયું, પણ તેજી ટકી શકી નથી. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ હજી ચાલુ છે છતાં સોનામાં તેજી ટકી શકી નથી એ બતાવે છે કે હવે સોનાની તેજી પરાકાષ્ઠાએ પહોંચી છે, કારણ કે સોનાની પ્રોડક્શન કૉસ્ટ કરતાં હાલના ભાવ બેથી ત્રણ ગણા છે. આમ સોનામાં હવે વધુ તેજી માટે અતિ મજબૂત નવા કારણની જરૂર પડશે, પણ તમામ કારણોની અસર હવે થઈ ચૂકી હોવાથી નવું કારણ મળવું મુશ્કેલ છે.

business news share market stock market sensex nifty iran israel gold silver price